________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫. વિષાદ અને હર્ષ શ્રી રામ-લક્ષ્મણે લવ-કુશને જોયા.
શ્રી રામ અને લક્ષ્મણજીના રથ સાથે જ હતા. લવ-કુશને એકીટસે જોઈ રહેલા, શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું : “લક્ષ્મણ, આ સુંદર કુમારો, આપણા શત્રુઓ કોણ છે? સાચું કહું તો મારું મન સ્વાભાવિક રીતે જ તેમને ચાહવા લાગ્યું છે. કેવું મનોહર રૂપ છે બંનેનું! એમ થાય છે કે કૂદીને એમના રથમાં જઈને ભેટી પડું! એમની સાથે યુદ્ધ કેવી રીતે થાય?'
શ્રી રામ લક્ષ્મણને કહી રહ્યા છે ત્યાં તો લવનો રથ સામે આવી ઊભો રહ્યો. કુશનો રથ લક્ષ્મણજીની સામે આવીને ઊભો રહ્યો. બંને કુમારોએ પોતાના પિતાને અને કાકાને નજરે નિહાળ્યા. તેઓનું હૃદય આનંદિત થયું. લવે શિષ્ટ ભાષામાં શ્રી રામને કહ્યું
હે અજયપુરુષ! રાવણ જેવા રાવણને પણ રણમાં રોળી નાંખનાર પરાક્રમી પુરુષ, ધણા સમયથી તમને જોવાની ઇચ્છા આજે ફળી છે, વીરયુદ્ધની મારી કામના આજે ફળી છે. રાવણ સાથેના યુદ્ધમાં પણ તમારી “વીરયુદ્ધની કામના સફળ નહીં થઈ હોય તે હું પૂર્ણ કરીશ અને તમે મારી ઇચ્છા પૂર્ણ કરશો.”
લવના વચનો સાંભળતાં જ શ્રીરામ-લક્ષ્મણે ધનુષ્યટંકાર કરી, રણમેદાન ધ્રુજાવી દીધું. એની સામે લવ અને કુશે પણ ધરણી ધ્રુજાવતો ધનુષ્ય ટંકાર કર્યો.
શ્રી રામના રથનું સંચાલન કૃતાન્તવદન કરતો હતો. તેમની સામે લવના રથનું સંચાલન મહારાજા વજજંઘ કરી રહ્યા હતા.
લક્ષ્મણજીનો રથ વિરાધ હાંકતો હતો. કુશના રથના સારથિ મહારાજા પૃથુ બન્યા હતા. બંને પક્ષે પઢ, અનુભવી અને યુદ્ધવિશારદ સારથિઓ હતા.
શ્રી રામ અને લવનું ભીષણ યુદ્ધ જામ્યું. ચારેય દિશામાં રથો ઘૂમતા હતા અને રણવીરો ચપળતાથી શસ્ત્રો ફેંકી, એકબીજાને પરાજિત કરવા પ્રયત્ન કરતા હતા. લવ જાણતો હતો કે “સામે પિતાજી છે!' શ્રી રામ જાણતા ન હતા કે “સામે મારો જ પુત્ર છે! લવ સંભાળીને યુદ્ધ કરતો હતો. શ્રી રામ શત્રુને વીંધી નાખવા તલપાપડ બન્યા હતા. બીજી બાજુ લક્ષ્મણજીને કુશ હંફાવી રહ્યો હતો. વિરાધ અને પૃથુ રથ-સંચાલનમાં વિશારદ હતા. કુશ પોતાની તમામ કલાને પ્રદર્શિત કરતો, દેવોને પણ દર્શનીય યુદ્ધ કરી રહ્યો હતો.
અનેક શસ્ત્રોથી શ્રી રામે યુદ્ધ કર્યું, પરંતુ તેઓ માત્ર રક્ષણાત્મક યુદ્ધ કરતા
For Private And Personal Use Only