________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણવધ
૧૫
સ્ત્રીઓના રુદન સ્વર સંભળાઈ રહ્યા છે. આવા વાતાવરણમાં પ્રયાણ કરવું ઉચિત નથી.’
‘મારે એ બધું શુકન-શાસ્ત્ર નથી સાંભળવું, રથ હંકારો.’ લંકાપતિએ રાડ પાડી. સારથિએ રથને દોડાવી મૂક્યો. રાજપુરોહિતે મંદોદરી સામે જોઈ, ઊંડો નિસાસો નાંખ્યો. મંદોદરીના હૃદયમાં ફાળ પડી ગઈ. તેનું દક્ષિણચક્ષુ સ્ફુરાયમાન થવા લાગ્યું. તે ધ્રુજી ઊઠી. રાજપુરોહિતે કહ્યું :
‘મહાદેવી, હવે બીજો વિચાર ન કરો. ભવિતવ્યતા જ ભાન ભુલાવે છે. આજના યુદ્ધનું પરિણામ સારું નહિ આવે, પરંતુ શું થાય? આપ ધર્મધ્યાનમાં મન સ્થિર કરો. લંકાપતિનું શુભ ચિંતવો.’
બીજી રાણીઓ સાથે મંદોદરી રાજમહેલમાં ચાલી ગઈ. સ્નાનથી શરીરશુદ્ધિ કરી, તે ગૃહચૈત્યમાં ભગવાન શાંતિનાથના પૂજન માટે ચાલી ગઈ.
અરુણોદય થઈ ગયો હતો.
બન્ને પક્ષે સૈન્યો શસ્ત્રસજ્જ બની ખડાં થઈ ગયાં હતાં. રાવણનો ૨થ યુદ્ધના મેદાન પર આવી પહોંચતાં, રાક્ષસસૈન્યે ગગનભેદી આનંદ-ધ્વનિ કર્યો.
રામસૈન્યમાં આજે ગજબ ઉત્સાહ અને તરવરાટ દેખાતો હતો. સૈન્યના અગ્રભાગે રોષથી ધમધમતા લક્ષ્મણજી ઊભા હતા. તેમની પાસે જ શ્રી રામ ‘હળ' શસ્ત્ર લઈને ઊભા હતા. સૈન્યના એક ભાગે હનુમાન, ભામંડલ અને અંગદ હતા. બીજા છેડે સુગ્રીવ, નલ અને પ્રસન્નકીર્તિ હતા. બિભીષણે લક્ષ્મણજીની નજીક સ્થાન લીધું હતું. સહુ સૂર્યોદયની રાહ જોતા હતા, ત્યાં જ પૂર્વદિશા લાલ થઈ ગઈ અને સહસ્રરશ્મિ ક્ષિતિજની બહાર આવ્યા.
સૂર્યોદય થયો.
ઘોર યુદ્ધ આરંભાયું.
લક્ષ્મણજીએ પહેલું જ તીર રાવણ તરફ છોડ્યું અને રાવણના કુંડલમાંથી તે પસાર થઈ ગયું. લક્ષ્મણજીએ તીરોની વર્ષા વરસાવી રાવણને ઢાંકી દીધો. રાવણ લક્ષ્મણજીનું પરાક્રમ જોઈ દિંગ થઈ ગયો. તેણે લક્ષ્મણજી સામે કમર કસીને યુદ્ધ ખેલવા માંડ્યું.
બીજી બાજુ યમદંડ સેનાપતિ વીર બનીને ઝઝૂમી રહ્યો હતો. સુગ્રીવ, નલનીલ અને પ્રસન્નકીર્તિની સામે બાથ ભીડી હતી. જોતજોતામાં તેણે નલ-નીલને ઘાયલ કરી, પ્રસન્નકીર્તિને હંફાવવા માંડ્યો. સુગ્રીવે પ્રસન્નકીર્તિને સંજ્ઞા કરી. પ્રસન્નકીર્તિ નલ-નીલને રથમાં નાંખી છાવણીમાં લઈ ગયો.
For Private And Personal Use Only