________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭૫૩
રાજમાતાઓનાં પ્રફુલ્લિત વદન જોઈ, મારા મનને કેટલી બધી નિરાંત થઈ! હું એ માતાઓની વેદના જોઈ શકતો ન હતો.’
‘માતાઓને નવું જીવન મળ્યું છે, મહામંત્રી અને મારો તો સાવ ભાર જ ઊતરી ગયો છે. એક વાત કહું મહામંત્રી?’
‘અવશ્ય, કહો મહારાજા!'
બસ, હવેથી તમારે મને ‘મહારાજા’ નું સંબોધન ન કરવું. આપણા સહુના મહારાજા આર્યપુત્ર છે, હું તો તેમનો ચરણ-સેવક છું.’
મહામંત્રી મૌન રહ્યા. ક્ષણવાર ભરતના શબ્દોએ, તેમના હૃદયને આર્દ્ર કરી દીધું. તેમનું હૃદય ભરતની નિર્લેપ વૃત્તિ અને સાત્ત્વિક પ્રકૃતિ પર ઓવારી ગયું. ‘ધન્ય છે અયોધ્યાનું રાજકુળ! ધન્ય છે રાજકુમારને!'
‘વિચારમાં પડી ગયા, મહામંત્રી? વિચારવાનું છે જ નહીં. તાતતુલ્ય આર્યપુત્ર અયોધ્યામાં છે. હવે હું રાજા નથી. કાલે પ્રભાતથી તમારે રાજ્યસંબંધી સમગ્ર વ્યવહાર આર્યપુત્ર સાથે જ કરવાનો.'
‘સાચી વાત છે આપની, પરંતુ સંપ્રતિ શ્રી રામ કેટલા બધા વ્યસ્ત છે? દર્શનાર્થીઓની કેટલી ભીડ હોય છે? માંડ ભોજન પણ કરી શકે છે, ત્યાં હું...'
‘ભલે, હમણાં હું રાજ્યનું કાર્ય સંભાળીશ પરંતુ ‘રાજા' તરીકે નહીં, આર્યપુત્રના અનુચર તરીકે. મને આર્યપુત્ર આજ્ઞા કરશે તેમ હું કરીશ, પરંતુ....’ ભરતના મુખ પર ગ્લાનિ આવી ગઈ. શબ્દો ગળગળા થઈ ગયા. મહામંત્રી ચોંકી ઊઠયા.
‘મહારાજા! વિશાદ શાને?’
ભરતની આંખો બંધ થઈ ગઈ હતી. મુખ પર વેદના ઊપસી આવી હતી. વૃદ્ધ મહામંત્રીએ ઊભા થઈ, ભરતના હાથ પોતાના હાથમાં લઈ લીધા. ભરતના હાથ ગરમ હતા. વાત્સલ્યભર્યા વૃદ્ધ હાથ ભરતના સુકોમળ હાથને પંપાળી રહ્યા. ‘આપનો વિષાદ મારાથી નહીં જોવાય, મારા નાથ,' મહામંત્રીની આંખો સજલ બની ગઈ. સ્વર કંપી ઊઠ્યો.
ભરતે આંખો ખોલી, આકાશ તરફ જોયું, જોયા જ કર્યું. મહામંત્રી ઊભા જ રહ્યા. ‘આપ બેસો' ભરત બોલ્યા.
મહામંત્રી પુનઃ આસન પર બેઠા. ભરતે મહામંત્રી સામે જોયું. ‘હવે હું આ સંસારનાં બંધનોમાં, સુખનાં બંધનોમાં નહીં રહી શકું. મને
For Private And Personal Use Only