________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૦.
જૈન રામાયણ હા દેવી, આપનો શ્રી રામે સર્વથા ત્યાગ કર્યો છે, અન્યથા આવા ભીષણ વનમાં શા માટે?
સેનાપતિ રડી પડ્યો. સીતાજીના મુખ પર ગંભીરતા છવાઈ. તેમણે કંઈક વિચાર કર્યો અને સેનાપતિને કહ્યું :
હે ભદ્ર! ભલે આર્યપુત્રે મારો ત્યાગ કર્યો પરંતુ તેઓ પ્રત્યે મારા હૃદયમાં શ્રદ્ધા છે, ભક્તિ છે. તું આર્યપુત્રને મારો આટલો સંદેશ આપજે. એમને કહેજે કે આપને લોકનિંદાનો ભય લાગ્યો, અપકીર્તિનો ભય લાગ્યો, તો આપે મારી પરીક્ષા કેમ ન કરી? આપ મારી પરીક્ષા કરીને, લોકોની શંકા દૂર કરી શક્યા હોત, જ્યાં શંકા હોય ત્યાં “દિવ્ય” કરી શકાય છે, પરંતુ આપે આમ ન કર્યું. હા મારાં અશુભ કર્મ આ ભીષણ વનમાં હું ભોગવીશ. મારું ભાગ્ય પરવાર્યું છે, અભાગિની છું, પરંતુ આપે શું આપના વિવેકને અનુરૂપ આ પગલું ભર્યું? આપ વિશ્વના શ્રેષ્ઠ પુરુષ છો. આપને વિશ્વ વિવેકી સમજે છે, હું પણ વિવેકી સમજુ છું. આ આપનું પગલું વિવેકને અનુરૂપ નથી, આપ આપના કુલને કલંકથી બચાવી લેવા તત્પર થયા અને મારો ત્યાગ કર્યો! શું આપના ઉજ્વળ કુળને માટે પણ, એક અકલંક, અનપરાધિની સ્ત્રીનો આવા ભીષણ વનમાં ત્યાગ કરાવી દેવો ઉચિત છે? શું આપ સ્વય મારા સતીત્વમાં નિઃશંક ન હતા? વત્સ લક્ષ્મણને મારા નિર્મલ ચારિત્રમાં શ્રદ્ધા ન હતી? શું લોક-અપવાદથી બચવાનો બીજો કોઈ ઉપાય જ ન હતો? ભલે મારા પૂર્વકૃત પાપોના ઉદયે આવેલાં દુઃખો હું ભોગવીશ, કારણ કે સંસાર જ દુઃખમય છે. પરંતુ અધમ પુરુષોના કહેવાથી, જેમ આપે મારો ત્યાગ કર્યો તેમ મિથ્યાષ્ટિ જીવોના કહેવાથી જિનભાષિત ધર્મનો ત્યાગ ન કરશો.'
આટલું બોલતાં બોલતાં સીતાજીનો કંઠ ભરાઈ ગયો. આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. મૂચ્છિત થઈને તેઓ જમીન પર ઢળી પડયાં. કૃતાંતવદન “હા દેવી.” બોલતો મોટા સ્વરે રડી પડ્યો. અશ્વોની આંખો સજલ બની ગઈ. થોડી ક્ષણો વિતી. મૂછ દૂર થઈ ને સીતાજીએ આંખો ખોલી, તેઓ ઊભાં થઈ કૃતાંતવદનને કહેવા લાગ્યાં : '
મારા વિના શ્રી રામ કેવી રીતે જીવશે? અરે, હું જીવિત છતાં એમના માટે મૃત્યુ પામેલી છું. હે વત્સ, શ્રીરામનું કલ્યાણ , લક્ષ્મણને મારા આશીર્વાદ કહેજે અને હે વત્સ, શિવાસ્તેિ સન્તપન્થાનો. . તું શ્રી રામ પાસે જા.'
કૃતાંતવદન વિધિની ક્રૂરતાનો વિચાર કરે છે. મહાસતી સીતા અને મહામના
For Private And Personal Use Only