________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
જૈન રામાયણ પશ્ચિમમુનિએ કહ્યું : “તમે કહો છો તે સત્ય છે, પરંતુ મને સમજાતું નથી કે હું કેમ એ સુખો તરફ આકર્ષાઈ રહ્યો છું? મેં જ્યારથી રાજા-રાણીની ક્રીડા જોઈ છે ત્યારથી એનું આકર્ષણ જામ્યું છે.'
પ્રથમમુનિએ કહ્યું : “ભલે એ નિમિત્તે તમારા મનમાં વિક્ષોભ પેદા કરી દીધો. પરંતુ આપણે જ્ઞાનબળે એ વિક્ષોભને દૂર કરી શકીએ. વિષય કષાયનાં દમન કરવાનું આપણું જીવન છે. ચંચળ ચિત્તવૃત્તિઓનું દમન કર્યે જ છૂટકો છે. અનાદિકાલીન વિષય-કષાયની વૃત્તિઓ પર આપણે વિજય મેળવવાનો છે. તે માટે જ આપણે સાધુ બન્યા છીએ. સાધુજીવન એટલે દુષ્ટવૃત્તિઓ સાથે લડી લેવાનું જીવન. હા, ક્યારેક દુષ્ટવૃત્તિઓ આપણા પર પ્રહાર કરી જાય, પરંતુ તેટલા માત્રથી આપણે તેની શરણાગતિ ન સ્વીકારી લેવી જોઈએ. પુનઃ પુનઃ એ વૃત્તિઓ પર હુમલા કરી, તેમને જર્જરિત કરી દેવી જોઈએ. ભાઈ! તમે ડરો નહીં, હું તમારી સાથે છું.” - પશ્ચિમમુનિના મુખ પર કંઈક લજ્જા, વિક્ષોભ અને ઉદ્વેગની રેખાઓ ખેંચાઈ. તેમની દૃષ્ટિમાં ચંચળતા હતી. મોક્ષસુખ અને ભોગસુખ વચ્ચે તેમનું મન ઝોલાં ખાઈ રહ્યું હતું. પ્રથમમુનિનાં વચનો તેમના અંતઃકરણ સુધી પહોંચી શકતાં ન હતાં, મોક્ષસુખની કલ્પના લુપ્ત થઈ ગઈ હતી. સંસારનાં સુખોએ તેમને જકડી લીધા હતા.
પ્રથમમુનિએ અન્ય મુનિઓને પશ્ચિમમુનિના સંકલ્પની જાણ કરી. મુનિસમુદાયમાં ખળભળાટ મચી ગયો. પશ્ચિમમુનિની ચારેય બાજુ મુનિઓ આવીને બેસી ગયા. પશ્ચિમમુનિના સંકલ્પને દૂર કરવા તેઓ સમજાવવા લાગ્યા. પશ્ચિમમુનિ મૌનપણે સહુની વાતો સાંભળી રહ્યા. જ્યારે સહુ સમજાવીને મૌન થઈ ગયા ત્યારે પશ્ચિમમુનિએ કહ્યું :
હે મુનિવરો, તમે મને સંસારસુખનું નિયાણું કરવા ના પાડો છો. તમારી વાત હું સમજી શકું છું. સંસારને અસાર સમજીને હું સાધુ બન્યો છું પરંતુ જીવના અધ્યવસાયો પરિવર્તનશીલ છે. મારા મનમાં જે સંસારસુખની આકાંક્ષા જાગ્રત થઈ છે, એનું શમન કરવાની મારી શક્તિ નથી. મારો સંકલ્પ અવિચલ છે, આપ મને ક્ષમા કરો.'
પશ્ચિમમુનિ ત્યાંથી ચાલ્યા ગયા.
આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ જ રાજા-રાણીને ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા. નામ રતિવર્ધન રાખવામાં આવ્યું.
રતિવર્ધન યૌવનવયમાં આવતાં માતાપિતાએ તેને પરણાવ્યો. અનેક રૂપરમણીઓના સંગે ભોગસુખ ભોગવતો જીવન વ્યતીત કરવા લાગ્યો.
For Private And Personal Use Only