________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭૨૩
બંને ભાઈઓ પાંચમાં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધનગરમાં અવતર્યા. બંને રાજ કુમાર બન્યા. યુવાન વયમાં ચારિત્ર સ્વીકારી, કાળધર્મ પામી બારમા દેવલોકમાં ગયા.
બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, તે બંને ભાઈઓ લંકામાં પ્રતિવાસુદેવ રાવણના મહેલમાં પુત્રરૂપે અવતર્યા. તે એકનું નામ ઇન્દ્રજિત અને બીજાનું નામ મેઘવાહન.
ઇન્દ્રજિત અને મેઘવાહન પોતાના પૂર્વભવોનો વૃત્તાંત સાંભળી, વૈરાગ્યવાસિત બન્યા. સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે રતિવર્ધનના ભવમાં જે માતા ઇન્દુમુખી હતી તે જ મંદોદરી છે, ત્યારે રાક્ષસ-પરિવારમાં આશ્ચર્ય ફેલાયું.
ઇન્દ્રજિત અને મેઘવાહને ચારિત્ર ગ્રહણ કરવાનો, પોતાનો સંકલ્પ ઘોષિત કર્યો. કુંભકર્ણે પણ ચારિત્ર સ્વીકારવાની ઘોષણા કરી. મંદોદરી વગેરે લંકાની રાણીઓએ પણ ચારિત્ર લેવાનો સંકલ્પ જાહેર કર્યો. રાક્ષસ પરિવારની આ જાહેરાતે લંકામાં આનંદ અને શોકની મિશ્ર લાગણીઓ ફેલાવી. લોકપ્રિય લંકાપતિ રાવણના અવસાનથી લંકાની પ્રજા વ્યથિત હતી, ત્યાં કુંભકર્ણ અને ઇન્દ્રજિત-મેઘવાહન તે પ્રજા માટે એક મોટું આશ્વાસન હતા.
અપ્રમેયબલ મહામુનિની પર્ષદામાં ઉપસ્થિત હજારો સ્ત્રી-પુરુષોએ કુંભકર્ણ વગેરેને આંસુભરી આંખે વિનંતી કરીને, તેમને ચારિત્ર ન લેવા સમજાવ્યા, પરંતુ તેઓ દૃઢ સંકલ્પ કરનારા હતા. તેમનું હૃદય હવે સંસારના કોઈ સુખ માટે તલપતું ન હતું. સંસારના કોઈ સુખ માટે તેમને કામના ન હતી, પછી તેઓ શા માટે સંસારમાં રહે?
થોડા સમય પૂર્વે બાહ્ય શત્રુઓ સામે ઝઝૂમતા રાક્ષસવંશના પરાક્રમી કુમા૨ો થોડા સમય પછી આંતરશત્રુઓ સામે ઝઝૂમનારા મુનિવરો બની ગયા! ગઈ કાલ સુધી લંકાના અપ્રતિમ રાજમહાલયોના અંતઃપુરમાં રંગ-રાગ-લીન બની, રાવણને રીઝવનારી સન્નારીઓ આજે ત્યાગ વિરાગમાં લીન બની, પરમાત્માને રીઝવનારી આર્યાઓ બની ગઈ.
હૃદયનું પરિવર્તન કયા પ્રસંગે અને કેવા સંયોગોમાં થઈ જાય છે તે છદ્મસ્થ ન સમજી શકે. કાલનો પાપી આજે ધર્માત્મા બની શકે છે અને આજનો ધર્માત્મા કાલે પાપી બની શકે છે.
શ્રી રામે નૂતન મુનિવરોનાં ચરણે વંદના કરી. શ્રી લક્ષ્મણજી, સુગ્રીવ, બિભીષણ ઇત્યાદિએ પણ વંદના કરી. બિભીષણે શ્રીરામને પ્રણામ કરી કહ્યું.
For Private And Personal Use Only