________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૬
જૈન રામાયણ સુગ્રીવે યમદંડને પડકાર્યો. દેવોને પણ દર્શનીય યુદ્ધ ખેલાવા માંડ્યું. ક્ષણમાં ઇન્દ્રજિતના પરાક્રમને યાદ કરાવી જાય અને ક્ષણમાં કુંભકર્ણની સ્મૃતિ કરાવી જાય તેવું યુદ્ધ યમદંડ ખેલી રહ્યો હતો. સુગ્રીવ આશ્ચર્યચકિત થઈ ગયો પણ સુગ્રીવે યમદંડની સાથે વધુ સમય યુદ્ધ ન ખેલ્યું. ગદાયુદ્ધમાં સુગ્રીવે યમદંડને યમલોકમાં પહોંચાડી દીધો.
યુદ્ધના મધ્ય ભાગમાં લક્ષ્મણજી અને રાવણનું જ યુદ્ધ જામ્યું હતું. બાકી સહુ દૃષ્ટા બની ગયા હતા! જાણે જય-પરાજયનો નિર્ણય એ બે જ કરી લેવાના હોય! રાવણે “બહુરૂપિણી વિદ્યા” નું સ્મરણ કર્યું. તરત અસંખ્ય રાવણ પ્રગટ થયા! ભીષણ રૂપધારી અસંખ્ય રાવણોને જોઈ ઉપર-નીચે, આજુ-બાજુ રાવણને ઊભરાયેલા જોઈ લક્ષ્મણજી ચિંતામાં પડી ગયા. રાવણે પોતાનાં અસંખ્ય રૂપોથી લક્ષ્મણજી સામે લડવા માંડ્યું. “મૂળ રાવણ કોણ? એ ઓળખી શકાય એમ ન હતું. લક્ષ્મણજીએ ચારે બાજુ તીરોનો મારો ચલાવી કેટલાંય રૂપોને નષ્ટ કરી
દીધાં.
લક્ષ્મણજીએ આજે પોતાનું અજબ પૌરૂષ બતાવવા માંડ્યું હતું. અસંખ્ય રાવણો સામે એકલા લક્ષ્મણજી ઝઝૂમી રહ્યા હતા અને એક-એક તીરથી એકએક રાવણને ભૂશરણ કરતા હતા.
રાવણે લક્ષ્મણજીનું તાંડવ નૃત્ય જોયું. તે દિમૂઢ થઈ ગયો. લક્ષ્મણજીના આવા પરાક્રમની ક્યારેય રાવણે કલ્પના કરી ન હતી. “બહુરૂપિણી વિદ્યાની શક્તિ પણ જ્યારે લક્ષ્મણજીનો પરાભવ ન કરી શકી, ત્યારે રાવણે અંતે પોતાનું અંતિમ શસ્ત્ર ચક્રરત્ન યાદ કર્યું. તેજોમય ચક્રરત્ન! શત્રુનો અચૂક વધ કરનારું અપૂર્વ શસ્ત્ર! રાવણે હજુ સુધી ક્યારે ય આ શસ્ત્રનો ઉપયોગ કર્યો ન હતો. એનો ઉપયોગ કરવાનો અવસર જ નહોતો આવ્યો. આજે લક્ષ્મણજીનો પરાજય કરવાના પ્રયત્નમાં જ્યાં એનાં સર્વ શસ્ત્ર, અસ્ત્ર, વિદ્યા-મંત્ર વગેરે બધું જ નિષ્ફળ ગયું ત્યારે ચક્રરત્નને યાદ કર્યું. યાદ કરતાં જ જાજ્વલ્યમાન ચક્ર રાવણના દક્ષિણ હાથમાં આવી લાગ્યું. રાવણે ચક્રને આકાશમાં ખૂબ ઘુમાવી લક્ષ્મણજી પર છોડ્યું.
પરંતુ રાવણની ધારણા ધૂળમાં મળી ગઈ. ચકે લક્ષ્મણજીની ચારે બાજુ પ્રદક્ષિણા દીધી અને લક્ષ્મણજીના જમણા હાથમાં આવીને સ્થિર થયું.
For Private And Personal Use Only