________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૮૧. લંકા-પરિષદ રાક્ષસેશ્વરે ચોથા દિવસે યુદ્ધ સ્થગિત રાખી, લંકાના વિચક્ષણ દીર્ઘદ્રષ્ટા મંત્રીશ્વરોની એક પરિષદ બોલાવી. પોતાનું જ મનમાન્યું કરવાની કુટેવવાળો, રાવણ કોઈની હિતકારી સલાહ સાંભળવા રાજી ન હતો. એવી સલાહ આપવા આવેલા બિભીષણનો તે વધ કરવા ધસ્યો હતો અને પોતાના દક્ષિણ કર સમા ભ્રાતાને ગુમાવી બેઠો હતો. તે એ પણ જાણતો હતો કે મંત્રીમંડળ એને શું સલાહ આપશે! પરંતુ તેના એક પછી એક દાવ નિષ્ફળ ગયા. તે ઘણું ગુમાવી બેઠો હતો. એક પરસ્ત્રી સીતાની ખાતર તેણે લાખો સુભટોનાં લોહી રેડ્યાં. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન જેવા ભ્રાતા અને પુત્રોને શત્રુની છાવણીમાં બંધનગ્રસ્ત બનાવ્યા. અનેક પરાક્રમી પુત્રોના શત્રુના હાથે વધ થતા જોયા છતાં એ પરસ્ત્રી હજુ તેનું મુખ જોવા પણ રાજી ન હતી. તેના પડછાયાના સ્પર્શને પણ તે પાપ સમજતી હતી. રાવણ એ જાણતો હતો. પણ શું કરે ? સીતાના સંભોગની કલ્પના તેના મનને બેહોશ બનાવી દેતી હતી. તે સર્વસ્વના ભોગે પણ સીતાને મેળવવા ચાહતો હતો. બધું લુટાઈ જાય, એક સીતા રહે તો પણ તેને મંજૂર હતું. આ કામવિડંબનાથી પીડાતા રાવણે, મંત્રીમંડળની પરિષદ બોલાવી. તેમની બુદ્ધિથી પોતાના મનોરથો સફળ બનાવવા વિચાર કર્યો.
એક પછી એક મહામંત્રી લંકાની રાજસભામાં આવવા લાગ્યા. પણ તેમને આજે લંકાનો આ સુવર્ણ પ્રાસાદ ઝાંખો લાગ્યો, પ્રાસાદની સોપાનપંક્તિઓ નિસ્તેજ ભાસી, રત્નજડિત ભૂમિભાગ પર રક્તનાં બિંદુઓ છંટાયેલાં હોય તેવો ભાસ થયો. રાજમહેલના પરિચારિકો, સુભટો, દાસ-દાસીઓ-સહુનાં મુખ પર ઉદાસીનતા, ઘોર નિરાશા છવાયેલી હતી.
રત્નદીપકોથી ઝગમગાટ કરતી, રાજસભામાં પોતપોતાના આસને આવી, મંત્રીઓ બેસવા લાગ્યા. સહુ આવી ગયા હતા અને રાક્ષસેશ્વરના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અર્ધઘટિકા પર્યત પ્રતીક્ષા કરી. સહુ મૌન હતા, ત્યાં રાક્ષસેશ્વરના આગમનની સૂચના આપવામાં આવી. લંકાપતિ, પોતાના પૂર્ણ ઐશ્વર્ય સહિત રાજસભામાં પ્રવેશ્યો. મંત્રીમંડળે ઊભા થઈ, અભિવાદન કર્યું. રત્ન, સુવર્ણ અને મણિ-મુક્તાથી ખચિત રાજસિંહાસન પર આરૂઢ થઈ લંકાપતિએ પોતાના મંત્રીમંડળ ઉપર એક વેધક દૃષ્ટિ ફેંકી જોઈ. અપૂર્વ બુદ્ધિવૈભવશાળી મંત્રીઓ લંકાપતિની મુખમુદ્રાનું અધ્યયન કરતા, મૌન બેઠા.
For Private And Personal Use Only