________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४४
જૈન રામાયણ હનુમાનજીને બિભીષણની વાતથી સંતોષ થયો. બિભીષણને નમસ્કાર કરી, હનુમાનજી સીધા જ દેવરમણ ઉદ્યાને પહોંચ્યા.
વૈદેહીથી અધિષ્ઠિત દેવરમણ ઉદ્યાન.
મહાદેવી હતી છતાં મંદિર પ્લાન હતું. પવિત્રતા હતી પણ પ્રસન્નતા ન હતી. જીવન હતું પણ સ્મશાન જેવું સૂમસામ હતું.
અશોકવૃક્ષની છાયામાં સીતાજી બેઠેલાં હતાં. કપોલ પર કેશકલાપ લૂખો ફરફરી રહ્યો હતો; સતત અશ્રુધારાથી ધરતી ભીંજાયેલી હતી. હિમાર્ત પદ્મિનીની જેમ સતીનું મુખકમલ પ્રમ્લાન બનેલું હતું અને પ્રથમ ઇન્દુકલાની જેમ સીતાજીનું શરીર અત્યંત કૃશ બની ગયેલું હતું. ઉષ્ણ નિશ્વાસ અને સતત સંતાપથી સતીના અધર સુકાઈ ગયા હતા. અને બસ, નિઃસ્પન્ડ યોગિનીની જેમ “રામ.. રામ..રામ.” નું નામ જપી રહી હતી. તેનાં વસ્ત્ર મલિન બની ગયાં હતાં, પણ તેને વસ્ત્રની કે વધુની ક્યાં પડી હતી?
હનુમાને વૈદેહીનું દર્શન કર્યું. તેઓ વૈદેહીના આંતરિક જીવનવૈભવને વંદી રહ્યા, “અહો, સીતા ખરેખર મહાસતી છે. આનું દર્શન મનુષ્યને પાવન કરી દે, તે નિશ્ચિત છે. સીતાના વિરહમાં રામ કલ્પાંત કરે, તે યુક્ત જ છે. રૂપવતી અને શીલવતી નારીનો વિરહ કયા પુરુષને શોકાકુળ ન કરે ?
રામ જેવા રામ, પિતાના વચન ખાતર રાજપાટ ત્યજી દઈ વનવગડે નીકળી પડનાર રામ, માતા-પિતા ભાઈ, સર્વનો સંગ ત્યજીને, નિર્મોહી જેવા બનીને, જીવન જીવનાર રામ, એક સ્ત્રીના વિરહમાં આટલું બધું કલ્પાંત કેમ કરે છે? આ પ્રશ્ન ક્યારનો હનુમાનને સતાવતો હતો-એ પ્રશનનું સમાધાન આજે સીતા-દર્શનથી થઈ ગયું. સાથે જ શ્રી રામની વિરહવ્યથા કોઈ વિષયવાસનાને સંતોષનારી હાડમાંસની રૂપસુંદરી પાછળ ન હતી, પણ શીલવતી-રૂપવતી, પતિનિષ્ઠ ધર્મપત્ની પાછળ હતી.
વીર હનુમાનની વિચારધારા આગળ વહી રહી હતી. પ્રતાપથી અને એના ઘોર પાપથી. હા, બિભીષણની સલાહ માની જાય તો રાવણ બચી જાય, બહુમાનપૂર્વક સીતાજીને પાછાં સોંપી દે તો શ્રીરામ રાવણને શિક્ષા નહીં કરે, પણ ઘમંડી રાવણ એમ માની જાય એવો ક્યાં છે? બિભીષણને તે ધિક્કારશે. હું ઓળખું છું તેને. ખેર, હવે અમાસની ઘોર અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય અને પ્રકાશ રેલાઈ જાય, તેમ સીતાજીને આનંદથી ભરી દઉં!'
હનુમાને અશોક વૃક્ષ ઉપર બેસીને, શ્રી રામની વીંટી સીતાજીના ખોળામાં નાંખી! સીતાજી ચમકી ઊઠ્યાં.
For Private And Personal Use Only