________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
ભીષણ યુદ્ધ
પછી પણ સીતા ન માની તો? એ આપઘાત કરશે તો?’ એનું મન બેહોશ થઈ ગયું. તેને કાંઈ જ સૂઝયું નહીં.
શ્રીરામ-લક્ષ્મણ પાસે સુગ્રીવ, હનુમાન, ભામંડલ વગેરે ભેગા થયા. બીજા દિવસના યુદ્ધમાં એક રાવણ સિવાય રાક્ષસસૈન્યના તમામ મહાન સેનાપતિઓની શક્તિ શ્રીરામે માપી લીધી હતી. તેમણે કહ્યું :
‘મારા પ્રિય વીરો, આજનું યુદ્ધ તમે દેવ-દાનવોની પણ પ્રશંસા પામે તેવું ખેલ્યું છે. કુંભકર્ણ અને ઇન્દ્રજિત-મેઘવાહન સાથેનું યુદ્ધ સાચે જ મહાન યુદ્ધ હતું. એ રાક્ષસકુમારોનું યુદ્ધકૌશલ જોયું, આવતીકાલે તેમાંથી કોઈ પાછું લંકામાં નહીં જઈ શકે! પરંતુ કાલે સ્વયં રાવણ યુદ્ધમાં ઊતરશે.'
બિભીષણ બોલ્યા :
‘કૃપાનાથ આપનું અનુમાન સત્ય છે. કાલે રાવણ જરૂ૨ યુદ્ધ ખેલશે; મારી આપને વિનંતી છે કે કાલે મને જ રાવણ સાથે યુદ્ધ ખેલી લેવા દો.'
‘લંકાપતિ! ભલે કાલે સર્વ પ્રથમ રાવણ સાથે તમે યુદ્ધ કરો પરંતુ કાલે એક રાવણ સિવાય, કુંભકર્ણ, ઇન્દ્રજિત વગેરે જીવતા કે મરેલા પકડાવવા જોઈએ. પછી માત્ર રાવણનો જ વિચાર બાકી રહેશે.'
‘આપની ઇચ્છા પૂર્ણ થશે.' સુગ્રીવે શ્રીરામને ઉત્સાહિત કર્યા.
મોડી રાત સુધી ચર્ચા-વિચારણા કર્યા પછી, સહુ પોતપોતાની શિબિરમાં
ચાલ્યા હતા.
ત્રીજો દિવસ
[ત્રીજા દિવસનું યુદ્ધ એટલે બંને પક્ષે ભારે ખુવારી, નિરાશા અને પરાજયની આશંકા! રાવણ સ્વયં યુદ્ધમાં ઊતરે છે. બિભીષણ સામે આવીને પ્રતિબોધ આપે છે, પણ તે પ્રતિબોધ રાવણને છંછેડે છે. બે ભાઈ વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે. ત્યાં લક્ષ્મણજીએ ઇન્દ્રજિતને નાગપાશથી બાંધી તંબુ ભેગો કરી દીધો. શ્રી રામે કુંભકર્ણની પણ એ દશા કરી. ચન્દ્રરશ્મિએ મેઘવાહનને બાંધી લીધો. રાવણે આ સાંભળ્યું અને તેણે બિભીષણ પર ‘અમોવિજયા' મહાશક્તિનો પ્રહાર કર્યો. મિત્રવત્સલ લક્ષ્મણજીએ બિભીષણને બચાવવા, એ પ્રહારને પોતાના પર લઈ લીધો. તેમની છાતી ચીરાઈ ગઈ. લક્ષ્મણજી ઢળી પડ્યા. રોષથી સળગી ગયેલા રામે રાવણના પાંચ રથ તોડી નાંખ્યા. રાવણ લંકામાં ભાગ્યો. રામ લક્ષ્મણજીને ભૂમિ પર અચેતન પડેલા જોઈ, મૂચ્છિત થઈ ગયા અને સૂર્ય અસ્ત થયો.!
For Private And Personal Use Only