________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭૮૭
જ, શ્રી રામ લક્ષ્મણજીને આલિંગન દઈ, ઊંચે સ્વરે રડી પડ્યા. ‘વત્સ, તને શું થયું? તને શું દુઃખ છે તે કહે. તું મૌન કેમ છે? મારી સાથે મૌન? હું તારો અગ્રજ છું. ભલે ન બોલ, સંજ્ઞાથી તો મને કહે. તું નહીં બોલે? જો આ સુગ્રીવ, ભામંડલ, હનુમાન તારા મુખ સામે જોઈ રહ્યા છે, હે પ્રિયદર્શન! તું આંખ ખોલીને તો જો. શું તને આંખ ખોલીને જોતાં પણ લજ્જા આવે છે? હા, હા, દુષ્ટ રાવણ જીવતો લંકામાં ભાગી ગયો. એ વાતની લજ્જા છે ને? ના, તું એક વાર આંખો ખોલ, હું તારું પ્રિય કરીશ. જો આ હું ચાલ્યો. દુરાત્મા રાવણને જીવતો કે મરેલો લઈ આવું છું.' શ્રી રામે ધનુષ્યનો ટંકાર કર્યો અને લંકા તરફ દોડ્યા. તરત સુગ્રીવે શ્રી રામના ચરણો પકડ્યાં અને કહ્યું :
‘હે સ્વામિનુ, આ રાત્રિ છે. નિશાચર રાવણ લંકામાં ચાલ્યો ગયો છે. આ અમારા સ્વામી લક્ષ્મણ શક્તિપ્રહારથી આહત છે, મૂચ્છિત છે, ધૈર્ય ધારણ કરો. દુષ્ટ રાવણ હવે મરાયો જ સમજો. અત્યારે સર્વ પ્રથમ સૌમિત્રીની મૂર્છા દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જ જોઈએ.'
શ્રી રામની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. સુગ્રીવની વાત સાંભળી શ્રી રામ બોલ્યા :
‘કપીશ્વર, ભાર્યાનું અપહરણ થયું ને ભ્રાતાનું પ્રાણહરણ થયું, છતાં આ રામ હજુ જીવે છે! આશ્ચર્ય! રામનું હૃદય કેમ વિદીર્ણ થઈ જતું નથી? મિત્રો, સુગ્રીવ, હનુમાન, ભામંડલ, નલ, અંગદ અને સર્વે વિદ્યાધરો. હું તમને કહું છું, તમે તમારા ગૃહે જાઓ. મિત્ર બિભીષણ, તને હું કૃતાર્થ કરી શક્યો નથી, તને મેં લંકાનું રાજ્ય આપવાનું વચન આપેલું છે, હજુ તે પૂર્ણ કરી શક્યો નથી. મને તેનું ઘણું દુઃખ છે. જે દુઃખ પ્રિયતમાના અપહરણથી નથી થયું કે સૌમિત્રીના વધથી નથી થયું, તે દુઃખ મને આ વચનનું પાલન નહીં કરવાથી થયું છે. પરંતુ હે બંધુ! કાલે પ્રભાતે તું તારા અગ્રજને ને મારા અરિને લક્ષ્મણના માર્ગે જતો જોઈશ. હું તેનો વધ કરીશ, તને કૃતાર્થ કરીશ, અને પછી? મારા લક્ષ્મણના દેહને ઉત્સંગમાં લઈ, અગ્નિ-પ્રવેશ કરીશ.'
શ્રી રામ લક્ષ્મણના વક્ષસ્થળ પર માથું મૂકી, રડવા લાગ્યા. બિભીષણે શ્રી રામના બે હાથ પકડી પોતાના ઉત્તરીય વસ્ત્રથી રામનાં આંસુ લૂછતાં કહ્યું :
‘હે પ્રભુ, આપનો વિષાદ વિરાટ સેનાને રડાવી રહ્યો છે, આપનું રુદન અમારાં ગાત્રોને શિથિલ કરી રહ્યું છે. હે નરશ્રેષ્ઠ, આપ ધૈર્ય ધારણ કરો. લક્ષ્મણજીનું મૃત્યુ થયું નથી. અમોવિજયા મહાશક્તિએ લક્ષ્મણજીના દેહમાં પ્રવેશ કરેલો છે. આ શક્તિથી આહત થયેલો મનુષ્ય એક રાત્રિ જીવે છે. આ
For Private And Personal Use Only