________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૭૬. ૨૧ ઉપવાસનું પારણું
અંજનાનંદને નિ:શંક બની લંકાસુંદરી સાથે યામિની વિતાવી. પ્રભાતે લંકાસુંદરીને પૂછી, હનુમાન લંકામાં પ્રવેશ્યા.
લંકામાં જો કોઈ પ્રાજ્ઞ પુરુષ હતો તો તે બિભીષણ હતો. હનુમાનજીએ બિભીષણની મુલાકાતથી કાર્યનો પ્રારંભ કરવા વિચાર્યું. બિભીષણ નીતિજ્ઞ અને ન્યાયી રાજપુત્ર હતો. તેને સીતાનું અપહરણ નહીં જ ગમ્યું હોય અને આ વિષયમાં તેણે કંઈ ને કંઈ વિચાર્યું હશે. આ વાત હનુમાનજીએ વિચારી હતી. હનુમાનજી ઇચ્છતા હતા કે બિભીષણના પ્રયત્નોથી સીતા-મુક્તિ થઈ જતી હોય તો યુદ્ધની જ્વાળામાં કરોડો પ્રાણોની આહુતિ આપવાની ન ૨હે.
હનુમાનજી લંકાના રાજમહેલોથી પરિચિત હતા. બિભીષણનો મહેલ તેમણે જોયેલો હતો. નિર્ભય હનુમાન બિભીષણના દ્વારે જઈ ઊભા. દ્વારપાલને પોતાની મુદ્રિકા આપી. મુદ્રિકા લઈ દ્વારપાળ બિભીષણ પાસે પહોંચ્યો. બિભીષણે પવનંજયપુત્રનું આગમન જાણી, આનંદ વ્યક્ત કર્યો અને સ્વયં દ્વારે આવી, હનુમાનનું સ્વાગત કર્યું.
મંત્રણાગૃહમાં પ્રવેશી, હનુમાનને ભદ્રાસન પર બેસવાનો ઇશારો કરી, બિભીષણે પૂછ્યું :
‘કહો, હનુમાન કુશળ છો ને?’
‘રાજન, કુશળતા હોત તો અહીં અત્યારે આવવાનું પ્રયોજન ન હતું.' ‘કહો, શું પ્રયોજન છે?’
‘હે ન્યાયનિષ્ઠ રાજન, રામપત્ની સીતાનું અપહરણ થયું છે અને દશમુખ રાવણ, અપહરણ કરનાર છે. સીતાને લંકાના દેવ૨મણ ઉદ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આપ દશમુખના લઘુભ્રાતા છો. આવું અપકૃત્ય કરતાં દશમુખને, આપે રોકવા જોઈએ. ન્યાયવિરુદ્ધ કાર્ય પ્રત્યે આપ ઉદાસીન કેમ છો?'
‘હનુમાન, તમારી વાત સત્ય છે, સીતાને મુક્ત કરવા મેં પૂર્વે અગ્રજને સમજાવ્યા હતા. પુનઃ આગ્રહપૂર્વક તેમને સમજાવવા હું પ્રયત્ન કરીશ.'
‘પ્રયત્ન અત્યારે જ કરવો જરૂરી છે. હું આ કાર્ય માટે જ, શ્રી રામની આજ્ઞાથી અહીં આવ્યો છું.'
‘અવશ્ય, હું તમારી વાતમાં સંમત છું. સીતા શ્રી રામને સોંપી જ દેવી જોઈએ, એ ન્યાય છે. હું આ ન્યાયની રક્ષા કરવા મોટા ભાઈને પ્રાર્થના કરીશ, પછી શું પરિણામ આવે છે, તેના પર વિચારીશ,
For Private And Personal Use Only