________________
પ્રથમ પ્રકરણ પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન
કર્મભૂમિનો પ્રારંભ
જૈન અનુશ્રુતિ અનુસાર આ કલ્પકાળમાં પહેલાં ભોગભૂમિ હતી. અહીંના નિવાસી પોતાની જીવનયાત્રા કલ્પવૃક્ષોથી ચલાવતા હતા. તેમની ખાવાપીવા. પહેરવાઓઢવા, ભૂષણ, મકાન, સજાવટ, પ્રકાશ અને આનન્દવિલાસની બધી જરૂરિયાતો આ વૃક્ષો જ પૂરી કરી દેતા હતા. આ સમયમાં ન તો શિક્ષા હતી કે ન તો દીક્ષા હતી. સૌ પોતાના પ્રાકૃત ભોગમાં જ મગ્ન હતા. જનસંખ્યા અલ્પ હતી. યુગલો જન્મતાં હતાં અને બન્ને જીવનસાથી બનીને સાથે રહેતાં હતાં અને મરતાં પણ સાથે હતાં. જ્યારે ધીરે ધીરે આ ભોગભૂમિની વ્યવસ્થા ક્ષીણ થઈ, જનસંખ્યા વધી અને કલ્પવૃક્ષોની શક્તિ પ્રજાની જરૂરિયાતો પૂરી કરી ન શકી ત્યારે કર્મભૂમિનો પ્રારંભ થયો. ભોગભૂમિમાં સત્તાનયુગલ જન્મતાં જ મા-બાપનું યુગલ મરણ પામતું હતું, તેથી કુટુંબરચના અને સમાજરચનાનો પ્રશ્ન ન હતો. પ્રત્યેક યુગલ સ્વાભાવિક ક્રમથી મોટું થતું અને સ્વાભાવિક રીતે જ ભોગ ભોગવી પોતાની જીવનલીલા પ્રકૃતિના ખોળામાં જ સંકેલી લેતું હતું. પરંતુ જ્યારે સત્તાનો પોતાના જીવનકાળમાં જ જન્મવા લાગ્યાં અને તેમનાં લાલન-પાલન, શિક્ષા-દીક્ષા આદિની સમસ્યાઓ ખડી થઈ સામે આવી ત્યારે વસ્તુતઃ ભોગજીવનમાંથી કર્મજીવનનો પ્રારંભ થયો. આ સમયે ક્રમશઃ ચૌદ કુલકર યા મનુ પેદા થાય છે. તેઓ તેમને (મનુષ્યોને) રસોઈ બનાવતા, ખેતી કરતા, જંગલી પશુઓથી પોતાનું અને સંતાનોનું રક્ષણ કરતા, તેમની સવારી આદિમાં ઉપયોગ કરતા, ચંદ્ર, સૂર્ય આદિથી નિર્ભય રહેતા તથા સમાજરચનાના મૂળભૂત અનુશાસનના નિયમો આદિ બધું જ શીખવે છે. તેઓ જ કુલને માટે ઉપયોગી મકાન બનાવવા, ગામ વસાવવું વગેરે બધી વ્યવસ્થાઓ સ્થાપી સ્થિર કરે છે, તેથી તેમને કુલકર કે મનુ કહેવામાં આવે છે. અન્તિમ કુલકર શ્રી નાભિરાયે બાળકોના જન્મસમયે તેમની નાભિની નાળ કાપવાનું શીખવ્યું હતું, તેથી તેમનું નામ નાભિરાય પડ્યું હતું. તેમની યુગલ સહચારિણીનું નામ મરુદેવી હતું.