________________
૭૫ ) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન;
સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.' અત્યારે તો આવી સ્થિતિ છે, તે પલટાવી “પ્રભુ પ્રભુ લય'' લગાડવાની છેજ. પરાભક્તિ કે આત્મા-પરમાત્માની એકતા જેવા ગહન વિષયો તો યોગ્યતા આવ્યું, તેમાં ચંચપ્રવેશ થાય તેમ છે. શબ્દો તો માત્ર બુદ્ધિ સંતોષવા પૂરતા છે. કંઈક પ્રેમની, જાગૃતિની જરૂર છે.
(બો-૩, પૃ.૨૬૬, આંક ૨૬૧) 0 પ્રશ્નઃ પરાભક્તિના નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે કે પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે?
ઉત્તર : “પરાભક્તિ નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે.' એ એક અપેક્ષાએ યથાર્થ છે. ત્યાં પરાભક્તિ એટલે “સપુરુષની અભેદભાવે ભક્તિ.” તેથી અહંભાવ ભુલાઈ જતાં, સપુરુષના સ્વરૂપમાં તન્મયતા, એકાગ્રતા, કૃતકૃત્યતા અનુભવાતાં, પોતાના પરમાત્મસ્વરૂપનું ભાન અનન્યપણે થાય છેજી. ક્ષમાપનાના પાઠમાં રોજ બોલીએ છીએ: ““જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો.” આ પ્રથમ વાક્યમાં પરાભક્તિના સાધનથી અહંભાવ ટળતાં, અંતરાત્મા બની જીવ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ, જે પરમાત્મપદ તે, પ્રાપ્ત કરે છે એમ સમજવા યોગ્ય છે. હવે બીજું વાક્ય વિચારીએ : “પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે.” તે પણ યથાર્થ છે. અહીં પરમાત્મા એટલે પોતાનું સ્વરૂપ ઉપરના વાક્યમાં ફળરૂપે પ્રગટ થાય છે એમ કહ્યું હતું તેને બદલે, જે સપુરુષે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે, કૃતકૃત્ય થયા છે તેવા દેહધારી પરમાત્માનો યોગ પ્રાપ્ત થયે પરાભક્તિ ઊગે છે એમ સમજવું એટલે બંને વાક્યોમાં વિરોધ નહીં, પણ એક જ ભાવ છે એમ સમજાશે, એટલે પ્રશ્ન કરવા જેવું જ નહીં રહે. બંને વાક્યોનો પરમાર્થ એ છે કે પ્રગટ પુરુષોત્તમ પરમાત્માની ભક્તિથી પોતાના આત્માનું પોષણ થવારૂપ ભક્તિ પ્રગટ થઇ, તે પરાભક્તિરૂપ પરમપદ પ્રગટાવી શકે છેજી. શ્રી રત્નરાજસ્વામીએ દિલમાં કીજે દીવો' એ પદ મંગળદીવારૂપે લખ્યું છે, તે ચોવીસી કે આલોચનામાંથી વાંચી, તેમાં બતાવેલો ક્રમ વિચારવા યોગ્ય છેજી.
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી આત્મસિદ્ધિજીની આ ગાથા પણ વિશેષ વિચારવા યોગ્ય છેજી. તેમાં આખું મોહનીયકર્મ ક્ષય કરી, પરમાત્મપદ પ્રાપ્ત કરવાનો અચૂક ઉપાય બતાવ્યો છે તેનો વિચાર કરી, વર્તન કરવાનું કામ હવે આપણું છેજી. “કર વિચાર તો પામ.' એમ પણ છેવટે કહી દીધું છે, તો હવે ક્યારે તે વિચાર કરીશું? જેમ જેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થશે તેમ તેમ દૃષ્ટિદોષ દૂર થતાં, જ્ઞાનીનાં અમૃતતુલ્ય વચનો, યથાર્થ અંતર ખોલી, પોતાનો પરમાર્થ દર્શાવશેજી.