________________
(૭૩૦)
ભાઈ ....ના દેહત્યાગના સમાચાર જાણ્યા. તેમણે જે ધર્મભાવના કરી લીધી હતી, તે તેમની સાથે ગઇ. દુઃખ, આપણી નજરે દેખાય છે, તેની તે વખતની અવસ્થા માની લેવા યોગ્ય નથી; કારણ કે તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ છે, પણ તે ભોગવતાં, જેવા તેના વર્તમાનમાં ભાવ રહેતા હોય, તે તેની દશા ગણવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ લખે છે : 'વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, જ્ઞાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઇ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.'' (પ૬૮) અંત વખતે ‘‘બોધ અને વૈરાગ્યની વાસના'' કામ આવે છે, માટે આપણે તેવો પ્રસંગ આવવાનો છે તે પહેલાં, બોધ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તે અર્થે સત્સંગ, સલ્ફાસ્ત્ર દ્વારા બનતો પુરુષાર્થ કરી લેવો. (બી-૩, પૃ.૨૩૨, આંક ૨૨૭) | આપનો પત્ર મળ્યો. અનેક પ્રકારની આફતોમાં, પરમપુરુષનાં વચનો આપને ધીરજનું કારણ બન્યાં છે
એમ જાણી, સંતોષ થયો છેજી. આપણી સાથે એક જ કુટુંબમાં વસનાર મરણને શરણ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેદ અને શોકનું કારણ બને; તોપણ વિચારવાન જીવ તે ખેદ અને શોકને વૈરાગ્યભાવમાં પલટાવી દે છે અને વિચારે છે કે મોટાપુરુષો પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓનું વર્ણન કરે છે, તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. પૂર્વ, પશ્ચિમ આદિ દિશામાંથી આવી, એક વૃક્ષ ઉપર રાત્રિ ગાળવા પક્ષીઓ એકઠાં થાય છે, પણ પ્રાત:કાળ થતાં પાછાં જુદી-જુદી દિશામાં ઊડી જાય છે; તેમ ચાર ગતિમાંની કોઈ-કોઈ ગતિમાંથી કુટુંબીઓ એકઠાં કુટુંબમાં મળે છે અને આયુષ્ય પૂર્ણ થતાં, કર્મ પ્રમાણે જુદી-જુદી ગતિઓમાં વીખરાઇ જાય છે. આપણે પણ આયુષ્ય પૂર્ણ થયે અહીંથી અવશ્ય ચાલ્યા જવાનું છે, અને પરભવને વિષે કેવા હાલ થશે તેનો આધાર, આ ભવ જે પ્રકારે ગળાય છે તેના ઉપર છે માટે બહુ વિચારપૂર્વક વર્તન, આ ભવમાં રાખ્યું હશે તો પરભવમાં તેનું ફળ સારું આવશે. હજી આપણા હાથમાં, આ મનુષ્યભવના આયુષ્યનાં જે વર્ષ બાકી છે, તેનો ઉત્તમ ઉપયોગ થાય તેમ ગળાય, તેવી વિચારણા માટે જરૂર કરી લેવી, એવી પ્રેરણા આ પ્રસંગ કરી રહ્યો છે. પત્રાંક ૬૮૯ વારંવાર વિચારવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૯૫, આંક ૨૮૪)
“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ;
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !'' પૂ. ... ના દેહાંતના સમાચાર તેમના ઓળખીતા સર્વેને ખેદ ઉપજાવે એ સ્વાભાવિક છે; પરંતુ તે ખેદને મુમુક્ષુ જીવે વૈરાગ્યમાં પલટાવી, જગતના કામભોગો પ્રત્યે તુચ્છભાવ અને અણગમો ઉત્પન્ન થાય, તેમ વિચારવા યોગ્ય છે. વૈરાગ્યની ખામી હોવાથી જીવને સગાંવહાલાં અને વિષયના ભોગો પ્રત્યે પ્રેમ વર્તે છે, અને તેના વિયોગમાં ખેદ થાય છે. ક્ષણિક વસ્તુઓ પરનો મોહ, રાગ, મીઠાશ જીવને ક્ષણવારમાં વિયોગમાં ખેદ, શોક, ઝૂરણા ઉત્પન્ન કરાવે છે; આ જીવનું હિત શામાં છે ? તે તેને સૂઝતું નથી.