________________
૭૩
માથે મરણ છે, લીધો કે લેશે થઇ રહ્યું છે, કાળ ગટકાં ખાઇ રહ્યો છે, મરણના મુખમાં બાળ, યુવાન, વૃદ્ધ સર્વ ઓરાયેલા છે, માત્ર મોં બીડે તેટલી વાર છે, તો આ જીવ કલ્યાણ કરવાના કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે, એમ ૫.ઉ.પ.પૂ. સ્વામી પ્રભુશ્રીજી પાસેથી વારંવાર સાંભળ્યું છે, છતાં આ જીવ કુંભકર્ણના કરતાં પણ પ્રબળ, અનાદિની ઘોર નિદ્રામાંથી જાગતો નથી, એ કેટલું આશ્ચર્ય અને ખેદ ઉપજાવનાર છે ?
આ જીવ વાતો ડાહી-ડાહી કરે અને વર્તનમાં પ્રમાદ કે પોલ, એ ક્યાં સુધી નભશે ? મરણના વિચારથી, કળિકાળના વિચારથી, અનિત્યતાના વિચારથી કે મોહની છેતરામણીના વિચારથી અનેક જીવો ચેતી ગયા છે; પણ પ્રમાદ વિચારને જ ન ઊગવા દે તો પછી શું થાય ?
આ જીવને સારું–સારું જોવું ગમે, સારું-સારું ખાવું ગમે, ડાહી-ડાહી વાતો કરવી ગમે, પણ પાછા વળીને પોતાના દોષો દેખી, તેને કાંટા કાઢે તેમ કાઢી નાખવાની ઉતાવળ નથી. બેભાનદશામાં દિવસ, માસ, વર્ષ વિતાવે છે.
નાખી નજર ન પહોંચે તેટલો કાળ વ્યર્થ વહી ગયો, છતાં ક્ષણમાત્ર પણ આત્મસમાધિ જીવ સાધી શક્યો નહીં. કેવી-કેવી ઉત્તમ સામગ્રીના યોગ મળ્યા, પ્રત્યક્ષ પુરુષ, તેમની સેવા-સમાગમ, બોધ, સ્મરણ-સાધન, ભક્તિ આદિની આજ્ઞા, તીવ્ર ઠપકા વગેરેથી પણ જીવ જાગ્યો નહીં, હજી તેનો પસ્તાવો કરીને ‘જાગ્યા ત્યાંથી સવાર' ગણી મંડી પડવું ઘટે, તેનું પણ ભાન નહીં. માત્ર કબીરજી કહે છે તેમ ‘‘સુખિયા સૌ સંસાર, ખાવે ને સોવે; દુઃખિયા દાસ કબીર, ગાવે ને રોવે.'' સુખિયા જેવો નફકરો થઇ, આ જીવ ફરે છે.
દુઃખ લાગે તો બૂમ પાડે, ‘‘હે પ્રભુ, હે પ્રભુ’’ પોકારે. જાણે કોઇ કાળે દુઃખ ભોગવ્યું નથી અને ભવિષ્યમાં દુ:ખ આવવાનું જ ન હોય, તેમ સિદ્ધ સમાન સુખી થઇને અત્યારે ફરે છે; પણ પાછું દુઃખ દેખાવ દે ત્યાં તો જીવ મૂંઝાઇ જાય છે કે જાણે કોઇ કાળે દુઃખ દૂર થનાર જ નથી, અને જાણે સુખ કદી જોયું જ ન હોય, તેમ આરોગ્યની ઇચ્છા કરતો તેની રાહ વરસાદની પેઠે જોયા કરે છે.
આવા અસ્થિર, ઠેકાણા વગરની દશા તરફ દુગંછા આવવી જોઇએ, તેનો પણ જીવ વિચાર કરી, કંઇ સ્વરૂપનું ઠેકાણું કરતો નથી. હવે કેમ કરવું ? ક્યાં જવું ? શો ઉપાય લેવો ? તે વિચારવાયોગ્ય છે. (બો-૩, પૃ.૧૨૯, આંક ૧૨૯)
પૂ. ....ના દેહત્યાગના સમાચાર તથા ઠેઠ આખર સુધી તેમની રહેલી સદ્ભાવનાના સમાચાર જાણ્યા છેજી. પ્રથમથી ભક્તિ પ્રત્યે તેમની વૃત્તિ વળેલી અને પરમકૃપાળુદેવનો આશ્રય ઠેઠ સુધી રાખી, તે ભાવનાસહિત દેહ છોડયો છે, તે સદ્ગતિનું સૂચક છેજી.
ધર્મનો આવો પ્રગટ પ્રભાવ નજરે જોયા છતાં તેને માટે આપણા હૃદયમાં જો ઉલ્લાસ અને તેને આરાધવાનો પુરુષાર્થ ન જાગે તો આપણા સમાન અધમ કોણ કહેવાય ?
દરેકને માથે મરણ ભમે છે, પણ મોહને લીધે જીવ તેનો વિચાર સરખો કરતો નથી. ખેતરના નજીવા કામની ચિંતામાં, રાતે નિરાંતે ઊંઘતો નથી અને સમાધિમરણ જેવો ઉત્તમ લાભ પામી, મનુષ્યભવ સફળ કરવાનો લાગ વહ્યો જાય છે, તેની આ પ્રમાદી નફટ જીવને ફિકર-ચિંતા થતી નથી. સંસારના