Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 738
________________ ૭૨૯) D ભાઈ ... ના દેહોત્સર્ગના ખેદકારક સમાચાર મળ્યા. ગમે તેવા અજાણ્યાને પણ ખેદનું કારણ થાય તેવો પ્રસંગ બન્યા છતાં, સદ્ગુરુશરણે જેની વૃત્તિ છે, તે જ અર્થે જેનું જીવન છે, તેને તેવા પ્રસંગો વૈરાગ્યનું કારણ બને છે. જે કંઈ આ ભવમાં કરવા ધાર્યું છે, તે ત્વરાથી કરી લેવા, આવા પ્રસંગો બળવાનપણે પ્રેરે છે. જીવ પુરુષાર્થ કરવામાં ઢીલ કરશે તો ધાર્યું ધૂળમાં મળી જશે, આખરે પસ્તાવું પડશે; માટે જ્યાં સુધી ઇન્દ્રિયો હાનિ પામી નથી, વ્યાધિ-પીડાથી જીવ ઘેરાયો નથી, મરણની ઘાંટી આવી પહોંચી નથી, ત્યાં સુધી હે જીવ! જ્ઞાનીને શરણે પુરુષાર્થ કરી, મહા અંધકારથી મુક્ત થા, મુક્ત થા; એમ આવા પ્રસંગો આપણને ઉપદેશે છે. તે હૃદય નિર્મળ કરી, અવધારી, અપ્રમત્ત થવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે ખંભાતના સુંદરલાલના દેહત્યાગ વિષે લખેલો પત્રાંક ૬૮૯ વારંવાર વિચારી, શોકમુક્ત થવું ઘટે છેજ. તેમાં કહેલે માર્ગે વિચારણા કરી, ગઈ વાતને ભૂલી જઇ, આપણા આત્મહિતના વિચારમાં ચિત્તને જોડવા ભલામણ છે. પરમકૃપાળુદેવ લખે છે: “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧) આપણને અત્યારે અઘરું લાગે, પણ સંસારમાં કઠણાઈ ગણાય છે, તે પરમાર્થમાર્ગમાં સરળાઈ છે. જેની સાચી ભક્તિ હોય છે, તેને જ કઠણાઇ પરમાત્મા મોકલે છે, એમ પત્રાંક ૨૨૩માં પરમકૃપાળુદેવે પૂ. સોભાગભાઇને લખ્યું છે. જેને કઠણાઈ નથી આવી, તેની ભક્તિ હજી તેવી સાચી થઈ નથી અથવા તો પરમાત્માની માયા ચાહીને ભૂલી ગઈ છે, એમ ગણવા યોગ્ય છે, એવા ભાવનું પરમકૃપાળુદેવે લખ્યું છે, તે બહુ ગંભીરતાથી વિચારવાયોગ્ય છે. પરમકૃપાળુદેવ અસંગ બનીને આપણને અસંગતા તરફ બોલાવે છે અને આપણે રાજીખુશીથી તેમના ભણી જવું છે, એ ભાવના બળવાન કરીએ તો જગતની વાતોમાં આપણું મન જશે પણ નહીં. લોકો ગમે તેમ વાતો કરે, તે પર લક્ષ દેવા યોગ્ય નથી. જગતનો માર્ગ અને મુક્તિનો માર્ગ વિરુદ્ધ દિશામાં છે. જગતભાવોની હાનિ, તે મુક્તિમાર્ગમાં લાભ માનવા યોગ્ય છેજી. જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા ચોર આવ્યા; તેમને બધું લેવું હોય તો લઈ જવા દેવાની ભાવના, જંબુસ્વામીને તો હતી, પરંતુ શાસનદેવીને ધર્મ-પ્રભાવના કરવાની ભાવના થવાથી, તેણે ચોરને સજ્જડ કરી દીધા હતા. તેમ જેને મોક્ષે જવું છે, તેનું મન કોઈ પણ વસ્તુમાં વળગી રહે તો તે મુક્ત થઈ શકે નહીં અને પ્રારબ્ધ જો નિર્મોહી બનવામાં મદદ કરે તેવું દેખાવ દે, તો મુમુક્ષુ ખેદ કરવા કરતાં રાજી થાય છે કે જે બળ વાપરીને મોહમાં જતી વૃત્તિ રોકવી હતી, તે હવે આપોઆપ રોકાઈ જાય તેમ બન્યું, તો તે પરમકૃપાળુદેવની કૃપા જ ગણવા યોગ્ય છેજી. આ વાત શાંતપણે વિચારવાથી સમજાય તેવી છેજ. જેમ બને તેમ, ત્યાંના વાતાવરણથી વહેલા છૂટી, અહીં આવવાનું બનશે તો સૌને શાંતિનું કારણ બનશે. સમાધિસોપાનમાંથી દશ લક્ષણધર્મ કે ધર્મધ્યાન પ્રકરણ વાંચવા-વિચારવા ભલામણ છેજી. બાર ભાવનાઓમાં ઘણો વૈરાગ્ય ભર્યો છે. ત્યાં કોઈ આવે તો તેને પણ સાંભળવાનું નિમિત્ત બને, તેમ રાખવું એટલે બીજી વાતોમાં આપણું ચિત્ત જતું રોકાય અને આવનારને પણ બે અક્ષર વૈરાગ્યના કાનમાં પડે તો લાભ થાય. શાંતિમાં રહેવા ભલામણ છે. બધાનો ઉપાય સ્મરણમાં ચિત્તને રાખવું એ છે. તે અર્થે મુખ્ય તો સત્સંગની જરૂર છે. તેના અભાવમાં, સન્શાસ્ત્રમાં ચિત્તને જોડેલું રાખવું એ છે. (બી-૩, પૃ.૭૩૯, આંક ૯૦૭)

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778