________________
૭૫૦
‘પગ તળે રેલો તો પારકી વાત પડી મેલો.' તેમ દરેકને માથે મરણ છે, સમાધિમરણ થાય તેવી તૈયારી કરવાનું કામ દરેકને માથે છે; તેને માટે જીવ રોજ શું કરે છે અને શું શું કરવા યોગ્ય છે, તેનો હિસાબ રાખીને મનને નકામા હર્ષ-શોકમાં જતું રોકવું.
(બો-૩, પૃ.૧૭૮, આંક ૧૮૧)
... પત્રાંક ૬૯૨ પરમકૃપાળુદેવની પરમકૃપા છે, તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી સત્પુરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવો છેજી.
સમાધિમરણની ભાવના દરેક મુમુક્ષુજીવે દરરોજ કર્તવ્ય છે અને ક્ષણે-ક્ષણે વૃત્તિઓ પ્રત્યે ઉપયોગ રાખી, સદ્ગુરુઆજ્ઞામાં આ અમૂલ્ય મનુષ્યભવ જાય, તેવી ભાવનાની સતત જાગૃતિ રાખ્યા કરવી ઘટે છેજી. અનેક ભવમાં કુમરણ કરતો આવેલો આ જીવ, પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જો સમાધિમરણ કરે તો પછીના કોઇ ભવમાં કુમરણ ન થાય, એવો અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લેવો છે, એવી જેની દૃઢ માન્યતા થાય, તેને તેમ થવા યોગ્ય છેજી.
તે અર્થે જ વાંચન, વિચાર, સત્સંગ, ભક્તિ, જપ, તપ, યત્ના આદિ પુરુષાર્થ હાથ ધરવા છે. આ મહાભાગ્યની ભાવના જેની વર્ધમાન થતી જાય, તેને સર્વ અનુકૂળતાઓ આવી મળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૦, આંક ૬૨૫)
સમાધિમરણ કરવું હોય તેણે તો, જે થાય તે ભલું માનવાનો નિર્ણય કરવો ઘટે છે. અંતવૃત્તિઓ કેમ વર્તે છે તેની તપાસ રાખવાનો અને તેનો પણ સંક્ષેપ કરવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૬)
— સમાધિમરણની સર્વને ઇચ્છા છે, પણ તેને અર્થે પુરુષાર્થ કરતા રહીએ અને જે જે અનુકૂળ-પ્રતિકૂળ વિઘ્નો વેઠવાનાં આવે, તે તે પ્રસંગે મોહમાં ન તણાઇ જઇએ, તેટલી સમાધિમરણની જ તૈયારી થાય છે. (બો-૩, પૃ.૧૨૫, આંક ૧૨૪)
સંસાર-આસક્તિ ઓછી થવાનો ક્રમ અંગીકાર કરશો. તે સમાધિમરણની તૈયારીરૂપ છેજી. પવિત્રાત્મા પૂ. . એક અસહાય પરાધીન બાળા છતાં સંસારથી છૂટવા કેટલો બધો પુરુષાર્થ અનેક મુશ્કેલીઓમાં કરે છે ! અને આપણે સ્વતંત્રપણે બીજી ઉપાધિઓ સંકોચી શકીએ તેમ છીએ, છતાં વધાર્યા જઇએ છીએ; તો ઉપર-ઉપરથી છૂટવું છે-છૂટવું છે એમ કહેવું છે કે ખરેખર છૂટવું જ છે, એમ લાગ્યું છે ? જો લાગ્યું હોય તો તે પવિત્ર બહેન .........નું દૃષ્ટાંત લઇને પણ, જેમ બને તેમ બીજા વિકલ્પો ઓછા થાય, તેવો કોઇ ક્રમ શોધી, તે પ્રકારે નિશ્ચિંત થઇ જવાનો યથાર્થ માર્ગ આરાધવો અને આ માયાજાળમાં આગળ ને આગળ વધતા ન જવું. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૭)
શરીરની અશક્તિ, પ્રમાદ, માનપૂજાની પ્રેરણા આદિ અનેક સંકટો ઓળંગી, સદ્ગુરુના ચરણનું શરણ મરણ સુધી ટકાવી રાખવાનું છે. હજી તો એવી ભારે કસોટી આવી નથી, છતાં તેને માટે તૈયારી રાખી હશે તો તેવા પ્રસંગે પહોંચી વળાશે. માટે રોજ મરણના પ્રસંગને વિચારી, મારે મરણની તૈયારી રોજ કરતા રહેવી છે. ‘અત્યારે ધારો કે એવો પ્રસંગ એકાએક આવી પડે તો પહેલું મને શું સાંભરે કે શું સંભારવા યોગ્ય છે ? શામાં બળ કરીને પણ મારે વૃત્તિ રોકવી ? કેમ ઉપયોગ નાશવંત વસ્તુઓ પ્રત્યેથી પાછો વાળી શાશ્વત, સચ્ચિદાનંદ, અનંત સુખમય આત્મા પ્રત્યે વાળવો ?’