________________
(૭૫૩) રોજ સુધારવાની ભાવના કરશો તો તે ગુણોની પ્રાપ્તિ થઈ, સમાધિમરણની તૈયારી થશેજી. (બો-૩, પૃ.૧૮૬, આંક ૧૮૯). સહનશીલતા વધારતા રહે તેને સમાધિમરણ કરવામાં સુગમતા થાય છેજી. અત્યારની દશા દેખી નિરાશ થવા જેવું નથી; વૈરાગ્ય અને અભ્યાસથી સર્વ શક્ય છેજી. (બો-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦) પૂ. ગુણચંદ્રજી મહારાજે દેહ છોડ્યો છેજી. અચાનક આમ મરણ આવી પહોંચે છે, તે જોઈ વૈરાગ્ય પામી ચેતવા જેવું છે. શાંતિપૂર્વક તેમણે આખરની વેદની સહન કરી છે અને પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું કે આશ્રમમાં દેહ છૂટે તેનું સમાધિમરણ થશે, તે તેમણે સાબિત કરી બતાવ્યું છેજી. આખી જિંદગીના ભાવોની રહસ્યભૂત મતિ, મરણ વખતે વર્તે છે. તેથી પહેલાં જે જે સારા, શ્રદ્ધાના ભાવો કર્યા હોય, તે આખરે ઉપર આવી, જીવને બચાવી લે છેજી. આપણે પણ સમાધિમરણ અર્થે પ્રમાદ તજી, વિશેષ કાળજી રાખવી ઘટે છે. તે માટે જેટલો શ્રમ વેઠયો હશે, તે લેખે આવશે. માટે જગતને રૂડું દેખાડવા કરતાં પોતામાં સહનશીલતા, ક્ષમા, વૈરાગ્ય, ભક્તિ તથા સમાધિભાવ વર્ધમાનતાને પામે તેવો પુરુષાર્થ, આ દેહે કર્તવ્ય છેજી. આવા પ્રસંગો આપણને ચેતવણી આપે છે, જાગૃતિ પ્રેરે છે અને શિથિલતા તજી, દ્રઢ આશ્રયભક્તિની વૃદ્ધિ કરી, કલ્યાણ તરફ દોરે છે. (બો-૩, પૃ.૭૫૪, આંક ૯૪૩) સમાધિમરણ કરવું હોય તો શી શી તૈયારી કરવી તે જાણ્યું હોય, યથાશક્તિ તે અર્થે પુરુષાર્થ કરતા રહેતા હોય તો તેનું સારું ફળ આવે. માટે મનુષ્યભવમાં જેટલું જીવવાનું બાકી હોય તેટલું જ્ઞાનીને શરણે જીવાય, તેની આજ્ઞા વિશેષ-વિશેષ આરાધાય, સંસારની મહત્તા ઘટે અને પરમકૃપાળુદેવના શરણનો પ્રેમ વધે તેમ વર્તતા રહેવું ઘટે છે. મોટા પુસ્તકમાંથી કે સમાધિસોપાનમાંથી કંઈ-કંઈ વાંચવાનું નિયમિત રાખશો. “રાત્રિ થોડી અને વેશ ઘણા.” તેમ મુમુક્ષુજીવે ટૂંકા જીવનમાં મહાભારત જેવું .મોક્ષનું દુર્ઘટ કાર્ય આવા કાળમાં કરવું છે, તો તેમાં પ્રમાદ ન નડે, શોક વગેરેમાં વખત ન જાય, પુરુષાર્થમાં મંદતા ન થાય તેમ વર્તવા યોગ્ય છે. (બો-૩, પૃ. ૨૪, આંક ૭૨૯) પૂ. ....નો દેહ અચાનક છૂટી ગયો. આવું અસ્થિર આયુષ્ય પ્રત્યક્ષ જોયા છતાં જીવ પ્રમાદ તજવા કેમ તત્પર નહીં થતો હોય ? આખરે ધર્મ સિવાય જીવને કંઈ આધારભૂત નથી, એમ જેટલું વહેલું જીવ જાણે, પ્રતીત કરે અને તેની જાગૃતિ રાખ્યા કરે તેટલું વિશેષ બળ ધર્મ-આરાધનમાં અવશ્ય મળે તેમ છે. વિમાનમાં મુંબઇથી ડોક્ટરો બોલાવી તેમની સલાહ પ્રમાણે દવા સારવાર કરવામાં આવ્યા છતાં આયુષ્ય જેનું પૂર્ણ થયું હોય તેને કોઈ બચાવી શકતું નથી. આ પ્રસંગ પ્રગટ ઉપદેશરૂપ જાણી, સર્વ મુમુક્ષુજીવોએ ચેતવા જેવું છે. આસક્તિ ઓછી કરતા રહી, સમાધિમરણ થાય તેવા અભ્યાસમાં વર્તી, જ્ઞાનીની આજ્ઞામાં અપૂર્વ પ્રીતિ, શરણભાવ અને અનન્ય નિષ્ઠાની દૃઢતા કરી લેવા જેવું છે.જી. બીજી બધી તૈયારીઓ કરતાં સમાધિમરણની તૈયારીનો લક્ષ ન ચુકાય, એ દરેક તરવાના કામીનું પ્રથમ કામ છેજી. અનાદિનો પરવસ્તુઓનો, દેહાદિનો અબાસ એકદમ છૂટે એવો નથી, પણ તે છૂટયા વિના મોક્ષમાર્ગે ચલાય તેવું નથી; માટે મુમુક્ષુજીવે તો એ વિકટ કાર્ય માટે પુરુષાર્થ કરવાનો લક્ષ સતત રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૩૩૨, આંક ૩૨૯)