________________
૪૩૭)
અભ્યાસ
આપની અભ્યાસ વધારવાની ભાવના જાણી. મારી સલાહ પૂછી તે વિષે જણાવવાનું કે દરેકે પોતાના મનને પૂછવું અને એમ મનમાં લાગે કે આ કામથી પાછળ પસ્તાવું નહીં પડે, લાભ થશે, તો તે કરવા યોગ્ય છે. આપણે પુરુષાર્થ કરી જોવો, પછી અંતે તો પ્રારબ્ધ પ્રમાણે બનવાનું છે, અને તેમાં સંતોષ માનવો. ખરું કર્તવ્ય આત્મહિત છે; તેને માટે સત્સંગ, સલ્ફાસ્ત્ર, પુરુષાર્થની જરૂર છેજી. એ લક્ષ ન ચુકાય તેમ, વ્યવહારમાં વર્તી લેવું ઘટે છેજી. મનુષ્યભવ એ મોટી સંપત્તિ પ્રાપ્ત થઈ છે; તેનો ઉપયોગ કેવી થાય છે અને કેવો ઉપયોગ કરવો ઘટે છે તેનો વિચાર મુમુક્ષુજીવોને રહ્યા કરે છે.જી. (બો-૩, પૃ.૪૦૫, આંક ૪૧૨). I તમારા પિતાના વિચારો ઉદાર છે, મને પણ તે સંમત છે; પણ તમને મનમાં ખેંચ રહેતી હોય કે “અધૂરો અભ્યાસ પડી મૂકવો નથી, હાથમાં લીધું તે કામ પૂરું કરવું' તો જ અભ્યાસનો બોજો આવી તબિયતમાં માથે ઉઠાવવો, નહીં તો જેમ ઘણા વિદ્યાર્થીઓ ઊઠી ગયા તે ઊઠી જ ગયા છે, તેમ વિચાર માંડી વાળવો હોય તોપણ કંઈ ખોટું નથી. વૃત્તિમાં તેનું મહત્ત્વ રહેવું ન જોઈએ. કરવું હોય તો કરી લેવું એટલે તેના વિચાર આવતા મટે અને જો મનમાંથી તે વાત નીકળી ગઈ હોય, તો ફરી ઊભી કરવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦). આત્મહિતને અર્થે, નિવૃત્તિને લક્ષ, કોલેજના અભ્યાસની અભિલાષા રાખો છો, તે પ્રથમ કારણ વિચારતાં પ્રશસ્ત જણાય છેજી. તમે ધારો છો તે ઉપરાંત, તેમાં બીજાં કારણો પણ ગર્ભિત રહ્યાં છે. એક તો તમે કમાયા પહેલાં લગ્ન ન કરવાના વિચારવાળા હો, તે બાબત મક્કમ રહી શકો તેમ હો, તો બ્રહ્મચર્યપાલનનો કાળ લંબાય છે. બીજું, તમારા પ્રત્યે કુટુંબી આદિ જનોની વૃત્તિ માનભરી થવાનું કારણ પણ તેમાં છે; કારણ કે એક તો વિદ્યામાં વૃદ્ધિ; બીજું, સારી કમાણી કરી શકો તેવી યોગ્યતાની આશા; ત્રીજું, તમારો તેમના પ્રત્યે સદ્ભાવ જાણવાનો પત્રાદિ દ્વારા તેમને પ્રસંગ પડે, વિદ્યા સાથે વિનય વધે, તે છાપ પાડયા વિના ન રહે. વિશેષમાં હાલની વિદ્યાના ફળરૂપ કોઈ પણ કમાણીનું સાધન એવું મળવા સંભવ છે કે જેમાં થોડા વખતના (અમુક કલાકના) ભોગે આજીવિકા સરળપણે પ્રાપ્ત કરી શકાય અને બાકીનો બચતો વખત આત્મહિતમાં યોજી શકાય. જ્ઞાનનાં ક્ષેત્રો ઘણાય છે. તેનું સિંહાવલોકન પણ થઈ જવાથી સંકુચિત દ્રષ્ટિ ન રહે. બે-ચાર વર્ષ માનસિક તાલીમ લેવાય, તેનો ઉપયોગ સદ્દવિચારમાં પણ થવાનો સંભવ છે, એટલે પુરુષનાં વચનો દીર્ઘદ્રષ્ટિથી, વિસ્તારથી સમજી-સમજાવી શકાય તેવી યોગ્યતાનું કારણ બને. પક્વ વય થતાં કમાણી આદિ સાધનો પણ પોતાની પસંદગી પ્રમાણે અને બીજાના દબાણ વિના, વિચારીને ગ્રહણ કરવાનો પ્રસંગ બનવા સંભવ છે. આ આદિ અનેક કારણો વિચારતાં, તમે અભ્યાસ અર્થે ટૂંકી દૃષ્ટિ ન રાખો, તે હિતકર લાગે છે.