________________
૫૧૯
માટે હવે તો ખાવા-પીવા, ભોગ ભોગવવાથી વૃત્તિ પાછી વાળી, જે સુખ અનંત ભવ થયા છતાં જાણ્યું નથી, ભોગવ્યું નથી એવું આત્માનું સુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે, આટલો લક્ષ રહ્યા કરે તો જીવને વૈરાગ્યની વૃત્તિ પોષાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના આરાધનમાં ઉત્સાહ રહે તથા સત્સુખને યોગ્ય જીવ થાય. (બો-૩, પૃ.૪૮૪, આંક ૫૧૬)
નહીં જોઇતી ફિકર, કલ્પનાઓ ઊભી કરી, જીવ અનર્થદંડે દંડાય છે; તે દૂર કરી પોતાનું ઓળખાણ થાય તે અર્થે જ્ઞાનીપુરુષની આજ્ઞા શક્તિ છુપાવ્યા સિવાય આરાધવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૧)
કહ્યું છે કે ‘‘જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભભ્ભા ભજન થકી ભય ટળે.'' માટે જાણે મરી ગયા હતા એમ વિચારી, બધા ઉપરથી મોહ-મમતા અંતરમાંથી કાપી નાખી, આટલું બાકી રહેલું આયુષ્ય મફતિયું મળ્યું છે એમ માની, ધર્મ કરવાના ભાવ અંતરમાં પોષતા રહેવા ભલામણ છે.
બીજું બધું કર્માનુસાર બની રહ્યું છે, તેમાં મમતા-મોહ કરવા યોગ્ય નથી; પરવસ્તુની ચિંતા કરવા યોગ્ય નથી. તે તો બનનાર હશે તેમ બનશે; પણ આત્માનું હિત થાય તેવી સત્પુરુષની આજ્ઞામાં ચિત્ત વારંવાર વાળવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૯૧, આંક ૮૨)
પ્રશ્ન : પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી ? અને અમારે વિષે તે શી રીતે સંભવે ?
ઉત્તર : જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે, તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ-માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ. પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઇ; તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે, તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને (પૂ. શ્રી બ્રહ્મચારીજીને) આજ્ઞા કરી.
તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઇ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૭૭, આંક ૯૯૨)
નીચે જણાવેલા ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવા અર્થે છે; અને ત્રણેથી કલ્યાણ થાય છેજી :
(૧) જ્ઞાનીપુરુષના સ્વમુખે આજ્ઞા જીવને મળે.
(૨) પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષે જેને આજ્ઞા કરી હોય, તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય.
(૩) પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઇ જીવ આરાધતો હોય, તેની પાસેથી તેનું માહાત્મ્ય સમજી, તે આજ્ઞા-આરાધકની પેઠે જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાધે.
પહેલા ભેદનું દૃષ્ટાંત : શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા.
બીજા ભેદનું દૃષ્ટાંત : ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમસ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજો.