________________
: ૭૦
– મનુષ્યભવ, આટલું લાંબું આયુષ્ય, સત્પુરુષની આજ્ઞા, સત્સંગ અને સત્સંગે સાંભળેલી સદ્ગુરુની
આજ્ઞા આરાધવાના તથા સમાધિમરણ કરવાના ભાવ - આ બધી દુર્લભ બાબતો મળી છે. તે સફળ કરીને, આત્મકલ્યાણ આ ભવમાં બની શકે તેટલું જરૂર કરી લેવું છે, એવો નિશ્ચય મુમુક્ષુજીવને રાખવો ઘટે છે, તથા તે નિશ્ચયને આરાધતા રહેવાની ઊંડી દાઝ રાખવી ઘટે છેજી.
બહારની મદદ કરનારાં પુણ્યના યોગને લઇને મળી આવે છે પણ ઉલ્લાસભાવ, ધીરજ, સહનશીલતા, ક્ષમા, સર્વનું ભલું ઇચ્છવું, પરમકૃપાળુદેવ પર પરમ ભાવ તો પોતે જ કરવાના છેજી.
આ બાબતો, જે વારંવાર વિચારી હૃદયમાં ધારણ કરે છે; તે પ્રમાણે વર્તે છે; તે શરીરના રોગને લઇને માંદો કહેવાતો હોય તોપણ ખરી રીતે માંદો નથી; પરંતુ જેનામાં તે ગુણો નથી અને તે મેળવવા કંઇ પુરુષાર્થ કરતો નથી પણ પ્રમાદમાં પડી રહ્યો છે, તે સાજો હોય તોપણ પુરુષાર્થની મંદતાને લીધે માંદો કહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૭૫, આંક ૫૦૨)
પરમપુરુષોનો બોધ જીવનું કલ્યાણ કરનાર છે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ ઉપરનો મોહ, જીવને દુઃખનું કારણ છે. તે ઘટાડવા સત્સંગ અને સદ્બોધની જરૂર છે.
જીવે અનાદિકાળથી દુઃખ સહન કરવામાં બાકી રાખી નથી અને હજી મોહને લઇને દુઃખનાં કારણ ઉપાસે છે તે વિચારી, મોહ ઓછો થાય અને સમતા, ક્ષમા, ધીરજ રહે તેવો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
દેહનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ ભિન્ન છે, તે સત્પુરુષ દ્વારા સાંભળ્યું છે: તે વારંવાર, પ્રસંગે-પ્રસંગે યાદ રાખી, વિચારવા યોગ્ય છેજી.
થોડું લખ્યું ઘણું જાણી, વિશેષ વિચારશો અને સ્મરણમાં જેમ બને તેમ વિશેષ રહેવા ૫.૩.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે, તે લક્ષમાં રાખશોજી. (બો-૩, પૃ.૮૨, આંક ૭૩)
ગયો કાળ પાછો આવતો નથી; અને વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ, જે આ ભવમાં આપણાં હાથમાં છે, તેનો ઉત્તમ ઉપયોગ કરી, ભક્તિમાં, આત્મભાવમાં ગાળી આત્મકલ્યાણ કરી લેવા યોગ્ય છેજી. પ્રમાદ કર્તવ્ય નથી. કાળનો ભરોસો નથી. અસંગ, અપ્રતિબંધ, સમભાવ, વિનય, ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, ક્ષમા, સહનશીલતા - આ બધા ઉત્તમ બોલો વારંવાર વિચારી, આપણા વર્તનમાં કંઇ અંશે પણ આવે, તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મોક્ષમાર્ગના પ્રવાસીને ભાથારૂપ, તે ઉત્તમ બોલો છે. તેનું ગ્રહણ ભાવથી થશે તો મોક્ષ નિકટ આવતો જશે. બંધનોનો નાશ કરનાર તે બોલો, સ્મરણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, ઇચ્છવા યોગ્ય, ભાવના કરવા યોગ્ય, તદ્રુપ થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૯૪, આંક ૮૬)
‘‘અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઇ રીતે પુરુષાર્થયોગ્ય થઇ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.'' (૫૬૯) આવાં પરમકૃપાળુદેવનાં વચનો વિચારી, જીવના કલ્યાણ અર્થે જીવવું છે એમ નિશ્ચય કરી, તે નિશ્ચય બને તેટલો આરાધવામાં તત્પર રહેવું ઘટે છેજી.