________________
૯૮૬)
આત્મસ્વરૂપનું તેમણે જે વર્ણન કર્યું છે, તે લક્ષમાં રાખી થોડું નીચે લખું છું; તે ઉપરથી જે ભાવ ફં. તે મંત્ર ભણતાં લક્ષમાં રાખવા વિનંતી છેજી : સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. (૫૦) કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.'' એ અને તેની નીચેની આત્મસિદ્ધિની ગાથાઓ ‘કર વિચાર તો પામ'' સુધીની વિચારી, આત્માનું નિશ્ચયનયે જે શુદ્ધસ્વરૂપ છે, તે સહજ આત્મસ્વરૂપ વિચારવા યોગ્ય છેજી. દરરોજ ક્ષમાપનાના પાઠમાં બોલીએ છીએ કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરોગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.'' તેમાં પણ એ જ વાત દર્શાવી છે. વળી પત્રાંક ૬૯૨માં “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' આ બધું લખાણ “સહજાન્મસ્વરૂપ' અર્થે કર્યું. હવે “પરમગુરુ” એટલે જેણે તે સ્વરૂપે પ્રગટ કર્યું છે અથવા દયમાં, ભાવનામાં, સમજણમાં તે સ્વરૂપ યથાર્થ રાખી, તે પ્રગટ કરવા પોતાનાથી બને તેટલો બધો પુરુષાર્થ કરવા તત્પર થયા છે તે. અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંત - બંને સહજાત્મસ્વરૂપ થયા છે; આચાર્ય ભગવંત તે પ્રગટ કરવાના પુરુષાર્થમાં છે, તેમ જ ઉપાધ્યાય અને સાધુ ભગવંત પણ તે અર્થે તત્પર થયા છે; તેથી પંચ પરમેષ્ઠી – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ - પરમગુરુ સ્વરૂપે છે. ટૂંકામાં, પરમકૃપાળુદેવના ચિત્રપટ પરથી જે તેમની વીતરાગ, નિર્વિકાર, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ દશાની આપણા હૃદયમાં છાપ પડે, તે ભાવનામાં આપણા આત્માને વારંવાર તન્મય કરવો યોગ્ય છે; તે મહાપુરુષની દશાનું યથાશક્તિ દ્ધયથી અવલોકન કરી, તેમાં આપણા આત્માને રંગવાનો છે, અભેદભાવ ભાવના સહજાત્મસ્વરૂપની કરવાની છે. તે યથાર્થ સમજાય તે અર્થે, ઉપર જણાવેલ પત્રાંક ૫૦૬માં ઉપશમ અને વૈરાગ્યનું વર્ણન છે, તે વારંવાર વિચારી, આચરણમાં મૂકવું ઘટે છેજી. (બી-૩, પૃ. ૨૯૩, આંક ૨૮૩) આપે પૂછયું છે કે સ્મરણ તે સ્વરૂપ-ચિંતવન ગણાય ? તેના ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તો જીવ જરૂર છૂટે અને પુણ્યબંધ કરે; પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂપ-ચિંતવનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય. પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા જ્ઞાનીએ જાણેલો તેમાં જણાવ્યો છે તે જ મારે માન્ય છે, તો તે સમાધિમરણ છે. મંત્રમાં તો ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છેજી. તેનું અવલંબન, પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણપર્યત ટકાવી રાખવાનું છેજી. હું સમજી ગયો એમ કરી વાળવા જેવું નથીજી. (બી-૩, પૃ.૭૦૮, આંક ૮૫૩)