________________
(૭૨૦) દિવસ પછી રાત આવે છે ત્યારે અણસમજુ જનો અકળાય છે, પણ રાતની રાત હંમેશાં રહેતી નથી; તેમ સુખના દહાડા બદલાતાં, દુ:ખના દહાડા જોવાના આવે છે, પણ હંમેશાં દુ:ખ પણ ટકતું નથી. સુખમાં પણ ભક્તિ કરવી ઘટે છે અને દુ:ખમાં તો વિશેષ-વિશેષ ભાવથી ભક્તિ કરવી ઘટે છેજી. જીવ સુખના સમયમાં ભગવાનને ભૂલી જાય છે, તે વિચારતાં દુઃખના પ્રસંગો ભગવાનની ભક્તિ કરવા પ્રેરનાર ગણાય છે. ઘણા ભક્તોએ ભગવાન પાસે દુ:ખ જ માગ્યું છે. આ અત્યારે તમને સમજાશે નહીં, પણ થોડાં વર્ષ પછી લાગશે કે પરમકૃપાળુદેવે નીચે પ્રમાણે લખ્યું છે તે સાચું છે : “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.'' (૩૦૧) અત્યારે તો સ્મરણમાં, વાંચનમાં, ભક્તિમાં બને તેટલો વખત ગાળવાનું કરશો. તમે બધા સમજુ છો. રોવા-કકળવાથી મરી ગયેલ પાછું આવે નહીં અને રોનારને કર્મ બંધાય. મરી ગયેલાને, કોઇ રીતે તે મદદ કરે એમ નથી; તો રોવું, શોક કરવો, પાછળની વાતો સંભારવી એ માત્ર જીવને દુઃખી કરવાનું કામ છે; માટે શોકને સંભારવો નહીં. જે થાય તે સહન કરવું, એ જ ધર્મ છે.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.'' આ કડી વારંવાર વિચારી, ગમે તેવાં દુ:ખ આવી પડે, પણ આત્માર્થી જીવે આત્માર્થ ચૂકવો નહીં. મનુષ્યભવથી મોક્ષ જેવી ઉત્તમ કમાણી થઈ શકે છે. મનુષ્યભવ સફળ કરવા, હવે પરમકૃપાળુદેવને શરણે, આટલો ભવ ભક્તિમાં ગાળવો છે, એવો નિશ્ચય કરશો તો તમારું તથા તમારા સમાગમમાં આવતા જીવોનું કલ્યાણ થાય, તેવું તમારું જીવન થવા સંભવ છે; માટે ““કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આમ પરમકૃપાળુદેવે કહ્યું છે; તે વારંવાર વિચારી, ભૂતકાળને ભૂલી જઇ, કેવું જીવન હવે ગાળવું છે તેના વિચારમાં વખત જાય, ભક્તિમાં વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૭૨૩, આંક ૮૮૧) D આપના પિતાશ્રીને છેવટે, પરમકૃપાળુદેવ પ્રત્યે, આપના નિમિત્તે પ્રેમભાવ, ગુરુભાવ થયો હતો, એ
તેમની સાથે ગયો; સગાં, ઘર, ઘરેણાં, પુત્રાદિ બધાં પાછળ પડી રહ્યાં, એ પ્રત્યક્ષ આપણે જોયું. તે ઉપરથી જે જીવની સાથે જાય છે, એવો ધર્મ આરાધવાની બુદ્ધિ, દરેકે વધારવા યોગ્ય છેજી. શા માટે આ મનુષ્યદેહ આપણે પામ્યા છીએ? અને રાતદિવસ કેવા કામમાં તેને ગાળીએ છીએ? આપણે બધાએ દરરોજ વિચારી, જે ઉત્તમ કાર્ય માટે મનુષ્યભવ મળ્યો છે, તેનું આરાધન ઉત્તમ રીતે કરી લેવા તત્પરતા વધારવી ઘટે છેજી. પર્યુષણ જેવા ઉત્તમપર્વના દિવસોમાં લૌકિક ઉત્તરક્રિયાની રડવા-કૂટવાની કુરૂઢિઓ નહીં અનુસરતા હો, એમ ધારું છુંજી, આપણા વડીલના નિમિત્તે કોઈને સદ્ધર્મ પ્રત્યે વૃત્તિ થાય તેવું વાંચન, ભક્તિ, સ્મરણ આદિ લૌકિક રિવાજને બદલે રખાય તો સ્વ-પર બંનેને હિતકારક છેજી. '