________________
૭૧૩
D આપની સૂક્ષ્મપણે દોષ જોવાની વૃત્તિ સંતોષકારક છેજી. તે જ પ્રમાણે દોષ ટાળવાની તત્પરતા - રોગ, શત્રુ અને દોષને ઊગતાં જ દાબવા અર્થે પ્રવર્તે, એમ ઇચ્છું છુંજી . (બો-૩, પૃ.૨૮૦, આંક ૨૭૩)
D આપે વિશેષપણે વૃત્તિ ક્રોધભાવ તરફ વહે છે એમ જણાવ્યું તે વાંચ્યું, તથા તે દૂર કરવા તમારી શુભભાવના છે તે જાણી સંતોષ થયો છે; કારણ કે એક તો પોતાના દોષ દેખવાની ગરજ અથવા તો દેખાય તેવી નિર્મળતા બહુ ઓછા માણસોમાં હોય છે. તમને સ્મરણ કરતા રહેવાની ટેવથી તેટલી દય૫રીક્ષા કરવાની યોગ્યતા તથા દોષને દોષરૂપ દેખી દૂર કરવાની ભાવના તથા ઉપાય પૂછવા જેટલી હિંમત, તત્પરતા પ્રગટી છે તે સંતોષનું કારણ છેજી.
ચોરાસીલાખ જીવયોનિઓમાં ભટકતાં આ જીવને અનંતકાળથી, અનંત દુ:ખ ખમવાં પડયાં છે. હવે ‘‘રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું.'' (પુષ્પમાળા-૧) મોક્ષમાર્ગ દેખી, પૂછી, ખાતરી કરી તે માર્ગે ચાલતાં મોક્ષ પ્રાપ્ત થાય તેવો સુયોગ પ્રાપ્ત થયો છે. પૂર્વના સંસ્કારે આર્યકુળમાં જન્મ પામી સત્સંગયોગ્ય માતાપિતાની કૃપાથી વિદ્યા, સદાચાર, કેળવણી અને કમાણીની જોગવાઇ તથા સત્પુરુષનાં દર્શન, સમાગમ, બોધ અને આજ્ઞાની પ્રાપ્તિ પરમ હિતકારી સમજાયાં છે, તો થોડા પ્રયાસે હાલ જે દોષો દેખાય છે તે દૂર થવા સંભવ છેજી.
“માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.'' (બો-૩, પૃ.૪૦૦, આંક ૪૦૯)
પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે ‘‘દોષ ઓળખી દોષને ટાળવા.’’ (પુષ્પમાળા-૧૦૭) એ લક્ષ જીવ રાખે તો દોષો દેખાતા જાય, ખૂંચતા જાય અને તેનો ઉપાય શોધે તો મળી પણ આવે, અને તે ઉપાય અમલમાં મૂકે તો જીવ દોષથી મુક્ત થઇ નિર્દોષ બને. (બો-૩, પૃ.૫૧૨, આંક ૫૫૩)
આત્મસુધારણાનો જેનો લક્ષ છે તેણે પોતાના દોષો દેખવા અને દેખીને ટાળવા. પોતાના દોષો ગમે તેના તરફથી જાણવામાં આવે અને તે આપણને દોષો જ છે એમ અંતરમાં લાગે તો દોષો દેખાડનારનો ઉપકાર માનવો. દોષો ન હોય તો કંઇ ફિકર નહીં, પણ દેખાડનાર પ્રત્યે દ્વેષબુદ્ધિ ન જાગે તે સાચવવું. (બો-૩, પૃ.૫૪૩, આંક ૫૯૫)
ઘરનું બધું કામકાજ છોડી, બહુ દૂર-દૂરથી આવી અહીં આશ્રમમાં એકઠા થયા છો અને જ્ઞાનીની આજ્ઞાએ જે કંઇ ભક્તિ, વાંચન, શ્રવણ કરી, જ્ઞાનીની વીતરાગદશા ઓળખવા માટે પુરુષાર્થ કરો છો; તેમાં બધાએ પોતપોતાના ભાવ તપાસવાના છે કે હું અહીં જે અર્થે આવ્યો છું, તે થાય છે કે નથી થતું ? એવો વિચાર કરી, પ્રત્યેક ક્રિયા કરતી વખતે મનને તપાસવું કે શું કરે છે ? જે કરવા આવ્યો છું, તે કરે છે કે કંઇ બીજું થાય છે?
એમ જો તપાસ કરીએ તો ચોર આપણને જણાય, દોષ જણાય. દોષ વારંવાર જુએ તો ખૂંચે અને અવશ્ય તેને ટાળે. એ માટે નિરંતર ઉપયોગ રાખવાનો છે; નહીં તો પછી કરીએ તો ભક્તિ અને મન ઘરના વિચારો ઘડે કે ખાવાના વિચારો આવે, તો આત્માર્થ ન થાય. માટે સાવચેતી રાખવી. (બો-૧, પૃ.૩૬, આંક ૮)