________________
૭૦૦
સત્સંગની ભાવના નિરંતર રાખવી ઘટે છે. યથાવકાશે સત્સંગ બને તેટલો આરાધવો પણ કુસંગ કે જેથી પરિણામ બગડે, તેથી બચતા રહેવું, ભડકતા રહેવું. બને તો અસત્સંગનો સંપૂર્ણ ત્યાગ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૨)
મોક્ષમાળાનો ચોવીસમો પાઠ સત્સંગ વિષે છે. તેમાં કુસંગથી બચવા તથા કુસંગનો ત્યાગ કરવો ઘટે છે એમ કહ્યું છે, તે યથાર્થ છે.
જ્યાં સુધી પોતાને યથાર્થ વિચાર કરવાની દશા ન પ્રગટે, ત્યાં સુધી ઘણો વખત સત્સંગમાં ગાળવાનો મળે તો મારાં અહોભાગ્ય એમ માની, સત્સંગ વારંવાર સેવવા યોગ્ય છે. તેવી જોગવાઇ ન હોય તો સત્સંગે સાંભળેલો બોધ કે જ્ઞાનીપુરુષનાં વચનો, સત્સંગે આજ્ઞા લઇ, તેમાં કાળ ગાળવો ઘટે છે, અને સત્સંગની વારંવાર ભાવના રાખવી ધટે છેજી.
તેમ શરૂઆતમાં ન થાય તો તમે પત્રમાં જણાવો છો, તેવા ભાવ થઇ જાય કે થોડામાં મોક્ષ મળે તેવો સહેલો રસ્તો કાં ન લેવો ?
કોઇ માણસ હીરો ખરીદવા બજારમાં ગયો. ઝવેરીની દુકાને તેની હજાર રૂપિયાની કિંમત સાંભળી, તે ખરીદવાના ભાવ પણ થયા. પૈસા લેવા ઘરે ગયો, ત્યાં રસ્તામાં કોઇ બનાવટી-નકલી હીરા વેંચનારે હીરો બતાવ્યો અને પચીસ રૂપિયામાં, પહેલાં ખરીદવો હતો તેવડો હીરો તેને આપવા કહ્યું. તે લોભાયો તેથી ફરી મળે કે ન મળે એમ ધારી, પચીસ રૂપિયે ખરીદી, બીજા રૂપિયા લઇ ઝવેરીને ત્યાંથી પહેલાં દીઠેલો હીરો લેવા ગયો, પણ રસ્તામાં ખરીદલો હીરો ઝવેરીને બતાવ્યો. ઝવેરીએ બીજા ઝવેરીને ત્યાં તેને કિંમત કરવા મોકલ્યો; તે બીજા ઝવેરીએ તે પાંચ પૈસાનો કહ્યો, અને પેલા ઝવેરીનું નંગ બતાવ્યું તો તેની હજાર રૂપિયા કિંમત કહી; ત્યારે તેને ખબર પડી કે પચીસ રૂપિયામાં હીરો મળ્યો તે તો કાચ હતો, હીરો માત્ર કહેવા પૂરતો હતો.
તેમ બીજા ધર્મમાં મોક્ષ મળે અને ઝટ મળે એમ કહેવાય છે તે નકલી હીરા જેવું છે. તેમાં ચિત્ત દેવા જેવું નથી. જ્ઞાનીપુરુષ જ મોક્ષનું સ્વરૂપ સમજે છે.
જેટલાં પુસ્તકો છે, તે બધાં જ્ઞાનીનાં લખાયેલાં છે, એમ પણ ન સમજવું. માટે કોઇ પુસ્તક વાંચવા વિચાર થાય તો સત્સંગે બતાવી, પૂછી, વાંચ્યું હોય તો આપણને નુકસાન ન થાય; નહીં તો મગને બદલે મરી ચવાઇ જાય તો મોઢું તીખું થાય અને ગળી જાય તો શરીરે નકામી ગરમી થાય. (બો-૩, પૃ.૭૦૪, આંક ૮૪૮)
પરમકૃપાળુદેવનું માહાત્મ્ય કોઇ સમીપમુક્તિગામી જીવને લાગે છે. તેવા જીવોનો યોગ મળે તો સત્સંગ ક૨વો, નહીં તો સત્સંગને નામે કુસંગમાં જીવ પ્રેરાય તો પરાણે, સંસારને કાંઠે આવેલો બિચારો જીવ, પાછો ભરસમુદ્રમાં તણાઇ જતાં વાર ન લાગે, તેવું મોહનું બળ છે. માટે ચેતીને ચાલવા જેવું છે. (બો-૩, પૃ.૭૪૨, આંક ૯૧૩)
યમ, નિયમ, તપ, વ્રત વગેરે કરતાં સત્સંગ અને સત્સંગે થયેલી આજ્ઞાની ઉપાસના જીવને વિશેષ જાગૃતિનું કારણ બને છેજી. માટે આત્મહિતની ભાવના વર્ધમાન થાય, તેમ યથાશક્તિ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૫૧, આંક ૬૦૯)