________________
(૫૮૯) નિરાશ થવા જેવું નથી; પણ મેં ઘણું વાંચ્યું છે એ પ્રકારનું અભિમાન ભૂંસી નાખી, હજી મારે તે દિશા શોધવાની છે; તે દિશાનો નિર્ણય થયે જેટલો પુરુષાર્થ થશે તેટલો સવળો, ધ્યેયને પ્રાપ્ત કરાવનાર, નિકટ લાવનાર થશેજી. તેને અર્થે સત્સંગ, સપુરુષના સમાગમની જરૂર છે. (બી-૩, પૃ.૪૭૯, આંક ૫૧૦) પરમકૃપાળુદેવનાં વચનો વાંચીએ અને તેના ઉપર વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે એક શબ્દ પણ કોઈને ઉપદેશવાને, કહેવાને અધિકારી નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપદેશ આપી શકાય નહીં. મૌન રહેવું જોઈએ. (બો-૧, પૃ.૩૩૮, આંક ૨) | મુમુક્ષજીવને જ્યાં-ત્યાંથી મુકાવું છે, ત્યાં લફરાં વધારી તે ચિંતાના અગ્નિથી આત્માને વધારે બાળવા કોણ છે? પહેલું જીવનું કર્તવ્ય તો પોતાના આત્માને શાંત કરવાનું છે. પોતે જ હોળીમાં બળતો હોય તે બીજાને શી શીતળતા દેખાડી કે અર્પી શકે ? તે વારંવાર વિચારવા યોગ્ય છેજી. પોતાને વસ્તસ્વરૂપ પ્રાપ્ત થયે, બીજા તે તરફ સહજે વળતા હોય તો સ્વ-પરને અહિતનું કારણ ન બને તેમ મહાપુરુષ વર્તે છે; તે પણ માત્ર એક દયાના કારણે, પણ માનાદિક શત્રુઓ અજાણ્ય પણ ન પોષાય, સ્વાર્થ સાધવાનો લક્ષ કોઈ પણ પ્રકારે અંદર ઘુસી ન જાય, તેની અત્યંત ચોકસી સપુરુષો રાખે છે. અને એ પરોપકારનું કામ પણ સર્વોત્તમ તો કદી માનતા નથી. પોતાના જ ગુણની વૃદ્ધિ, એ મુખ્ય કર્તવ્ય મહાપુરુષોએ માન્યું છે; અને શ્રી મહાવીર સ્વામી જેવા તીર્થકરપદ પામનાર પુરુષો પણ સાડા બાર વર્ષ જેટલી મુદ્દત મૌન રહ્યા છે; ત્યાં આપણે ઉપકાર કરવા નીકળી પડીએ તે કેવું વિચિત્ર કાર્ય.લેખાય, તે વિચારવા અર્થે લખ્યું છેજી. (બી-૩, પૃ.૫૫૬, આંક ૬૧૫) જેનો-તેનો સમાગમ કરવો અને તેને પરમકૃપાળુદેવનાં વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમકૃપાળુદેવનો રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તો હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તો વગર પ્રયત્ન બીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય તેની અમને ખબર નથી તો તેનો માર્ગ કંઈ તમે જાણ્યો હોય તો બતાવો. આવા જીવને સત્સંગધામ અગાસની વાત કરવી યોગ્ય છે. બાકી બીજા ગરજ વગરનાં જીવો આગળ કહે-કહે કરવાથી, તેનું કલ્યાણ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય, તે લક્ષમાં રાખવા લખ્યું છેજી. આ કાળમાં સાચા માર્ગની જિજ્ઞાસાવાળા જીવો હોય છે, તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાનીજીવોને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મોહમાં તમે ન
તણાશો એવી ભાવના છેજી. (બી-૩, પૃ.૭૪૨, આંક ૯૧૩) D “સંતોષી નર સદા સુખી' એ લક્ષ રાખી, કષાય મંદ કરવાનું આપણું કર્તવ્ય છે અને તે જ શાંતિનું
કારણ, સુખનું કારણ છેજી, જેની નોકરીમાં છો, તે ત્યાં રહેતા હોય અને તેની વૃત્તિ કંઈ આત્મહિત કરવા તરફ રહેતી હોય તો પરમકૃપાળુદેવની વાત કે જીવનકળામાંથી કંઈ જણાવતા રહેવા ઇચ્છા થાય તો હરકત નથી. સહજ બને તે ખરું. ખેંચી-તાણીને કોઈને કહેવા યોગ્ય નથી. જીવના અનાદિના આગ્રહ એકદમ મુકાવા મુશ્કેલ છે, પણ તેની ભાવના હોય તો તમારી સાથે વખતે આવી ચડે તો પરમકૃપાળુદેવને શરણે તેનું પણ કલ્યાણ થાય. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૭)