________________
૬૦૧
કંઇ હરકત નહીં. જ્યાં-ત્યાંથી ક્લેશરહિત થવું છે અને રાગ-દ્વેષને દૂર કરવા મથવું છે, આ એક લક્ષ રાખવો ઘટે છેજી.
સંપ અને સત્સંગ, એ આ કાળમાં જીવને વિશેષ હિતકારી છે. તેનું આરાધન આત્માર્થે કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૧૫, આંક ૫૫૭)
સત્ય
— સત્યને આધારે ધર્મ રહ્યો છે. ધર્મ, રાજ, નીતિ અને વ્યવહાર - સત્યને આધારે ચાલે છે. સત્ય બધાનો થાંભલો છે. દયા પળે છે, તે સત્યને લઇને પળે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હોય નહીં. સત્યવચન દયાધર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. પરમકૃપાળુદેવ કહે છે કે ‘‘પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.'' (૩૦૭) જેને સત્ય આવ્યું, તેને મોક્ષ છે.
સત્ય બે પ્રકારે છે : એક વ્યવહારસત્ય અને બીજું પરમાર્થસત્ય. જેવું હોય તેવું કહેવું, તે વ્યવહારસત્ય; અને આત્માનો લક્ષ રાખીને બોલે, તે પરમાર્થસત્ય.
સત્યનો એક અંશ પણ જીવને આવ્યો નથી. જ્યારે કસોટી આવે છે ત્યારે ખબર પડે છે. જેને છૂટવું હશે, તેને ભય લાગશે કે જૂઠું બોલીશ તો મારા આત્માનો ઘાત થશે. સત્ય અને અહિંસા, બે મુખ્ય છે. ગમે તેવો ડાહ્યો હોય, પણ સાચ ન હોય તો કંઇ નથી. ગમે તેટલું દાન કરતો હોય, પણ અસત્ય હોય તો કંઇ નહીં. સત્ય એ જગતનો આધાર કહેવાય છે. વ્રત લીધું હોય અને પાળે નહીં તો ધર્મનું શું થાય ? વચન તો પાળ્યું નહીં. હરિશ્ચંદ્રને કેટલાં કષ્ટ પડયાં ! તેમ છતાં સત્ય ન છોડયું.
રોજ બોલીએ છીએ ‘‘વચન નયન યમ નાહીં.'' એ બેનો સંયમ કરવાનો છે. બોલતા વિચાર કરવો કે હિતકારી છે કે કેમ ? એનો વિચાર કરીને જેથી સામાને આઘાત ન લાગે, તેવું વચન બોલવું. બધાં વ્રતો અહિંસા માટે છે. બહુ વિચારવા જેવું છે.
મુનિ કોઇના ઘરમાં ઊતર્યા હોય અને ત્યાં ચોર ચોરી કરતો હોય તોપણ મુનિ ન બોલે. મુનિ તો આત્માનું હિત થાય તેવું બોલે. મહાવીર ભગવાનને ગોવાળીયો બળદ સોંપીને ચાલ્યો ગયો અને ભગવાનને કહેતો ગયો કે હું થોડીક વારમાં આવું છું, તું આ બળદની સંભાળ રાખજે; પણ ભગવાન તો કાયોત્સર્ગમાં લીન હતા, તેથી કંઇ ધ્યાન આપ્યું નહીં; અને બળદ આમતેમ ચાલતા થયા. એટલામાં પેલો ગોવાળીયો આવ્યો. બળદને ન જોવાથી તેને બહુ ક્રોધ આવ્યો. પછી ભગવાનના કાનમાં ખીલીઓ ઠોકી દીધી, તોપણ ભગવાન કંઇ બોલ્યા નહીં. હિત થાય તેવું બોલવું.
સાચું બોલીને અભિમાન કરવાનું નથી. દાન, ભક્તિ કરીને અભિમાન કરે તો બધું નિષ્ફળ થાય. સાચું બોલવાથી પોતાના દોષો દેખાય.
પ્રશ્ન-ઉત્તરની શક્તિ મનુષ્યભવમાં જ હોય છે. વચન એ મુખ્ય છે. એક વખત જૂઠું બોલ્યા પછી આખો ભવ મુનિપણું પાળે તોપણ કોઇ વિશ્વાસ ન કરે. મનુષ્યનો બધો વ્યવહાર વચન ઉપર છે. જેનું વચન બગડયું, તેનું બધું બગડયું. વગર વિચાર્યે બોલે, મશ્કરી કરે પણ તેનું કેવું ફળ આવશે ? તેની ખબર નથી. વિચાર કરીને બોલવા જેવું છે.