________________
(૫૭)
તો સમાધિસોપાન અને મોક્ષમાળામાંથી તેમને વાંચી સંભળાવશો. ભક્તિ સાંભળવાની ભાવના રહેતી હોય તો નિત્યનિયમ તેમની પાસે કરવામાં હરકત નથી, નહીં તો મંદિરમાં કે એકલા ગમે ત્યારે કરી લેવો ઘટે છેજી. પ્રમાદ તથા ખેદ કર્તવ્ય નથી. દોષ જોઈ દોષ ટાળવાની તત્પરતા રાખવી. આવી પડેલા કામથી કંટાળવું નહીં, તેમજ વિષય-કષાયમાં રાચવું નહીં, સર્વની સાથે વિનયભાવે વર્તી આનંદમાં રહેવું. અનુકૂળતા મળે ત્યારે સત્સંગ અર્થે આવવામાં પ્રતિબંધ નથી; પણ કોઇને તરછોડીને, ઉતાવળ કરીને તેમ ન કરવું. સૌને બને તેમ રાજી રાખીને, આત્મહિતના લક્ષે વર્તવું ઘટે છેજી. એકાસણા આદિ શરીરશક્તિ પ્રમાણે કરવાં. હાલ સેવામાં રહ્યા છો, તો સેવા બરાબર થાય અને
આત્મલક્ષ ન ચુકાય, તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૦૨, આંક ૮૪૩) D પૂ. ....એ કાળજી રાખી તેમના પિતાની સેવા બને તેટલી બહારથી, તેમ જ ધર્મવાંચન, ભક્તિ
આદિથી આંતરિક સેવા પણ કર્તવ્ય છે. બીજાં કામ તો મજૂર આદિથી થઈ શકે, પણ સેવાનું કામ પોતે કરે તો જ બને. તેમનાથી વંચાય તો સમાધિસોપાનમાંથી “દશ લક્ષણરૂપ ધર્મ થી ઠેઠ સુધી, થોડે થોડે તેમણે વાંચવા યોગ્ય છે અને ન વાંચી શકાય તો જે કોઈ વાંચી શકે તેવા હોય તેમણે, તેમને વાંચી સંભળાવવું ઘટે છેજી.
જ્યાં સુધી સાંભળી શકાય છે ત્યાં સુધી, પરમકૃપાળુદેવનાં વચનો, ભક્તિ વગેરે કાનમાં પડયા કરે તેવી ગોઠવણ રાખવી ઘટે છેજી. પૂ. ....એ મુખપાઠ કર્યું હોય તો તે થોડો વખત, અનુકૂળતા પ્રમાણે પાસે બેસી બોલે. જો વિશેષ વખત હોય તો મોક્ષમાળા પ્રવેશિકામાંથી પણ થોડું-થોડું વંચાય તો સારું. મોક્ષમાળા, વચનામૃત, આલોચના આદિમાંથી જેમ બને તેમ, જાગતા હોય ત્યાં સુધી તેમને સંભળાવવાનો ક્રમ રાખો તો હિતકારી છે. કંઈ ન બને તો મંત્રનું સ્મરણ તો કાનમાં પડ્યા જ કરે અને તેમને પણ મનમાં રટણ થયા કરે તેમ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૬૯૯, આંક ૮૩૯). | તમારાં માતુશ્રીને કંઈ ભાન નથી એટલે શું કહેવું તે સમજાતું નથી; પણ ચિત્રપટનાં દર્શન કરાવતા રહેવું અને મંત્રનું સ્મરણ તેમની આગળ બને તેટલું ચાલુ રાખવું. આપણને લાભનું તે કારણ છે. માતાની સેવા એ પુત્રની પ્રથમ ફરજ છે. તેમના ભાવ ફરે અને મંત્રમાં ચિત્ત જાય કે દર્શન કરવામાં કાયાની પ્રવૃત્તિ થાય, તે પણ લાભકારક જ છે. આવા પ્રસંગો આપણને વૈરાગ્યનું કારણ છે. (બી-૩, પૃ.૭૫૮, આંક ૯૫૬) | પૃ. ....ના માતુશ્રીના કાનમાં મંત્રનું સાધન પડ્યા જ કરે એમ કર્તવ્ય છેજી. ભલે ભાનમાં ન હોય
તોપણ મંત્ર તેમના આગળ ચાલુ રહે, એમ કલાક-કલાક વારાફરતી માથે લેનાર થાય તો સ્મરણ કરનારને તો લાભ જ છે. સમાધિમરણ કરાવનારને પણ ઘણો લાભ થાય છેજી. આયુષ્ય હોય તો બચે, પણ આ ધર્મપ્રેમ પોતાને અને સાંભળનારને લાભકારક છે એમ માની, જેનાથી બને તે કલાક-બે કલાક, દિવસે-રાત્રે તેમના આગળ જાપ કરવાનું રાખશે, તેને એ નિમિત્તે લાભ થવા યોગ્ય છેજી. એમાં કંઈ ભણતરનું કે સમજાવવાનું કામ નથી. માત્ર ત્યાં જઈ મંત્ર બોલવાનો છે, તે બાઈ-ભાઈ બધાંથી બને તેવું છેજી.