________________
(૬૩૭ પૂ... ની ગંભીર માંદગી જાણી ધર્મસ્નેહથી ખેદ થયો, પણ તે શમાવવો કર્તવ્ય ગણ્યો છેજી. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે છતાં ક્ષણમાં ખોઈ બેસાય તેવા સંજોગોની વચમાં આપણે જીવીએ છીએ; માટે બહુ કાળજીપૂર્વક જીવનની ક્ષણે-ક્ષણ સદ્ગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞામાં, સ્મરણમંત્ર, ભક્તિ વગેરેમાં ગાળતા રહેવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. રસ્તામાં અડચણ વેઠીને પણ આશ્રમમાં ઊતરવાનું બન્યું હોત તો ઘણા લાભનું કારણ હતું, પણ મોહને આડે તથા તેટલા પુણ્યની ખામીને લીધે ન બન્યું તે ભાવિ ભાવ. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ તો આ તપોવન જેવા આશ્રમ માટે એટલા સુધી કહેલું છે કે અહીં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. તે માન્ય રાખી, બને તેટલી તેની ભાવના રાખી, હાલ તો તે મહાપુરુષે જે આપણને આજ્ઞા વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, મંત્ર આદિ જણાવેલ છે, તે પ્રમાદ તજી, ખરા અંત:કરણે કરતા રહેવાની જરૂર છેજી. ચિ.... આદિ નવરા હોય તેમણે પૂ. .... પાસે જે મુખપાઠ કરેલું હોય તે તથા તત્ત્વજ્ઞાન વગેરેમાંથી વાંચતા રહેવા ભલામણ છે. વાંચનાર અને સાંભળનાર, બંનેને તેથી લાભ છેજી. બીજું કંઈ ન બને તો અખંડ સ્મરણની ધૂન સંભળાવ્યા કરવી. તેનાથી જાતે વંચાય તેમ હોય તો સમાધિસોપાનમાં છેવટના ભાગમાં પૃ. ૩૨પથી છેક છેલ્લા સુધીનો ભાગ વારંવાર વાંચતા રહેવા કે સાંભળતા રહેવા જેવો છેજી. જો સદ્ગુરુપ્રસાદ ગ્રંથ હોય તો તેમાંથી, નહીં તો ગમે તે ચિત્રપટ દર્શન કરવા તેની પાસે રહે તેમ કરતા રહેવાની ભલામણ છે. આ બધાં નિમિત્ત પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ, શરણ અને આશ્રયભાવ દૃઢ થવા અર્થે છે, અને બીજેથી મન ઉઠાવી તે પરમપુરુષને શરણે સર્વભાવે અર્પણતા, આશ્રયભાવ કરવાનો છે. કોઈ પ્રકારનો ક્લેશ મનમાં ન રાખતાં, દેહ ઉપરનો, સર્વ ઉપરનો મોહ ઉતારી એક આત્મકલ્યાણની ભાવના “સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' પ્રત્યે અખંડ વૃત્તિ વહ્યા કરે તેવો પુરુષાર્થ બને તેટલો કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનું શરણ એકલું જ આપણને બચાવનાર છે, એવી ભાવના દરરોજ કર્યા કરવી. તે માંદગીમાં અને ત્યાર પછી પણ સુખ આપનાર નીવડશે. મોહમાં તો જીવ મૂંઝાઈને દુઃખી થાય છે અને ફિકર-ચિંતામાં પડી અધોગતિને યોગ્ય બને છે. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણની મૂર્તિ એવા પરમકૃપાળુદેવનો ચિત્રપટ, તેનાં વચન અને તેનું કહેવું મંત્રસ્મરણ રટયા કરશો તો જરૂર સુખનાં કારણો પ્રગટ થશે, Æયમાં ખરી શાંતિ અનુભવાશે. ખરી કસોટીનો આ વખત છે. મનમાં સંસારની ભાવના જાગે કે તેને ખસેડી, ઝેર જેવી જાણી, જ્ઞાનીનું શરણ અને આશ્રય સુખકારી છે એવી ભાવના વારંવાર કર્યા કરવી, અને જ્ઞાનીને શરણે દેહ છૂટશે તો મારા આત્માને કદી લાભ નથી થયો તેવો લાભ, આ ભવમાં થવાનો છે એવો વિશ્વાસ રાખી નિર્ભય થઈ જવું, મરણથી પણ ડરવું નહીં. આત્મા તો નિત્ય છે, તે કદી મરવાનો નથી. એક
ઓરડામાંથી બીજામાં જઈએ તેમ નિર્ભયપણે જે થાય તે જોયા કરવું અને પરમકૃપાળુદેવની કૃપાથી સારું જ થાય છે, એમ માનવું. (બી-૩, પૃ.૩૬૬, આંક ૩૬૭)