________________
૬૪૫
મારું બગાડયું કે આ મારો શત્રુ છે, આ મને હિતકારી છે કે આનું તો મોં મને આખરે અવગતિ કરાવશે એવા રાગ-દ્વેષના ભાવો, જીવન અને મરણને બગાડનારા છે. માટે પૂર્વે કરેલાં કર્મથી સુખદુઃખ આવે છે તેમાં કોઇનો દોષ નથી; માત્ર અણસમજથી બીજાના નિમિત્તને લક્ષમાં રાખી, જીવ આકુળ-વ્યાકુળ થાય છે.
ભલે કોઇ ચાકરી કરનાર હોય કે ન હોય; કોઇ આપણાં કામ ચલાવનાર પાછળ હોય કે ન હોય; કોઇ નિંદા કરે કે કોઇ વખાણ કરે તે તરફ લક્ષ ન રાખતાં, આ જીવે કરેલાં કર્મ તેને અવશ્ય ભોગવ્યા વગર છૂટકો નથી, તેમાં કોઇનો વાંક નથી, હાથનાં કર્યાં હૈયે વાગે છે; માટે સમતા રાખી, સદ્ગુરુનું શરણું મળ્યું છે તે મહાભાગ્ય માની, તેને આશરે હવે દેહ છોડવો છે એવો પાકો નિર્ણય કરી, રોજ તે નિર્ણય પ્રમાણે વર્તાય છે કે બીજો આશરો શોધવા જીવ મોહવશ ભટકે છે, તે તપાસતા રહેવા વિનંતી છેજી.
આ પુરુષાર્થ જરૂર જીવને ઊંચે આણે એવો છે. માટે હવે બાહ્ય વસ્તુઓનું, બીજા જીવોનું અવલંબન છોડી, સ્મરણ નિરંતર રહે અને સમભાવ રાખી સર્વ પ્રત્યે મૈત્રીભાવના અને સદ્ગુરુપદમાં અભેદભાવના જેમ વિશેષ રહે, તેમ કરતા રહેવા સર્વ આત્મહિતેચ્છુઓને વિનંતી છેજી.
થોડું લખ્યું ઘણું માનજો; વિશેષ વિચાર કરજો; અને કંઇ પણ આચરણ થાય છે કે નહીં, તેની તપાસ રાખશોજી. (બો-૩, પૃ.૨૭૫, આંક ૨૬૭)
— આપના પત્રથી સમાચાર જાણ્યા. અશાતાવેદનીય, દુ:ખ ઉપરાંત ધર્મ-આરાધનમાં અંતરાયનું નિમિત્ત છેજી.
પડવાના દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના અવતારની તિથિ છે તથા પ.પૂ. પ્રભુશ્રીજીના જન્મદિનનો મહોત્સવ તે જ દિવસે છે. શરીર સારું હોય તો સર્વની સાથે દરેક ગાથાએ નમસ્કાર પણ થાય, પણ તેમ ન બને તો ત્યાં રહ્યા-રહ્યા પણ ભાવના કરવી અને જે આવી પડયું છે, તે સમભાવે સહન કરવાનો લક્ષ રાખવો ઘટે છેજી.
પ્રારબ્ધમાં હર્ષ-શોક ન કરવો તે પુરુષાર્થ, સત્પુરુષાર્થ છેજી. તે વખતે સ્મરણ, ભક્તિ તથા સત્પુરુષના સમાગમની સ્મૃતિ વગેરે ભાવનામાં ચિત્ત રોકવું અને શ્રી ગજસુકુમાર જેવા મહા વેદનામાં સમભાવ રાખી શક્યા તે મારે પણ કર્તવ્ય છે, એમ હિંમત રાખી ધર્મધ્યાનમાં વૃત્તિ ટકાવી રાખવી. જ્યાં નિરુપાયતા, ત્યાં સહનશીલતા એ જ આધાર છેજી.
પરાધીનપણે જીવે નરક, તિર્યંચગતિમાં ઘણાં દુઃખો વેઠયાં છે. તે સમજણપૂર્વક આ ભવમાં સદ્ગુરુશરણે જેટલું વેઠી લેવાશે તેટલો બોજો ઓછો થાય છેજી.
‘મૂળમાં ઘા કરવો. દેહ અને દેહના અંગે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, સ્વજન, કુટુંબ, ધન વગેરે જે કંઇ ‘હું અને મારું’ ગણાય છે, તેમાંનું કંઇયે મારું નથી. એ સર્વ માત્ર મનની કલ્પના છે, ભ્રાંતિ છે. હું તો, હે પરમાત્મા ! તમારું બિરુદ (મંત્ર) ગ્રહું છું, દીન અલ્પજ્ઞ ચરણરજ છું. એમ સમયે-સમયે વિચારી - હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું, સ્વભાવપરિણામી છું, જે સર્વ વિભાવિક સ્વરૂપ છે તે સ્વરૂપથી ભિન્ન છું, હું સર્વનો દૃષ્ટા છું - શ્રી સદ્ગુરુદેવનાં મુખથી શ્રવણ થયેલ વચનામૃતો વારંવાર વિચારવાં, તેમની મુખમુદ્રા અને ચારિત્ર વારંવાર હૃદયમાં નિદિધ્યાસન કરવાં.'' (બો-૩, પૃ.૪૯૬, આંક ૫૩૨)