________________
૦૮
ભાવના નિરંતર કર્તવ્ય છેજી. અન્ય વિકલ્પોમાં જતું ચિત્ત રોકીને, પરમપુરુષની દશાને ચિંતવવી હિતકર છેજી.
હાડકાંના માળા જેવું શરીર પરમકૃપાળુદેવનું થઇ ગયું, છતાં તેમણે આત્મભાવના પોષી છે; તેમ શરીર અશક્ત અને દુઃખદાયી નીવડે ત્યારે આત્માને પૃષ્ટિકારક એવાં પરમકૃપાળુદેવનાં વચનો પરમ ઔષધમય માની, વૈરાગ્ય અને સંવેગમાં વૃત્તિ કરે તેવો પુરુષાર્થ, નવીન કર્મને રોકનાર બને છેજી.
આત્મઆરોગ્યની જ ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૭૪, આંક ૮૦૮)
આપ બંનેની માંદગી જાણી. આવા વખતે પરમકૃપાળુદેવનું શરણ એ જ એક આધાર છે. કર્મ તો બાંધેલાં આવ્યાં છે, તે જવાનાં છે; પણ જો મંત્રનું સ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત રહ્યું તો એવાં કર્મ ફરી નહીં ભોગવવાં પડે. છૂટવાનો લાગ આવ્યો છે ગણીને, પરમકૃપાળુદેવને પ્રગટ આધારરૂપ માની, તેને શરણે જે થાય તે જોયા કરવું.
આપણું ધાર્યું કાંઇ થતું નથી. સારું-ખોટું કર્યા વિના સહનશીલતા અને ધીરજ ધારણ કરી, આ આત્મા જન્મમરણથી છૂટે માટે આત્મજ્ઞાની એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું મારે શરણું છે, તે જ ભજવા યોગ્ય છે, રાત્રિદિવસ તેમનું જ મને ભાન રહો, મારા આત્માના એ પરમ ઉપકારી છે, એમણે જણાવેલો મંત્ર મને અંત વખત સુધી સ્મૃતિમાં રહો, એ ભગવંતની ભક્તિ એ જ મારા જીવનનું ફળ છે, એને શરણે આટલો ભવ પૂરો થાઓ; એવી ભાવના કરતા રહેવા યોગ્ય છેજી.
આત્મા છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે - આ છ પદના વિચારે આત્મશ્રદ્ધા કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવે કહેલાં આ છ પદ પરમ સત્ય છે, તે જ મારું સ્વરૂપ છે. એ જ વાત મંત્રમાં પણ જણાવી છે. માટે મારે આખર વખત સુધી; તે પરમકૃપાળુદેવ અને તેણે કહેલો મંત્ર આધારરૂપ છે. તે સદાય મારા હૃદયમાં પરમ પ્રગટ રહો. એ ભાવના કલ્યાણકારી અને સર્વ અવસ્થામાં ઉપાસવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૭૨, આંક ૫૦૦)
પૂ. ....ની માંદગી લાંબી ચાલવાથી કંટાળા જેવું લાગે, પણ પોતાનાં જ કર્મો પોતે ભોગવ્યા વિના છૂટકો નથી એમ વિચારી, બને તેટલી સહનશીલતા વધારતા રહેવાની ભલામણ છેજી.
આથી અધિક વેદના આવે તોપણ સહન કર્યા વગર છૂટકો નથી. મરણની વેદના આથી અનંતગણી છે એમ જ્ઞાનીપુરુષો કહે છે. તેને પહોંચી વળવા આજથી તૈયારી કરે તેને આખરે ગભરામણ ન થાય. ક્ષમા, ધીરજ, શાંતિ, સહનશીલતા એ ગુણો જેમ જેમ વર્ધમાન થશે તેમ તેમ સમાધિમરણની તૈયારી થશે. માટે માંદગી આવી પડે ત્યારે તો સમાધિમરણની તૈયારી જરૂર કરવી છે, એવો નિશ્ચય કરવા યોગ્ય છે.
મુનિવરો ઉદીરણા કરીને એટલે જાણીજોઇને દુઃખ ઉત્પન્ન કરીને આત્મભાવના કરે છે. તે એવા આશયથી દુઃખના વખતમાં કે મરણ સમયે આત્મભાવના ખસી ન જાય.
જેને વેદની આવી પડે છે તેણે યથાશક્તિ સહનશીલતા, ધીરજ આદિ ગુણ ધારણ કરી, દેહથી પોતાનું ભિન્ન સ્વરૂપ વિચારી, અસંગભાવના ભાવતાં ઘણી નિર્જરા થાય છે.