________________
૧૯૦
D પ્રથમ પોતાનું હિત સાધવું છે એ લક્ષ રાખી, પોતાને સંગે જે પરમકૃપાળુદેવની ઉપાસનાની ભાવના રાખતાં હોય તેમનો સંગ આત્મહિતાર્થે કરવા યોગ્ય છે. કોઇ પણ પ્રકારે બીજાના સંગમાં સ્વાર્થની ગંધ પણ ન રહે એવી પોતાની વૃત્તિને તપાસી, અસંગપણા અર્થે જ જીવવું છે, એ લક્ષ સર્વોપરી રાખવો ઘટે છેજી.
પૂ. ....એ કોઇ સાધ્વીની વાત લખી છે અને વડી દીક્ષા, તેની ઇચ્છા હશે તો, દેવાની ઇચ્છા તેમની જણાય છે. તેમને ઉપરની વાત જણાવવી અને સાથે રહે તે પરમકૃપાળુદેવના ઉપાસક છે એમ જાણી, તેનો સત્સંગ ઇચ્છવો, પણ ગુરુપણું પોતામાં ન પેસી જાય તે લક્ષ ઊંડા ઊતરીને વિચારવો; નહીં તો જે સંગ સહેજે છૂટયો છે તેને પાછો બોલાવી ઉપાધિમાં પડવા જેવું થાય, તેનું મન સાચવવા પોતાનું કરવાનું ગૌણ કરવું પડે.
ન
હાલ તેને વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને યમનિયમ મુખપાઠ કરવામાં રસ પડે તેમ ભક્તિમાં સાથે રાખી, તેની ઇચ્છા ઉપરાંત કંઇ પરાણે પરમકૃપાળુદેવનાં વચન પણ ન ગોખાવવાં, એવી સૂચના તેમને જણાવશોજી.
પરમકૃપાળુદેવનું માહાત્મ્ય લાગે, પછી તેવો યોગ મળી આવ્યે સ્મરણ વગેરેની આજ્ઞા તેને મળશે. હાલ ઉતાવળ ન કરે. તેના ભાવ જાગ્યે બધું થઇ રહેશે. સ્મરણ સાંભળે તેમાં હરકત નથી. પણ તેને ગરજ જાગે અને પૂછે કે મારે શું કરવું ? તો જ તેને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરાવી ત્રણ પાઠ શીખવા કહેવું ઘટે છેજી. સાંભળતાં-સાંભળતાં તેને મુખપાઠ થાય, તે હાલ ઇચ્છવા યોગ્ય છે. માગે તો તત્ત્વજ્ઞાન વાંચવા આપવામાં હરકત નથીજી. (બો-૩, પૃ.૬૮૦, આંક ૮૧૭)
પોતાના આત્માનું હિત કરવું છે, એ લક્ષ હોય તો પછી લોકો ગમે તેમ બોલે. ‘લોક મૂકે પોક.’ એ દૃષ્ટિ રાખવી. તેનો હર્ષ-શોક ન કરવો. હું ક્યારે મોક્ષે જાઉં ? એ ભાવના કરવાની છે.
પાંડવો મુનિ થયા હતા. આકરા ઉપસર્ગ આવ્યાં. ત્રણ ભાઇએ પરમાત્મામાં વૃત્તિ રાખી, તે પરમાત્મા થયા; અને જે બે ભાઇ વિચારમાં પડયા કે ધર્મરાજા કોમળ છે, તેમને શું થતું હશે ? તે રહી ગયા. પારકું કરવા જાય તો પોતાનું પડયું રહે. ત્રણે ભાઇ સમભાવ રાખીને મોક્ષે ગયા અને બે દેવલોકે ગયા. (બો-૧, પૃ.૧૭૪)
પાત્રતા
જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવની યોગ્યતા જોઇએ. યોગ્યતા એટલે જિજ્ઞાસા, વિશ્વાસ જોઇએ. જ્ઞાનીપુરુષ દિવસ હોય અને રાત કહે, તોપણ માને. પોતાની બુદ્ધિની મંદતા કરે અને જ્ઞાની કહે તે ંખરું એમ માને, ત્યારે વિશ્વાસ આવ્યો કહેવાય. હું કંઇ ન જાણું, એવું થાય તો યોગ્યતાય આવે, બધું આવે. પોતાની બુદ્ધિ મૂકવી અધરી છે. માથું મૂકે પણ પોતાની બુદ્ધિ નહીં મૂકે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. બુદ્ધિથી આગળ વાત છે. (બો-૧, પૃ.૮૭)
— સત્સંગમાં જ્ઞાનીનો બોધ સાંભળવાની યોગ્યતા જોઇએ છે. ત્યાગ-વૈરાગ્ય એ યોગ્યતા છે. ત્યાગ-વૈરાગ્ય માટે યોગવાસિષ્ટ ગ્રંથ વાંચવા યોગ્ય છે, પણ સિદ્ધાંત માન્ય કરવા યોગ્ય નથી. (બો-૧, પૃ.૨૫૫, આંક ૧૫૬)