________________
૫૮
સંસારમાં આમ કરશો તો ધન મળશે, આમ કરશો તો પાંચ ઇન્દ્રિયોના વિષયસુખો મળશે, આમ કરશો તો સંસારના વૈભવો પ્રાપ્ત થશે - એ જ્ઞાનીઓ બોધતા નથી. પર એવા જડ પદાર્થોના સંયોગો, જેને લઇને જેમાં મારાપણાથી જીવ સારું-નરસું, સુખ-દુ:ખ, તારું-મારું, અધીનતા-સ્વાધીનતા આદિ કલ્પે છે, માને છે, તે આત્માનું ખરું સ્વરૂપ નથી.
આત્મા તો એ સર્વે સંયોગોથી રહિત, શુદ્ધ, પોતાના સ્વરૂપમાં વાસ કરનાર છે, એમ જ્ઞાનીઓનાં બોધ-વચનો છે; અને આ બધા તો પરભાવ-વિભાવમાં વર્તીને સ્વભાવને કેમ પ્રાપ્ત થાય ? શું તે અમર થવા માટે ઝેર પીવા સદૃશ નથી ? આપણે તો એક સદ્ગુરુના બોધે - સંતના સમાગમે - એમણે જે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું અને કહ્યું તેની દૃઢ શ્રદ્ધા રાખી, તેને જ માની, તેના માટે સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે.
હું કાંઇ જાણતો નથી, સમજતો નથી; અજ્ઞાન, અવિવેક આદિ અનેક અવગુણોથી અંધ છું અને ખોટી કલ્પના-માન્યતા-બુદ્ધિવિલાસે વ્યાપ્ત છું, અને સદ્ગુરુ તે એક સાચા અને સર્વ રીતે સાચા અને સર્વ રીતે જાણનારા છે; માટે એમણે જે કહ્યું છે તે જ મારું સ્વરૂપ છે, તે જ મારી ક્રિયા હો અને તે જ મારું હૃદય-મનની વૃત્તિ-વર્તના હો ! એ ભાવથી વર્તવું યોગ્ય છે અને સર્વ પ્રકારમાંથી મનને નિવૃત્ત કરવું એ માર્ગ છે.
જો સદ્ગુરુનું એક પણ વચન, આ જીવ સાચા હૃદયથી હૃદયમાં અવધારશે તો સત્ય પરિણામ પામશે, તે જ્ઞાનીઓનો ઉપદેશ છે; માટે સર્વ કરતાં પ્રથમ કરવા યોગ્ય, સર્વમાં શ્રેષ્ઠ અને સર્વ આત્મિક સૌષ્યનું મૂળ એવી સદ્ગુરુ પ્રત્યેની સાચી શ્રદ્ધા છે, તે જીવે નિશ્ચય કરી સેવવા યોગ્ય છે - એમ મારી અલ્પમતિમાં, જ્ઞાનીઓનાં વચનની સ્મૃતિથી જે છે, તે જણાવ્યું છેજ.
અને તેથી બીજું શું લખવાનું હોય ? સાચથી બીજું શું હોય ? અને જે બીજું છે તે સાચ કેમ કહેવાય ? સત્ય તો સદ્ગુરુની શ્રદ્ધા - સાચી શ્રદ્ધામાં જ, તેના ચરણમાં જ, તેના સમાગમમાં, રોમે-રોમે તેનામાં જ અસ્તિત્વવત્ છે. અન્ય કોઇ સ્થળે સત્યની સંપ્રાપ્તિ થાય એ આકાશકુસુમવત્ છે. જેને જેવી ઇચ્છા હોય, તે, તે કરે. સાચ માટે સાચને, સાચ-પ્રાપ્તને સેવો અને બીજું જોઇતું હોય તો બીજું બધું પડયું છે, જે અનાદિથી જીવ કરતો આવ્યો છે.
મારી પોતાની પ્રવૃત્તિ અને ઇચ્છા તો બને કે ન બને, સમજાય કે ન સમજાય, વર્તાય કે ન વર્તાય અને થાય તે પણ મારાથી જેટલું બને તેટલું એક સદ્ગુરુદેવની ચરણરજમાં, સમાગમમાં, શ્રદ્ધામાં, આજ્ઞામાં, સેવામાં, દૃષ્ટિમાં, માન્યતામાં આ ભવ વિતાડવાની ઇચ્છા છે અને તે પરમકૃપાળુ સર્વ શક્તિમાન પરમ કૃપા કરી પાર પાડે અને એના અંકમાં અવકાશ આપી, એમાં સ્થાપે એ પ્રયાચના છે. અન્ય કોઇ પ્રવૃત્તિ કરવા ઇચ્છા નથી.
હોય કે થતી હોય તે કર્મનો દોષ છે અને તે ક્યારે છૂટે અને એકમાત્ર તેની જ, સત્પુરુષની જ લય ન જાય, અહર્નિશ હૃદયકમળમાં ક્યારે રહ્યા કરે, એ અભિલાષા છે. તે અભિલાષા, જ્ઞાનીની દૃષ્ટિએ સાચી હોય કે જે હોય તે, પણ મારી મતિ પહોંચે છે ત્યાં સુધી તો તે જ હો એ ઇચ્છા છે, અને તે પરમપુરુષ પ્રત્યે પ્રાર્થના છેજી.
પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે એક આ ભવ સત્પુરુષની આજ્ઞા ઉઠાવવામાં વ્યતીત કરીશ તો અનંત ભવનું સાટું વળી ૨હેશે. અંતર્યામી સિવાય કોઇ અંતરના પરિણામ-ભાવ જાણનાર નથી. ભૂલ