________________
(૫૮૫) થશે નહીં. અન્ય કોઈ પણ પ્રવૃત્તિ, જો તે સમકિતના હેતુભૂત થતી હોય તો, તે એક ઉપચારથી કરવા કહી છે, પરંતુ તે કરતાં અંતરમાં નિરંતર મુક્તિ, સમકિતનો લક્ષ રહેવો જોઇએ. જે પ્રવૃત્તિ કરતાં જીવને મુક્તિનો લક્ષ ન રહે, તે પ્રવૃત્તિ બંધનકારક અને ત્યાગવા યોગ્ય છે. તે પ્રવૃત્તિ તે બાહ્ય પ્રવૃત્તિ છે. અંતરમાં જ્યાં સમતિ અગર આત્માના શુદ્ધભાવને ન ભજે અગર તેવા પરિણામના હેતુભૂતભાવને ન ભજે, ત્યાં તે પ્રવૃત્તિ આત્માર્થીને કર્તવ્ય નથી. આત્માર્થીને તો એક માત્ર અંતરભાવને અર્થે જ સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે, કે જે અંતર પરિણામથી આત્મા સમકિતને પામે છે. સમકિત સાચામાં સમાય છે. સાચ સાચા પુરુષમાં વસે છે; અને તેથી જ સાચા પુરુષના સમાગમમાં, સેવામાં, આજ્ઞામાં જ તે મુક્તિમાર્ગ - સમકિતની પ્રાપ્તિ જ્ઞાની પુરુષોએ વર્ણવેલી છે. આ સંસારનો કોઈ પદાર્થ-ભાવ-વાસના-પ્રવૃત્તિ જીવને સંસારથી મુક્ત કરી શકે, એ અસંભવિત છે. કાળાશ, કાળાશ લગાડવાથી મટતી નથી, પણ સાબુ અને સ્વચ્છ નીરના ઉપયોગથી નષ્ટ થાય છે. માટે અનાદિથી લાગેલી ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મારા-તારાપણું, અહંકાર, મમકાર એ આદિ કશ્મલત્તા-કાળાશ, તે સરુના બોધરૂપ સાબુ, વૈરાગ્યરૂપ સ્વચ્છ નીર સિવાય ક્ષય થવાની નથી, એ સુનિશ્ચિત છે, માટે જ સદ્ગુરુના બોધને લક્ષ લલિત થઈ પ્રવર્તતાં, જીવ સંસાર નષ્ટ કરે છે. અમુક પ્રવૃત્તિ ન કરવી કે અમુક પ્રવૃત્તિ કરવી એમ કહેવું એ તો જ્ઞાનીની શક્તિની વાત છે. જ્ઞાની પણ ઘણી વાર એમાં મૌન રહે છે, કારણ કે જીવને અનાદિનો જે અધ્યાસ છે, જેમાં સહવાસ છે, અને પ્રેમ-રુચિ છે, તેમાં જીવ પ્રવર્તવા ઉત્સુક થાય છે અને તેની એના અંતરમાં એટલી સચોટ અસર છે કે તેથી ઉખેડતાં ઘણી વાર જીવ પોતાની અયોગ્યતા, ઉપશમ-વૈરાગ્યની ન્યૂનતાના કારણે જ્ઞાનીથી વિમુખ થઇ જાય છે; તો જ્ઞાની તેમ વર્તે નહીં. જ્ઞાની, સામા જીવની યોગ્યતા જોઇ, બોધ કરે છે. એ તો મુમુક્ષુજીવનું કર્તવ્ય છે કે જ્ઞાનીનો આશય સમજી, સંસારનાં કાર્યોથી ઉદાસીન થઇ, જ્ઞાનીના બોધાનુસાર પ્રવર્તે. એવાં ઘણાય દ્રષ્ટાંતો છે કે જ્યાં જ્ઞાનીઓ મૌન રહ્યા છે. જ્ઞાનીઓ રાગ-દ્વેષથી વિરક્ત હોવાથી, તેમના અંતરમાં સર્વ કોઇને આત્મપ્રાપ્તિ થાય એ બળવાન પ્રેમ છતાં, જે સહેજે થાય છે તે જોયા કરે છે. જ્ઞાનીઓનો માર્ગ ઉપદેશનો છે, આદેશનો નથી; એટલે આમાં પરમકૃપાળુ આપણને શું કહે? ખરેખર એ આપણા જ હીનપુણ્ય, અયોગ્યતાની જ નિશાની છે, અશુભમાર્ગમાંથી જીવ શુભમાર્ગે વળે એ સારું છે, છતાં જ્ઞાનીઓનો માર્ગ તો શુદ્ધનો છે એટલે તેમાં શુભ કે અશુભ બંનેનું હોવાપણું નથી; અને આપણો પ્રવૃત્તિમાર્ગ શુભાશુભ હોય છે ત્યાં શું કહેવું? જ્ઞાનીઓએ તો ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે એક માત્ર, જે માર્ગથી આ જીવ સંસારમાથી મુકાય, તે માર્ગે હે ભવ્યો ! તમે વિચારો. તે માર્ગ ઉપર કહ્યો તેમ સમકિત - સદ્ગુરુના બોધમાં બોધાનુસાર શ્રદ્ધા, જ્ઞાન રાખી વર્તવામાં છે. સંસારના સર્વે ભાવો, વર્તન છોડી એક અલૌકિકભાવ, વર્તન કરો અને આત્માના શુદ્ધસ્વરૂપને જાણો, શ્રદ્ધો અને તેમાં સ્થિર રહો ! એ જ્ઞાનીનો બોધ છે.