________________
૫૩૭
કરી શક્યા; તેથી વૈરાગ્ય થશે; પણ અનાર્યદેશ એટલે કોઇને એવું ન લાગ્યું; એવું આપણું ન થાય, સાચવવું. (બો-૧, પૃ.૧૯૫)
નિમિત્ત
D નિમિત્તને લઇને સારા ભાવ થાય છે. પ્રતિમાને જોઇને નિર્વિકારતા થાય છે; અને બીજા ખોટા નિમિત્તથી તેવા ભાવ થાય છે.
બીજરૂપે કર્મ પડયાં હોય છે; પણ જેવું નિમિત્ત મળે તેવું ફળ, તે કર્મ ઉદયમાં આવી આપે છે. અત્યારે આઠેય કર્મનો ઉદય છે, પણ વૃત્તિ સત્સંગમાં હોય તો રસ દીધા વગર કર્મ આવીને ચાલ્યાં જાય; એટલા માટે સારા નિમિત્તની જરૂર છે. (બો-૧, પૃ.૧૦૫, આંક ૨૧)
D આપનો પત્ર મળ્યો. તેમાં ચિત્ત વ્યાપારમાં બહુ ખેંચાય છે, બીજાને કમાતા દેખીને મન ત્યાં દોડે છે, વગેરે સમાચારો જાણ્યા.
નિમિત્તાધીન જીવ હોવાથી, જેવાં નિમિત્ત મળે તેવો થઇ જાય તેવી દશા હોય ત્યાં સુધી સારાં નિમિત્તો મેળવતા રહેવાની જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે, તે લક્ષમાં રાખીને દિવસના ચોવીસ કલાકમાંથી અમુક એકાદ કલાક સત્સંગની ઇચ્છાવાળાભાઇઓએ એકઠા મળી કંઇ વાંચવા-વિચારવાનો ક્રમ રાખવો ઘટે છે.
અમુક મુમુક્ષુને ત્યાં કે દેરાસર, બાગ આદિ કોઇ નિવૃત્તિનું સ્થળ હોય ત્યાં એકત્ર થઇ, ભાવસહિત ભક્તિ, વાંચન, વિચાર થાય તેમ કરવાથી, વૃત્તિમાં ફેર થયા વિના નહીં રહે. (બો-૩, પૃ.૩૩૧, આંક ૩૨૮)
જીવ નિમિત્તાધીન છે. ક્ષણે-ક્ષણે વૃત્તિ નિમિત્તને લઇને ફરી જાય છે, માટે અશુભ નિમિત્ત તજી શુભ નિમિત્તોનો જોગ જેમ બને તેમ કર્તવ્ય છેજી.
‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.’’ એમ વિચારી અશુભ નિમિત્તોને દૂરથી તજી, સત્સંગી-આત્માર્થી-સમસ્વભાવીભાઇઓનો સમાગમ વિશેષ રાખી સત્પુરુષનાં ગુણગ્રામ, તેની નિષ્કારણ કરુણાની ચિંતવના, તેનાં વચનોનો મુખપાઠ, ઉત્તમ અપૂર્વ અવસરની ભાવના, સંસારની અસારતાની ચર્ચા, ભક્તિ, સ્મરણ, સ્વાધ્યાય આદિ શુભ નિમિત્તો એકલા કે સમૂહરૂપ એકાંતમાં સેવવા યોગ્ય છેજી.
આત્મહિતના સર્વ સાધનો નિરભિમાનપણે, સત્પુરુષને મુખ્ય રાખીને, તેના અનન્ય શરણે સેવવા યોગ્ય છે. (બો-૩, પૃ.૪૭, આંક ૩૨)
I ભક્તિનાં નિમિત્તોનો બનતો વિશેષ લાભ લેવાથી, ભાવ જાગ્રત થવાનું તે ઉત્તમ નિમિત્ત છે. બાકી તો જેટલી જીવમાં આત્મકલ્યાણ કરવાની ભાવના જાગી હશે તેટલો પુરુષાર્થ તે કલ્યાણ સાધવા, જીવ વગર કહ્યે, જ્યાં હશે ત્યાં, ગમે તે પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ કરતો રહેશે.
સત્સંગના અભાવે કલ્યાણ કરવાની વૃત્તિ મોળી પડવા સંભવ છે કારણ કે અનાદિકાળનો બાહ્ય દેહાદિકનાં સુખદુઃખમાં ગૂંચાઇ ૨હેવાનો જીવને અભ્યાસ છે; તે પાછો જીવને તેવાં નિમિત્તો મળતાં ઘેરી લે છે, માટે સત્પુરુષના વિયોગમાં સત્પુરુષે અનંત કૃપા કરી દર્શાવેલા આત્મકલ્યાણના