________________
(૫૭)
ઘણા-ઘણા વિચારો કરતાં શ્રી તીર્થકર આદિ મહાત્માઓએ નિર્ણય કર્યો છે કે આ સંસાર એકાંત દુઃખમય છે. જેમણે સ્વપ્ન પણ સાંસારિક દુઃખ જોયું નહોતું, સર્વ પ્રકારની ભોગસામગ્રી પૂર્વના પુણ્યને લીધે જેમને મળેલી હતી, જેમનું શરીર પણ તે સર્વ ભોગોને લાંબા કાળ સુધી ભોગવી શકે તેવા વજઋષભનારાચ સંઘયણના ધણી, મોક્ષગામી તે ભગવંતોએ સર્વ ભોગોને અસાર અને સંસારમાં ભુલાવામાં નાખનારા, મોક્ષમાર્ગમાં આગળા સમાન વિષ્નકર્તા જાણી, સર્વ સંપત્તિ ત્યાગી, ભિખારીની પેઠે ભટકીને, પરિષહો - દેવ, મનુષ્ય અને તિર્યચના કરેલા વેઠીને, અનેક કષ્ટોથી પણ નહીં કંટાળતાં, ધર્મ - આત્માની શુદ્ધતા - સાધી, તેવું ઉત્તમ કાર્ય કરવાનું, આ અલ્પ જીવનમાં જીવ ચૂકી, જૂનાં ચીંથરાં જેવા આ શરીર વડે ભોગ ભોગવવા લલચાય તો તેની કેટલી તુચ્છ વૃત્તિ છે અથવા સહજ કર્મના યોગે ધર્મ આરાધી શકાય તેવી તક, હાલ નહીં તો બે-પાંચ વર્ષે પણ નિવૃત્તિસુખ પામી, આ બળતા આત્માને સંસારતાપથી બળતો બચાવવાનું સંભાગ્ય પ્રાપ્ત થયાં છતાં, જો જીવ આંખો મીંચીને ઉદીરણા કરી ભોગાવળી કર્મ ઊભું કરશે તો તે ક્લેશ કદી સુખરૂપ નહીં નીવડે, એમ વિચાર કરનાર મુમુક્ષુને લાગ્યા વિના નહીં રહે. બે-પાંચ વર્ષ મુશ્કેલી વેઠી લઇ, આત્મહિત તે દરમ્યાન થાય તેટલું કરતા રહી, પછી ઉપાધિ વિના નિર્વિઘ્નપણે ધર્મધ્યાન થઈ શકે તેવો યોગ આવેલો ગુમાવી, સંસારકૂપમાં જાણીજોઇ પડવાનું વિચારવાન જીવ ન કરે. મનુષ્યભવમાં હવે કેટલો કાળ કાઢવો છે? શા કામમાં મનુષ્યભવ ગાળવા યોગ્ય છે? અને કેવી રીતે હાલ કાળ જાય છે? તે વિચારવાન એકાંતે વિચારે તો તેને ચેતવા જેવો વખત જણાય, પરમકૃપાળુ મહાત્માઓએ જે માર્ગ અનંત કૃપા કરી આપણને દર્શાવ્યો છે, તેનું આરાધન ક્યા ભવમાં કરીશું ? ચોરાસી લાખ જીવયોનિમાં બીજે કોઈ ઠેકાણે આ ભવમાં થશે તેટલું થવા સંભવ નથી, તેનો વિચાર
કરવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૨૨૨, આંક ૨૨૦) ID જેણે ઉપાધિનું સ્વરૂપ વિચાર્યું છે, તે ઉપાધિને દુઃખરૂપ માને છે અને તેવી ઉપાધિના કોઇ અંશને
હિતકારી, સુખકારક કે ઇચ્છવા લાયક માનતા નથી; એટલું જ નહીં, તેવા ઉપાધિરૂપ દુઃખથી જેમ બને તેમ વહેલા, છૂટવાના ઉપાયમાં પ્રવર્તે છે. મોહને લઈને સ્ત્રી, કુટુંબ, ધન આદિમાં જે મીઠાશ લાગતી હતી, તે વિચારણા જાગતાં બદલાઈ જાય છે અને નાશવંત વસ્તુનો મોહ કરીને જે દુઃખ ઉઠાવ્યું, તેથી કંઈ આત્મકલ્યાણ ન થયું, ઊલટી માયાજાળ વધારી એમ લાગે છે. હવે આવા સંસારમાં ફરી જન્મવું ન પડે, તે માટે શું કરવું, તે જીવ વિચારવા લાગે છે. અને જેમ જેમ ઉપાધિ ઘટે, તેમ તેમ વિચારવાનો અવકાશ મળે અને શાંતિ અનુભવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે જેમ બને તેમ, જ્યાં સુધી સત્સંગનો યોગ ન બને ત્યાં સુધી, સત્સંગની ભાવના રાખી, સપુરુષનાં વચન, આજ્ઞા, ભક્તિમાં કાળ વ્યતીત થાય, તે પ્રકારે પ્રવર્તવા ભલામણ છે. સંસારસાગર તરવાનો જેણે નિશ્ચય કર્યો છે, તેણે કેવી રીતે જીવવું? બચતો વખત કેમ ગાળવો? આત્મહિત કેટલું સાધી શકાય છે? તેની તપાસ રાખવી, અને જીવન ઉત્તમ કેવી રીતે ગણાય, તેનો નિર્ણય કરી રાખવો ઘટે છે. એ લક્ષ જેનો હશે, તે વહેલેમોડે તે તે સાધનો શોધી, પ્રાપ્ત કરી, સંસાર તરવા શક્તિમાન થશે. માટે મોહમાં કાળ બધો વહ્યો ન જાય અને મરણ વખતે. પસ્તાવું ન પડે, માટે