________________
૫૭૩
તમારા તરફથી આજે પૂજા-પ્રભાવના થઇ હતી. શુદ્ધભાવના લક્ષે શુભભાવની પ્રવૃત્તિ શ્રેયસ્કર છે. શુદ્ધભાવ સિવાય બીજે ક્યાંય સંતોષ માની અટકી જવા જેવું નથી, એમ વિચારવાનના ચિત્તમાં ર' કરે છેજી. (બો-૩, પૃ.૨૮૭, આંક ૨૭૫)
બધી જગતની વસ્તુઓ તો ક્ષણિક અને અસાર છે, કોઇ વસ્તુ પ્રત્યે પ્રીતિભાવ કરવા યોગ્ય નથી. સવારમાં ફૂલ ખીલેલું દેખાય છે, તે સાંજ થતાં પહેલાં કરમાઇ જાય છે, તેવા આ સર્વ, જગતના પદાર્થો જોતજોતામાં નાશ પામી જાય છે અને તેની ઇચ્છા કરનારને દુ:ખી ક્લેશિત કરતા જાય છે. તેવા પદાર્થોમાં વિચારવાનને આસક્તિ કેમ થાય ?
તડકામાં ચળકતા પાણીનાં ટીપાને હીરો માનનાર અજ્ઞાની કહેવાય, તેમ આ અસાર સંસારની વસ્તુમાં મોહ થાય, તે મૂર્ખતા સિવાય બીજું શું છે ? (બો-૩, પૃ.૧૮૨, આંક ૧૮૬)
D ‘‘આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે.'' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે; તે, જીવ વિચાર કરે તો સમજાય એવું છે અને આ કાળમાં તો જ્યાં જુઓ ત્યાં પ્રત્યક્ષ દુ:ખ, દુઃખ ને દુઃખ જ નજરે ચઢે છે. છતાં જીવને એ દુઃખમાં કે તેની પાછળ સુખ માનવાની ટેવ પડી ગઇ છે, તેથી છૂટવાની ઇચ્છા થતી નથી.
કોઇ મહાભાગ્યશાળીને સત્પુરુષનો યોગ થયો હોય, તેના ઉપર અને તેનાં વચનો ઉપર પરમ પ્રેમ થયો હોય, શ્રદ્ધા ચોંટી હોય તો તે તેવાં દુ:ખનાં ઘેરાવામાં પણ ઇચ્છા તો ચાતક પક્ષીની પેઠે આકાશમાંથી પડતા પાણીની કરે, પણ ગંગાજળ જેવું પવિત્ર ગણાતું હોય, અખૂટ પાણી હોય તોપણ તેમાં ચાંચ સરખી બોળે નહીં. તેમ સંસાર જેને પ્રિય ગણે છે, એવા ધન આદિનો લાભ થતો હોય, કીર્તિ વધતી હોય, રાજાનું માન મળતું હોય છતાં સંસારમાં જણાતાં સુખ, તેની દૃષ્ટિમાં અભોગ્ય સમજાય છે, તેનું મન ત્યાં ઘડીભર શાંતિ માનવા ઇચ્છતું નથી.
‘‘એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં.’’ જેની પાછળ દુઃખ આવે તેવાં સુખનો વિશ્વાસ, વિચારવાન જીવ કરતા નથી.
અત્યારે આપણે નજરે જોઇએ છીએ કે કેટલાય પૈસાદાર ગણાતા દેવાદાર થઇ ગયા; કેટલાય જુવાન યોદ્ધા જેવા રોગી થઇ ગયા; કેટલીય સૌભાગ્યવંતી સ્ત્રીઓ વિધવા થઇ ગંઇ; એમ અનેક અધૂરાં કામ મૂકી, મરણ આવતાં ચાલ્યા જતા નજરે જોઇએ છીએ. સગાંવહાલાં મરનારની ઉત્તર ક્રિયા કરી, તેણે પાપ કરી કમાવેલું ધન વહેંચી લે છે અને મોજ કરે છે; પણ જેણે પાપ કર્યું હોય, તેને એકલાને તેનાં ફળ ભોગવવાં પડે છે, દુર્ગતિમાં ત્રાસ વેઠવો પડે છે.
આવી વાતો વારંવાર વિચારી, પરમપુરુષ પરમકૃપાળુશ્રીએ જે છૂટવાનો માર્ગ બતાવ્યો છે, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞા આપી છે, તેનું શરણ બળવાનપણે ગ્રહીશું તો જરૂર આત્મહિત થશે અને હજી જો ગાફેલ રહીશું તો માર ખાઇશું. માટે જે કંઇ કરતા હોઇએ - વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, સ્મરણમંત્ર આદિ, તેમાં ભાવ વધે, તેમ કર્તવ્ય છે.
સંસારજાળમાંથી મુક્ત થવાની ભાવના, પ્રતિકૂળ સંયોગોમાં પણ મંદ ન પડે, ઊલટો વૈરાગ્ય વધે, તેવું બળ વાંચન-વિચાર-ભક્તિથી મેળવતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૮૪, આંક ૬૬૧)