________________
૫૮૨
0
અપ્રમાદપણે, સત્સંગે આત્મસુધારણા, સશ્રદ્ધા અને સદાચારની વૃદ્ધિ કરે છે, તે આવા હડહડતા કળિકાળમાં પણ ભાગ્યશાળી છેજી.
‘વાયો રે નવિ જાણ્યો કળિયુગ વાયરો રે લો'' એમ સ્તવનમાં આવે છે; તેમ તે કળિકાળના ઝેરી વાતાવરણથી બચીને, પરમપુરુષના બોધરૂપ કલ્પવૃક્ષની છાયાની શીતળતા વર્તમાનમાં અનુભવે છે અને ભવિષ્યમાં તે કલ્પવૃક્ષનાં અમૃતફળને પામશે. માટે પ્રારબ્ધ પ્રમાણે જે સંયોગો મળી આવે તેમાં તન્મય ન થતાં, પરમકૃપાળુદેવનું શરણું, તેની ભક્તિ અને તેની પરમકૃપારૂપ મહામંત્રમાં વૃત્તિ રાખવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૯૯, આંક ૫૩૬)
તમે ભક્તિ કરો છો અને ભક્તિ અર્થે આયુષ્ય નિર્દોષપણે ગાળવા, બ્રહ્મચર્ય સહિત, સદ્ગુરુશરણે જીવવા ઇચ્છો છો તે જાણી, નિઃસ્વાર્થપણે આનંદ થયો છે. આ કાળમાં જગતના સુખને ન ઇચ્છતા હોય, તેવા થોડા જ ભાગ્યશાળી જીવો છે. (બો-૩, પૃ.૬૫૯, આંક ૭૮૬)
જ્યારે સંસારનાં કામ કરવાની શક્તિ હોય, તે જ વખતે ધર્મનાં પણ કામ સાથે-સાથે થઇ શકે છે, એ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે; પણ ઘરડાં થઇશું ત્યારે કરીશું એમ જે મુલતવી રાખે છે, તે પાંજરાપોળમાં મૂકવાના ઢોર જેવા નકામા થઇ જાય ત્યારે ધર્મ આરાધવા જાય; પણ શરીર કહ્યું કરે નહીં, ઇન્દ્રિયો કામ આપે નહીં તેવી સ્થિતિ થઇ ગઇ હોય તો તે શું કલ્યાણ તેવે વખતે કરે ? માટે આજથી જ જે મંડી પડશે તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૦૩, આંક ૬૯૨) અનંતકાળથી જીવ ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, ભોગ ભોગવવાના લક્ષણે દેહને સુખરૂપ માની, દેહને પોતાનું સ્વરૂપ સમજી, પોતાના સ્વરૂપનું ભાન ભૂલતો આવ્યો છે.
જગતના જીવોના અભિપ્રાય અને ઇચ્છાઓ અસાર જાણી, જે જીવો જ્ઞાનીપુરુષના નિર્ણયને, તેણે સંમત કરેલું સર્વ સંમત કરવા ભાવના રાખે છે, તેમને ધન્ય છે.
આ કળિકાળમાં ભોગ વખતે, જેને યોગ સાંભરે અથવા જ્ઞાનીએ દેહથી ભિન્ન આત્મા જાણ્યો છે, તે પ્રગટ કરવા અર્થે સત્સંગ, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયનું દમન, ભક્તિ, સત્શાત્રનું વાંચન, મનન આદિ સત્સાધન જેને સાંભરે છે, તે મહાભાગ્યશાળી છે. (બો-૩, પૃ.૬૬૬, આંક ૭૯૬)
‘‘જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.''
આપનો પત્ર, જ્ઞાનપ્રશ્નવાળો, વાંચી આનંદ થયો છેજી. જગતના અનેક પ્રકારો ચિત્તમાં પ્રવેશી, જીવને અસ્વસ્થ કરે છે, તેમાં ધર્મપ્રશ્નને અવકાશ મળવો એ મહાભાગ્ય છેજી. ‘‘ધન્ય તું આતમ જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે'' એમ શ્રી આનંદઘનજી શાંતિનાથજીના સ્તવનમાં ગાય છે. (બો-૩, પૃ.૬૮૭, આંક ૮૨૫)
I શારીરિક ગમે તેટલું દુઃખ હોય તોપણ આત્મા પરમાનંદરૂપ છે, એવી માન્યતા જેને ટકી રહે છે તે ભાગ્યશાળી છે. સૂર્ય ઉપર વાદળાં આવવાથી દિવસે વાંચી પણ ન શકાય તેવું બની જાય તોપણ સૂર્યમાં, સામું પણ ન જોઇ શકાય તેટલું તેજ છે, તે ખાતરી ભુલાતી નથી, તેમ આત્મા અનંત સુખથી ભરપૂર છે, ત્યાં દુઃખનો અંશ પણ નથી એવી માન્યતા, જો દુઃખ વખતે ટકી રહે તો અસહ્ય દુઃખમાં પણ જીવ શાંતિ વેદી શકે છે. (બો-૩, પૃ.૬૩૧, આંક ૭૪૧)