________________
૫૩૫
તમારો વિચાર જિંદગીપર્યંત બ્રહ્મચર્ય પાળવાનો જણાવ્યો, તે ભાવના ટકી રહે તો લાભકારી છે. તેની યોગ્યતા માટે સત્સંગ અને સદ્બોધની ઘણી જરૂર છે. અનાર્યદેશમાં અનાર્ય વિચારોનો પરિચય હોય છે, આત્મભાવના અત્યંત અપરિચિત હોય છે; તેથી તેનો લક્ષ થવો અને ટકવો મુશ્કેલ છે. કૃત્રિમ ઉપાય કોઇ કામના નથી. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮)
જો તમને તમારા પિતા, ત્યાં ધામણમાં રહી પવિત્ર જીવન ગાળવા કહે તો તે માન્ય કરવામાં તમારું વિશેષ હિત સમજાય છે. મુંબઇનો મોહ ઘણાને રોગરૂપ, દરિદ્રતારૂપ, વ્યસનની આપત્તિરૂપ નીવડયો છે. તેમ છતાં તેવું જ પ્રારબ્ધ બાંધેલું હોય અને મુંબઇનો મોહ ન છૂટે તેમ હોય તો બહુ-બહુ સંભાળપૂર્વક, આત્મહિતને વિઘ્ન કરે તેવી પરિસ્થિતિમાં મુકાયો છું એમ નિર્ણય રાખી, બનતા સુધી તે વાતાવરણમાંથી અમુક-અમુક વખત તો જરૂર વર્ષમાં છુટાય તેવું મારે કર્તવ્ય છે, એવી ભાવનાપૂર્વક ન-છૂટકે રહેવું ઘટે છેજી.
તમારા પિતા જે સંતોષપૂર્વક જીવન ગાળે છે, તે અમુક વર્ષ પછી પણ મારે કર્તવ્ય છે, એ લક્ષ ન ચુકાય, તેમ કંઇ ને કંઇ પ્રસંગે વિચારતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૪૮, આંક ૬૦૪)
જેમ થાય તેમ જોયા કરવાનું છે. સત્સંગની ભાવનાનું વિસ્મરણ ન થાય અને પ.પૂ. પ્રભુશ્રીજીએ લક્ષ કરાવ્યો છે તે જ, જ્યાં હોઇએ ત્યાં કર્તવ્ય છેજી.
કાળ પ્રત્યક્ષ કરાળ દેખાય છે, તો પુરુષાર્થ પણ વિકટ કરીએ તો ટકી શકાય, નહીં તો જગતપ્રવાહમાં તણાઇ જવાય તેવું છે. શહેરમાં વિશેષ સાચવવું ઘટે છેજી.
પરમકૃપાળુદેવને તો મુંબઇ સ્મશાન જેવું વૈરાગ્યપ્રેરક દેખાતું. તેમને આશ્રયે આપણે પણ વૈરાગ્યની જ્યોતિ જાગ્રત રાખીશું તો કામ થશે. (બો-૩, પૃ.૬૦૦, આંક ૬૮૭)
જેમ .......ને દવાખાનામાં લઇ જવા પડયા, તેમ આ જીવને જ્યાં પરમકૃપાળુદેવનું માહાત્મ્ય હૃદયમાં વસે, તેવા સત્સંગમાં લઇ જઇ રાખવો ઘટે છે. હવે મુંબઇ કરતાં વિશેષ નિવૃત્તિનું ક્ષેત્ર શોધી, ત્યાં ચાતુર્માસ ગાળવો ધટે છેજી. મુંબઇમાં તમારા જેવા માટે અસત્સંગરૂપ અપથ્યના સેવનનો સંભવ છે. દવાના બહાનાથી મુંબઇમાં રહી, આત્મરોગ વધે તેવું ન થાય તો સારું, એવો વિચાર સ્ફુરવાથી લખવું થયું છેજી. (બો-૩, પૃ.૭૭૫, આંક ૯૯૧)
મુંબઇ દવા માટે આમંત્રણ આપ્યું, તે બદલ ઉપકાર માનું છું. પ્રભુ તેવા અનાર્ય જેવા વાતાવરણમાં ન લઇ જાય, એવી અંતરની ઇચ્છા છે. હવે તો સમાધિમરણને અનુકૂળ એવાં નિમિત્તો મળ્યા કરે, એવી જ ભાવના રહ્યા કરે છે. કરાળ કાળ છે, કરાળ કર્મો છે. તેમાં સારી ભાવના અને સર્તન જ્ઞાનીની
આજ્ઞાએ થાય એ જ કર્તવ્ય છેજી.
જ્યાં-ત્યાંથી આત્માને ક્લેશનાં કારણોથી છૂટી જવાય અને ૫૨મકૃપાળુ પ્રભુશ્રીજીએ ફરસેલી ભૂમિમાં, તેની આજ્ઞામાં આત્માર્થે રહેવાય તેવી ભાવના કર્તવ્ય છેજી.
આપે તો ઘણો સત્સંગ સેવ્યો છે, તેનો રંગ લાગ્યો છે, તો હવે તેના ઉપર આવરણ ન આવે અને તે રંગે-રંગ વધ્યો જાય તેમ કરતા રહેવા, ઉત્તમ અનુકૂળતા પ્રાપ્ત કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૫૮, આંક ૯૫૪)