________________
(૫૪૩
““ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.'' ભાવ એ જ સંસારથી તરવાનું કે સંસારમાં બૂડવાનું કારણ છે; અને સારા ભાવ તો સારાં નિમિત્ત વિના બનતા નથી. તેથી જો આપના પિતાના આત્માનું હિત, સાચા હૃદયે ઇચ્છતા હો, તો તેમને પરમપુરુષના માર્ગ પ્રત્યે રુચિ થાય કે સાંભળવાનું નિમિત્ત બને તેવી કંઈક ગોઠવણ રાખતા રહેવા નમ્રભાવે, નિષ્કારણપણે વિનંતી છેજી. (બી-૩, પૃ.૪૩૭, આંક ૪૫૬) કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વાત ઓર છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી એક વાત કરતા કે બે ભાઈ એક જ્ઞાની પાસે કથા સાંભળવા જતા અને તેમની આજ્ઞાથી ધર્મક્રિયા કરતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થવાથી મોટાભાઇએ નાનાભાઈને કહ્યું : ““ભાઈ, તું જો સ્મશાનમાં જાય તો મારે બે ઘડી ધર્મ કરવા જ્ઞાની પાસે જવાય.' ત્યારે નાનાભાઈએ કહ્યું : “શું મારે ધર્મ કંઇ નથી કરવો? તમારે જવું હોય તો સ્મશાને જાઓ, હું તો આ ધર્મ કરવા ચાલ્યો.'' એમ કહી તે તો મહાત્માના મુકામ તરફ ચાલ્યો. ત્યાં રસ્તામાં કોઈ મિત્ર મળ્યો. તેણે કહ્યું કે આજ તો નાટકમાં ખરી મજાનો ખેલ આવવાનો છે, તું આવીશ કે નહીં? તેણે કહ્યું : “આ ધર્મક્રિયા થઈ રહે કે તુર્ત તારે ત્યાં આવું છું.' એમ કહી મહાત્મા પાસે ગયો અને ધર્મક્રિયાની આજ્ઞા તો લીધી, પણ મન તો નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતું હતું અને ક્યારે અમુક પાઠ પૂરા થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા-પાણી કરી નાટક જોવાનો લહાવો લેવાય, એમ થયા કરતું હતું. ગમે તેમ ગોટા વાળી, ક્રિયા પૂરી કરી, તે ચાલી નીકળ્યો અને નાટકમાં રાત ગાળી. મોટાભાઈને સ્મશાને જવું પડયું, પણ તે વિચાર કર્યા કરતો હતો કે આ કામ આવી ન પડયું હોત તો આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવાનની શાંત મુદ્રાનાં દર્શન થાત, તેમની જગત-હિતકારી, શાંતિપ્રેરક, અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હોત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી, તેમાં વૃત્તિને રોકીને, જેટલો કાળ શુભક્રિયામાં ગાળ્યો હોત, તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. અહીં અજ્ઞાનીઓની વચમાં લૌકિકઅર્થે આવી, આત્માર્થ વિસારી રહ્યો છું, એ મારું કમભાગ્ય છે. એમ વિચારતો પોતાનો કાળ ગાળી, ઘેર જઇ, ભગવદ્ભક્તિ કરી, સૂઈ ગયો. સવારે મહાત્મા જ્ઞાની ગુરુનાં દર્શને હર્ષભેર ગયો અને ગઈ રાતનો ખેદ દર્શાવી, પોતાને પ્રભાતમાં સદ્ગુરુનાં દર્શન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે, તે મહાભાગ્ય માનવા લાગ્યો અને દર્શન, સ્તુતિ કરી શ્રી સદગુરુનાં વચનામૃતથી શાંત થઈ, ઘેર પાછો ગયો. નાનોભાઈ રોજની રૂઢિ મુજબ મહાત્માનાં દર્શન કરવા ગયો. તેને તેના મોટાભાઇના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી, ત્યારે તે બોલ્યો કે, “મહારાજ, મને સ્મશાનમાં મારા મોટાભાઈને મોકલવો હતો અને ધર્મ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કંઈ ધર્મ વહાલો નહીં હોય ? મેં કેવી ધર્મક્રિયા કરી ? અને તેમને લૌકિકમાં જવું પડયું.'