________________
૫૩૧
સત્પુરુષનાં વચનોમાં બે પ્રકાર હોય છે. એક ઉપદેશરૂપ અને બીજો આજ્ઞારૂપ. તેમાં ઉપદેશરૂપ પણ કલ્યાણકારી છે, પણ તેમાંથી યથાશક્તિ ગ્રહણ કરી, બીજાની, ન બને ત્યાં સુધી ભાવના રાખવાની છે. બીજો પ્રકાર ‘આજ્ઞા’રૂપ છે; તે તો મરણતુલ્ય સંકટમાં પણ અનુલ્લંઘનીય છે. ‘ઞ, ધમ્માં તવો' એવું આચારાંગજીનું ફરમાન છે. માટે જે ‘સત્પુરુષની આજ્ઞા’ આપણને પ્રાપ્ત થઇ છે, તે તો મરણપ્રસંગે પણ ચૂકવા યોગ્ય નથી અને બાકી તે આજ્ઞાને પોષનાર હિતકારી ઉપદેશવચનો જે જે મળ્યાં હોય કે ભવિષ્યમાં મળે, તે સર્વને પોતાની શક્તિ વિચારી, અમલમાં મૂકવા યોગ્ય છેજી.
આ ખુલાસો, જે કહ્યો છે તે, માત્ર તમારા મનના સમાધાન અર્થે નથી પરંતુ શાસ્ત્રપ્રણાલી આ જ પ્રકારની છે; જે તમને જાણવામાં વખતે ન હોય તો જે જે પત્રમાં લખાય તે આજ્ઞારૂપ માની, ન બને તેનો ક્લેશ કરો તેમ ન થાય અને આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય, એટલા માટે લખ્યું છે; પણ પુરુષાર્થ મંદ કરવા કે સ્વચ્છંદનું, વિષયનું કે પ્રમાદનું પોષણ થાય, તે અર્થે પણ લખ્યું નથી.
આ બધા દોષો તો ટાળવાના જ છે અને ટાળવા માટે જ જ્ઞાનીઓએ ઉપદેશ દીધેલો છે. માટે બનતા પ્રયત્ને સદાચાર તરફ, અહિંસા, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ ગુણો તરફ ખેંચ રાખી, યથાશક્તિ પ્રવર્તવા ભલામણ છેજી.
સ્મરણ, ભક્તિ આદિ જ્ઞાનીએ જણાવ્યું છે, તે આપણું ખરું જીવન છે, બાકી તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવાય છે, તે તો પૌદ્ગલિક જીવન છે. માટે આત્મ-સંભાળ રાખવા વારંવાર ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૩૩, આંક ૪૫૨)
પ્રમાદ જેવો કોઇ ભૂંડો શત્રુ નથી; તેની સામે થવા, ઊંડા ઊતરી વિચારી કંઇક સત્પુરુષની આજ્ઞા વિશેષ બળથી આરાધવામાં મદદરૂપ થાય તે હેતુથી નીચેની શિખામણનો ઉતારો લખી મોકલ્યો છે :
‘આ જીવને તરણઉપાય, મોક્ષમાર્ગ, પરબ્રહ્મધામની પ્રાપ્તિ, અચ્યુતધામમાં પ્રવેશની કૂંચી સ્વરૂપને ઓળખી પરમાત્માના સ્વરૂપમાં વિલીનતા વિના, અન્ય કોઇ પણ નથી. ધર્મકર્મ-વિમુખ જીવ અધોગતિને જ પામે છે. તેનાં જ્ઞાન, જપ, તપ, ધ્યાન, દાન કંઇ પણ કામ આવતાં નથી. જગતમાં રહેલો જીવ ગમે તેવા જ્ઞાનને પામ્યો હોય, તથાપિ જ્યાં સુધી આ અનિત્ય દેહને અન્નની જરૂર છે, ત્યાં સુધી મહાત્માઓએ ઠરાવેલા ધર્મકર્મના નિયમોનો કદી પણ ત્યાગ કરવો નહિ. ધર્મ જ પરમ બળ છે. ધર્મનું ખંતથી સેવન કરવું. ધર્મનું એક પણ કર્મ ચૂકવાથી, ધીમે-ધીમે અનેક કર્મ ચૂકીને, જીવ કેવળ ભ્રષ્ટતાને પામે છે.''
આટલી શિખામણ, ઘણી ઊંચી ભૂમિકા સુધી ઉપયોગી થઇ પડે તેવી છે; અને અત્યારે પણ આપણા માટે ખાસ વિચારી, તેમાંથી બને તેટલો લાભ લઇ, જીવન સુધારી સફળ કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૬૮, આંક ૧૭૨)
] પૂ. . સાથે અહીં આશ્રમમાં આવવાનું બનશે તો, જેણે આત્મા પ્રગટ કરી આ જગતના જીવો પ્રત્યે અત્યંત કરુણા આવતાં, તેમના ઉદ્ધાર અર્થે જીવન પૂર્ણ થવાના અવસરે કંઇ આજ્ઞા કરી છે, તેમાંથી આપને યોગ્ય, રૂબરૂમાં જણાવાશે.
હાલ તો ‘‘હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ'' એ લીટીથી શરૂ થતા વીસ દોહરા પ્રાર્થનાના છે તે મુખપાઠ કરી, રોજ બોલવાનો નિત્યનિયમ રાખવા ભલામણ છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે