________________
૪૩૮) બીજું, અભ્યાસને માટે સ્કોલરશિપ વગેરે પ્રયત્ન કરવા ધારતા હો તો તે કંઈ ખોટું નથી; પણ તબિયત બગડે તેવા પ્રયત્ન કરવા જતાં, પૈડામાંથી ખીલો નીકળી જતાં ગાડું અટકી પડે તેમ બને, તો બધી ધારણા બંધ રહેવાનો પ્રસંગ આવે. માટે તેની ફિકર નહીં કરતાં, બીજા ઉપાય લેવા. ધર્મલક્ષ્ય, જેને આત્મહિત કરવું હશે તેણે, સત્સંગ દ્વારા શોધવો વહેલેમોડે પડશે. (બી-૩, પૃ.૨૮૦, આંક ૨૭૩) આપનો પત્ર મળ્યો. કોલેજ કોર્સમાં કંઈ આત્મહિત હોય એમ સમજાતું નથી, છતાં અભ્યાસકાળમાં કંઇ નિર્દોષપણું, જીવ સાચવી શકે તો ભવિષ્યની કારકિર્દી અર્થે તે પાયારૂપ છે. ‘પાસ કોર્સ સહેલાઈથી થઈ શકશે એમ લાગે છે.' એમ ફિલસૂફી માટે તમે લખો છો, તે પાસ કોર્સ ગુજરાતી સહિત કરવા ધારો તો તેમાં બહુ ગૂંથાવું ન પડે એમ બને કે કેમ ? કારણ બાર માસ સુધી જે માથાકૂટ કરી હશે, તે પરીક્ષા પૂરતી હોવાથી વ્યર્થ જવા સંભવ છે; અને બે વર્ષનો કોર્સ એક વર્ષમાં કરવાની ચિંતા માથે ચઢી બેસવા સંભવ છે. એકેયમાં આત્મહિત તો નથી સધાવાનું; તો જેમાં શારીરિક, માનસિક બોજો ઓછો રહે તેમ પ્રવર્તવા યોગ્ય છે. તમારી સાથે ફિલસૂફીના પ્રોફેસર અહીં આવેલા, તેણે કોલેજમાં હતા ત્યારે તેમના પ્રોફેસર તનસુખરામને પૂછેલું કે આ ભણતરથી ઇશ્વરપ્રાપ્તિ થશે? તેમણે કહ્યું કે અમે તો પ્રોફેશનલ પ્રોફેસર છીએ. હવે તે પ્રોફેસર થયા છે અને તે જ રીતે ભણાવે છે. જે ગ્રંથો ભણતરમાં આવે છે, તે મુખ્ય તો આત્મજ્ઞાનીના હોતા નથી; નથી તેવા ભણાવનારા. હવે તેવી બાબતોમાં તણાઈ મરવા જેવું નથી. ઓલામાંથી ચૂલામાં પડવા જેવું છે. સાહિત્યમાં શૃંગારથી કંટાળેલો, તત્ત્વજ્ઞાનના શુષ્કપણાથી કંટાળવા સંભવ છે; વખતે તેમાં રસ પડે, તર્કની શ્રેણિએ વૃત્તિ ચઢે, તો “માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઇ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો ડ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (૨૧૧) એવી પરમકૃપાળુદેવની ગૂઢ શિક્ષાને કંઈક પ્રતિકૂળ માર્ગે ચઢે, તે જીવનું ભક્તિમાર્ગમાં દૃઢ ચિત્ત થવું મુશ્કેલ સમજાય છે. બધામાં સંસ્કાર એ મુખ્ય છે. આ તો બાહ્ય નિમિત્તોની વાત કરી અને જ્યાં સુધી જીવ નિમિત્તાધીન થઈ જાય છે, ત્યાં સુધી નિમિત્તોની ગણતરી કરવી રહી. એક વાત એ પણ છે કે કષાય અને નોકષાયમાં (હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદમાં) મોટો ફેર છે. સાહિત્યમાં નોકષાયનું ખેંચાણ છે; ફિલસૂફીમાં કષાયનું, તેમાં પણ અનંતાનુબંધીનું પ્રબળપણે વિચારતાં લાગશે. એકમાં ભક્તિભાવમાં કામ આવે તેવી લાગણીઓ, જીવ ધારે તો પોષી શકે; એકમાં વિચારશક્તિ - જ્ઞાનમાર્ગમાં કામ આવે તેવી તૈયારી કરી શકે. જેને પરમકૃપાળુદેવનું શરણ સમજાયું હોય, તેને હવે જ્ઞાનમાર્ગનો વિકટ પંથ લેવાની જરૂર નથી; કારણ કે તે સર્વ મતોના તત્ત્વોની તુલનામાં અત્યંત વિકટ કાર્ય, તે મહાપુરુષે કર્યું છે. તેના ઉપર વિશ્વાસ રાખી, તેની ભક્તિથી પોતાના દોષો દૂર કરવા, તેને પગલે-પગલે ચાલવારૂપ ભક્તિમાર્ગ આ કાળમાં સુલભ છે. પરમકૃપાળુદેવ જેવાને જે મુશ્કેલી પડી છે, તે માર્ગે તેવા શક્તિવાળા જીવને પણ હજી તેવી જ