________________
૪૬૪
જ્યાં જીવને ભાન નથી, એવા એકેન્દ્રિયાદિમાં કર્મફળચેતના છે.
જ્ઞાનચેતનામાં ચેતન છે, કર્મચેતનામાં ચેતન છે અને કર્મફળચેતનામાં પણ ચેતન તો છે. કર્મચેતના અને કર્મફળચેતનામાં આત્મા અશુદ્ધ છે. (બો-૧, પૃ.૩૪૫, આંક ૨૭)
મનુષ્યભવ
D ઋષભદેવ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ભરત, બાહુબળને રાજ્ય આપ્યું; બીજા અઠ્ઠાણું પુત્રોને પણ રાજ્ય વહેંચી આપ્યું.
એક વખતે ભરતની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેનાથી તે છ ખંડનો અધિપતિ થયો, પણ ચક્ર આયુધશાળામાં જાય નહીં. પછી તપાસતાં ભરતને ખબર પડી કે મારા ભાઇઓને આણ માનવી નથી. તેથી ભાઇઓને આણ માનવા કહ્યું; ત્યારે અઠ્ઠાણું ભાઇઓ ભગવાન પાસે ગયા અને કહ્યું કે આપે તો રાજ્ય છોડી દીક્ષા લીધી; અમને આપે રાજ્ય આપ્યું હતું, પણ ભરત અમારા ઉપર આણ મનાવવા મથે છે; તો અમારે શું કરવું ?
ભગવાન બોલ્યા : ‘‘મનુષ્યભવ દુર્લભ છે. આત્માનું આ ભવમાં કંઇક કરી લેવું. આખો લોક રાગ-દ્વેષથી બળે છે.’’ એમ ભગવાને ઉપદેશ આપ્યો કે તરત જ, ત્યાં જ અઠ્ઠાણું પુત્રોએ દીક્ષા લીધી. પરમકૃપાળુદેવે જે કંઇ આજ્ઞા કરી છે, તે આપણા માટે કરી છે. આ મનુષ્યભવ કેમ સફળ થાય ? તે કરવાનું છે. આ મનુષ્યભવમાં મોહનો ક્ષય કરી, મોક્ષે જાય એટલી બધી આત્માની શક્તિ છે; ધારે તે કરી શકે. જીવ તો પવિત્ર છે, પણ યોગ્યતાની ખામી છે, માન્યતાની ભૂલ છે. એ ફરી જાય તો મોક્ષમાર્ગે ચઢી જાય. (બો-૧, પૃ.૨૦૫, આંક ૮૭)
મનુષ્યભવ બહુ પુણ્યના ઢગલા કમાયા પછી મળે છે, એમ ૫.પૂ. પરમકૃપાળુદેવે લખ્યું છે :
‘‘બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.’’
આટલી કડીનો પણ બરાબર વિચાર થાય તો આ જીવ, મનુષ્યભવ મળ્યો છે, તેની દરેક ક્ષણ રત્નચિંતામણિ કરતાં અધિક આંકે, પણ સમજણ વગર બધું પ્રવર્તન જીવ કર્યા કરે છે તો જન્મમરણનો નિવેડો ક્યાંથી આવે ?
જેમ ઘી મોઘું મળે છે, એમ સમજાયું છે તો તેને પાણીની પેઠે કોઇ વાપરતું કે ઢોળી દેતું નથી; પણ મનુષ્યભવ શા માટે મળ્યો છે, અને શામાં દિવસ ઉપર દિવસો વહ્યા જાય છે, તે જો નહીં વિચારીએ તો મરણ વખતે પસ્તાવું પડશે અને માઠી ગતિમાં દુઃખી થવું પડશે. માટે ખોટી ગતિ ઊભી થાય, તેવાં કામમાં તો મારે આ ભવ ગાળવો નથી; જન્મમરણ છૂટે એવું સત્સાધન, પરમકૃપાળુદેવની કૃપાથી આ ભવમાં મળ્યું છે, તો હરતાં-ફરતાં, કામ કરતાં, રાંધતાં-સીંધતાં, જાગતાં હોઇએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ મંત્રનું સ્મરણ ચાલુ જ, જીભે રટાયા કરે, એવી ટેવ પાડી મૂકી હોય તો કેવી કમાણી થયા કરે !
ફિકર, ચિંતા, ક્રોધ, અરતિ, ક્લેશ, કંકાસ, શોક, દુઃખ - બધાં આર્તધ્યાનનાં કારણો, કૂતરાં લાકડી દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઇ જાય અને આ સંસારતાપમાં તપતા બિચારા આત્માને શાંતિ,