________________
૫૦૨
0
‘‘ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.''
અહીં શુદ્ધ આત્મા તરફ વૃત્તિ વળતાં સંસારનું વિસ્મરણ થાય છે, એમ દર્શાવ્યું છેજી. સદ્ગુરુ શુદ્ધ આત્મસ્વરૂપ છે; તેની ઉપાસના તે પણ, તે જ પદમાં લીન થવા અર્થે છેજી. (બો-૩, પૃ.૨૯૬, આંક ૨૮૫)
‘ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.'
""
આપનો પત્ર પ્રાપ્ત થયો. સત્સંગના વિયોગે આપને મૂંઝવણ રહે છે તેમ જ વૃત્તિના ચંચળપણાને લઇને મધુબિંદુની લાલસાનું દૃષ્ટાંત છે તેમ થયા કરે છે, તે વાત જાણી.
હે ભાઇ ! આપના જેવી જ આ કાળના મુમુક્ષુઓની દશા છે, તે કેમ પલટાય અને પરમાર્થજિજ્ઞાસા કેમ વધે, તેના વિચારમાં જ જાણે ઉપર લખેલો દોહરો, પરમકૃપાળુદેવે છેવટના અંતિમ કાવ્યમાં (પત્રાંક ૯૫૪માં) જણાવ્યો છે.
ત્રણ પ્રકારના - જધન્ય, મધ્યમ અને ઉત્તમ - પાત્રોનું વર્ણન કરી, સમભાવનું ઔષધ બતાવી, સંસારની ઉત્પત્તિ અને નાશનાં કારણો બતાવ્યાં છે. ‘‘વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.'' ત્યાંથી શરૂ કરી જે વર્ણન કર્યું છે, તેના સારરૂપ આ છેલ્લો દોહરો છે.
મોહના વિકલ્પો, મુમુક્ષુજીવને ઝેર ખવડાવી મારી નાખનાર, અપર માતા સમાન છે. અનંતકાળ તેની ગોદમાં આ જીવ ઊછર્યો છે, દુઃખ-પરંપરા ભોગવતો રહ્યો છે. એ મોહના વિકલ્પોનું દુઃખ જીવને યથાર્થ લાગશે ત્યારે આ બાહ્યદૃષ્ટિને છોડી, જ્ઞાનીએ જે સત્સાધન કૃપા કરીને આપ્યું છે તે શ્રદ્ધા રાખીને, માષતુષમુનિની પેઠે ઉપાસ્યા કરશે તો મોહનિદ્રામાંથી જાગવાનો પ્રસંગ બનશેજી. તે સાધનને પરમ પ્રેમે ઉપાસવાનું મૂકી દઇ, બૂમો પાડયા કરીએ તોપણ કંઇ વળે તેમ નથી.
માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ છેવટે સત્સંગ કરતા રહેવા ભલામણ આપી છે અને સત્સાધન આપી, તે સમજાવવા ઘણો લાંબો કાળ ઉપદેશ દીધા કર્યો છે. તેની સ્મૃતિ આણી, આ જીવને માયિક સુખની વાંછાથી પાછો જરૂ૨ વાળવા યોગ્ય છે. જ્યાં સુધી બીજે-બીજે વૃત્તિ ફરતી રહે, ત્યાં સુધી અંતર્મુખવૃત્તિ ક્યાંથી થાય ? માટે –
‘‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.''
એ ગાથા વિચારી, ઉપશમ-વૈરાગ્યનું બળ વધે તેવું વાંચન, તેવું શ્રવણ, તેવો અભ્યાસ, તેવી સત્સંગે વાતચીતો કરતા રહેવા ભલામણ છેજી.
કારણ મેળવ્યા વિના કાર્ય થાય નહીં; માટે જરૂર આ જીવે કંઇ, છૂટવા માટે સાચા થવાની જરૂર છે, એ દયમાં રાખી, છોકરાં-છૈયાં, વિલાસ-વાસના આદિનો મોહ ઓછો કરવા વારંવાર વિચાર કરી, જગતના પદાર્થોનું તુચ્છપણું એંઠ સમાન લાગે, તેવી વૃત્તિ કરવી ઘટે છેજી.