________________
(૪૮૫) આપણી સાથે નિરંતર સમીપમાં રહેનાર, એવા કેટલાય જીવો દેહ છોડીને ચાલ્યા ગયા છતાં, આપણને હજી યથાર્થ વૈરાગ્ય આવતો નથી અને દેહ પ્રત્યે મૂછ ઘટતી નથી. જાણે મારે કદી મરવું જ નથી, એવા કઠોર પરિણામી આ જીવને ધિક્કાર હો કે હજુ કંઈ અપૂર્વતા પામ્યો નહીં અને ધર્મ કરતાં, માન આદિકની વિશેષ ઇચ્છાએ સર્વે પ્રવૃત્તિ કરી છે, તે માન જીવને કઈ ગતિએ લઈ જશે? વિચારવાન સ્ત્રી-પુરુષે માનાદિકનો પરાજય કરી, એક આત્મવિચારણામાં જ કાળ કાઢવો જરૂરનો છે. જે જીવોને અસંગતાના, નિજસ્વભાવમાં મગ્ન રહેવાના વિચારો નિરંતર સ્ફર્યા કરે છે, તે મહાભાગ્યશાળી પુરુષોને ધન્ય છે ! તે પ્રતિબંધ તથા પ્રમાદને ઝેર, ઝેર ને ઝેર જાણીને ત્યાગે છે. દેહ, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધી કે ધનાદિક, અનંતવાર આ જીવને પ્રાપ્ત થયાં અને તેને એ મૂકતો આવ્યો છે, છતાં એને વિષે જે મારાપણું રાખતો આવ્યો છે, તે મારાપણું જ્ઞાની મહાત્માનો બોધ વિચારી કદી છોડયું નથી. માટે આ દેહે જ તે મારાપણું છોડવું છે અને તેને માટે કોઈ એક પુરુષને શોધી, તેના ચરણકમળમાં તન-મન-ધન-સર્વસ્વ અર્પણ કરી, મોક્ષ સિવાય કશી કામના રાખવી નથી. માત્ર સાચા માર્ગ બતાવનારા, એવા સદ્ગુરુ પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવનું શરણું લઇ, સમાધિપૂર્વક આ દેહ ટકે ત્યાં સુધી, તેની તે જ ભાવના રાખીશું અને અંતે તે પરમપુરુષના શરણસહિત દેહત્યાગ કરીશું તો ખચિત સત્સમાધિને પામીશું. પુરુષાર્થ વર્ધમાન કરી, અનર્થદંડ અને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યા જતા ચિત્તને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'ના સ્મરણમાં, તેના શરણના માહાભ્યમાં, કળિકાળમાં આટલો જોગ બની આવ્યો છે તે અહોભાગ્ય ગણી, તેને અમૂલ્ય ચિંતવી, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર-નિરંતર સ્તવવામાં, પોતાના દોષ જોઈ દોષને ટાળવામાં, ચિત્તવૃત્તિને રોકવી ઘટે છે. જેણે મોક્ષ મેળવવા કેડ બાંધી છે, તેણે જગત તરફ પૂંઠ ફેરવી છે. જગતને અને તેને કાંઈ લાગતું-વળગતું નથી. માત્ર તેને તો હવે જેટલાં પરપુદ્ગલ ગ્રહણ થયાં છે, તે ઋણ પતાવી મુક્ત થવું છે, તો રાગ-દ્વેષ, મોહ-મમતા કરી, નવાં પુદ્ગલ ગ્રહણ કરવા કરતાં, મરણને અંગીકાર કરવાનું તે વધારે પસંદ કરે છે. આવી મહાપુરુષની મનોવૃત્તિમાં આપણી વિચારણા નિરંતર રમણતા કરો. (બી-૩, પૃ.૩૭, આંક ૨૪) T મુમુક્ષુતાની જીવને ઘણી જરૂર છે એટલે મોહાસક્તિથી મૂંઝાઇ, મોક્ષના માર્ગમાં પ્રવર્તવાની ભાવના દિન-દિન વધવી જોઈએ. કૂતરાં, બિલાડાંની પેઠે પેટ ભરવા અર્થે જ મનુષ્યભવ ગાળવો નથી, પણ ભવબંધનના આંટા ઊકલે અને મોક્ષમાર્ગમાં આગળ વધાય તો જ આ મનુષ્યભવ મળ્યો છે, તે સાર્થક થયો ગણાય. આત્માની શ્રદ્ધા થવા છ પદનો પત્ર તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, પરમકૃપાળુદેવે જે આ કાળમાં આપણા માટે પ્રગટ ઉપદેશ્યાં છે, તેનો વિશેષ-વિશેષ વિચાર કરી “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.' - આટલી બાબત હૃદયમાં દ્રઢ થઈ જાય, મરણપ્રસંગે પણ તે શ્રદ્ધા ચળે નહીં તેવી અટળ બની રહે અને શરીરનાં દુઃખ તથા સુખ પ્રત્યે ઉદાસીનતા રહ્યા કરે, આત્મસુખ ચાખવાની નિરંતર ભાવના રહ્યા કરે એ પ્રકારે વાંચન, વિચાર, ભક્તિ, ચર્ચા, પૃચ્છના, ભાવના, સમજણ કરતા રહેવા ભલામણ છેજી(બો-૩, પૃ.૩૩૭, આંક ૩૩૯).