________________
૪૯
પોતાનાં કર્યાં પોતાને પશ્ચાત્તાપ સહિત ભોગવવાં પડે છે, માટે પહેલેથી ચેતી જેટલો ખરાબ સંગ વહેલો છોડાય અને સત્સંગનો જોગ મળે તેવી ભાવના અને પુરુષાર્થ કર્યે છૂટકો છે. (બો-૩, પૃ.૭૪૮, આંક ૯૨૬)
“શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ.’’
આ લક્ષ રાખવાનો છે. પારકી પંચાત છોડી, આ આત્માની શી વલે થશે એ વિચારી, પોતાની દયા ખાવા જેવું છેજી. (બો-૩, પૃ.૬૫૯, આંક ૭૮૪)
દેહ
Û જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?'' (૫૬૮) એ વિચારશોજી. (બો-૩, પૃ.૨૬૪, આંક ૨૫૮)
શરીરનો ફોટો લીધો હોય, તે સારો દેખાય; પણ એક્સરેથી ફોટો લીધો હોય તો હાડકાં જ દેખાય અને તેમાં મોહ થાય નહીં. તેમ જ્ઞાનીપુરુષોની દૃષ્ટિ હોય છે. તેમને મોહ થતો જ નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ યથાતથ્ય દીઠું છે. જ્ઞાનીપુરુષોએ તો એક આત્મા સિવાય બધું પુદ્ગલ જ જોયું. (બો-૧, પૃ.૧૨, આંક ૧૪)
અહો ! આ શરીર કેવો દગો દે તેવું છે ? એક ઘડીવારનો તેનો વિશ્વાસ રખાય તેવું નથી. એક શ્વાસ ઊંચો લીધો હોય તે નીચો લેવાશે તેનો ભરોસો નથી. આવી અસ્થિર વસ્તુ-સ્થિતિ આ દેહની છે.
શ્રી સનકુમાર ચક્રવર્તી જેવાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી દેવોના ઇન્દ્ર પણ વખાણે તેવી કાયાની સુંદરતા પ્રાપ્ત કરી હતી; તે પણ એક ક્ષણવારમાં સોળ મોટા રોગ ઉત્પન્ન કરી, સાતસો વર્ષ સુધી તે મહાભાગ્યને ઉપસર્ગ કરવા તત્પર થઇ, પરંતુ તે સમ્યદૃષ્ટિવંત ભગવંતે તો તેની દરકાર રાખ્યા વિના, છ ખંડનું રાજ્ય છોડી, ભીખના ટુકડા ઉપર તેનો નિર્વાહ કરવાનું નક્કી કર્યું અને તે અનિત્ય અને અશુચિભરી કાયાને નિત્ય અને મહાપવિત્ર પરમપદ પ્રાપ્ત કરવાના કામમાં લગાડી દીધી.
ધન્ય છે તે મહા ધીર, શૂરવીર સંતપુરુષોને કે જે દેહની દરકાર છોડી, આત્માને ઉન્નત કરવા જ જીવે છે, જીવતા હતા અને જીવશે.
દેહ એ કર્મનો જ સંચો છે, કર્મવશ તેની અવસ્થા પલટાતી રહે છે. તેમાં પુરાયેલો આત્મા તેને પોતાનું ઘર માની, અરે પોતાનું રૂપ માની, તેમાં માન કરે છે કે હું કેવો રૂપાળો છું, હું કેવો બળવાળો છું, હું કેવું બોલું છું, હું કેવું લખું છું; પણ તેની દશા પરવશ છે તેવી પ્રગટ દેખાય છે ત્યારે વળી ખેદ કરે છે કે હું નિર્બળ થઇ ગયો, મારાથી ઉઠાતું નથી, ચલાતું નથી, બોલાતું નથી, લખાતું નથી, હું ફીકો પડી ગયો, હું રોગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અભણ છું, મને સરત રહેતી નથી, ભૂલી જવાય છે - આમ રોદણાં રડવા લાગે છે અને પાછો સાજો થયો એટલે પાછો અહંકાર કરવા લાગે છે કે મારા જેવું કોઇ કમાતું નથી, મારો વેપાર બધા કરતાં સારો ચાલે છે, મારી બરોબરી કરે એવો કોણ છે, આ વર્ષમાં તો આટલું જરૂર કમાવાનો.