________________
૪૫૮)
એક ચોર, ભિક્ષા માગી-લાવી છોકરાં માટે ખીર રાંધીને પીરસી હતી, તે થાળી લઈને જતો રહ્યો. તેથી છોકરાઓએ પોતાના બાપને ફરિયાદ કરી. તે હથિયાર લઈ ચોરને મારવા લાગ્યો. તે દ્રઢપ્રહારીને ખબર પડતાં બાપને તેણે માર્યો. તેવામાં ગાય સામી થઇ, તેને મારી અને સ્ત્રી લડવા આવી, તેને શસ્ત્ર-તરવારથી કાપી નાખી. તે સગર્ભા હતી, તેનો ગર્ભ પણ કપાઈને પડયો. તે જોઈ તેને પશ્ચાત્તાપ થયો અને બાળકોએ રડતાં-રડતાં કહ્યું : ““અમને પણ મારી નાખ, માબાપ વગર ગરીબાઇમાં અમેય મરી જ જવાનાં છીએ.” તેથી તો તેને વિશેષ નિર્વેદ થયો કે હવે આ પાપથી કેમ છૂટીશ? એવામાં સાધુઓને દીઠા. પાપને ટાળે તેવો સદુપદેશ તેમણે દીધો, તેથી તે બોધ પામી દીક્ષિત થયો અને ક્ષમા ધારણ કરવાનો દ્રઢ નિર્ણય-નિયમ લીધો. વળી “જ્યાં સુધી આ પાપની સ્મૃતિ રહે ત્યાં સુધી મારે આહાર ન કરવો.' એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી, ત્યાં જ તિરસ્કાર, માર વગેરેના ઉપસર્ગ સહન કરતો, તે રહ્યો. પોતાનાં કરેલાં પાપ જ ભોગવાઇને છૂટે છે એમ ગણી, સર્વ સહન કરવા લાગ્યો. કર્મશત્રુઓ પ્રતિ તપશસ્ત્ર ધારણ કરી, ખરેખરો દૃઢપ્રહારી તે બન્યો. છ માસમાં સર્વ કર્મ નિર્મૂળ કરી, કેવળજ્ઞાન ઉપજાવી, તે તપસિદ્ધ થયો. મૂળ મુદ્દો સાચવી પ્રસંગાનુસાર કથાનકોમાં આચાર્યો વિસ્તાર, સંકોચ કે ફેરફાર કરે છેજી. એમાં કોઈ દોષ કે મૃષાવાદ નથી. ધર્મકથાથી ધર્મહેતુ સધાય છેજી, તે લક્ષ રાખવો.
(બો-૩, પૃ.૨૩૮, આંક ૨૩૨) D આપને એક શંકા થઈ છે, રહે છે કે જડથી ચેતન ઊપજે નહીં છતાં શ્રી રામચંદ્રના ચરણકમળનો સ્પર્શ
થતાં શિલાની અહલ્યા કેમ થઈ? તે વિષે જણાવવાનું કે કેટલીક બાબતો કથાનુયોગની એટલે પુરાણોની એવી હોય છે કે તેમાંથી માત્ર સાર ગ્રહણ કરવાનો હોય છે; અક્ષર-અક્ષર બેસાડવા જઈએ તો ન બેસે. માત્ર પરમાર્થ ઉપર દ્રષ્ટિ રાખી પુરાણો વાંચવા યોગ્ય છે. શ્રી રામચંદ્રનું માહાભ્ય અને પતિતપાવન સ્વરૂપ જણાવવા મુખ્ય તો તે કથા છે. સિદ્ધાંતગ્રંથોમાં બે ને બે ચાર થાય તેમ હિસાબ બેસી જાય તેવી વાતો હોય છે; કદી, તેમાં લખ્યું હોય તે ફેરફારવાળું ન હોય. આત્મસિદ્ધિશાસ્ત્રમાં સિદ્ધાંતની વાત છે અને રામાયણ એ પુરાણ ગ્રંથ છે. તે દ્રષ્ટાંત સૈદ્ધાંતિક રીતે પણ ઘટે તેમ છે. માત્ર વચ્ચે કાળ જે ગયો તેની ગણતરી કથામાં ટૂંકાવી દીધી છે.
શિલામાંથી મનુષ્યની ઉત્પત્તિ જાદુ કે ચમત્કારની પેઠે ન થાય તે કથાકાર તેમ જ સમજુ શ્રોતાઓ પણ જાણે છે; પણ ભોળા સાંભળનારાઓ, વિચાર ન કરી શકે તેવા તો શિલામાંથી અહલ્યા માની લે તેમાં નવાઈ નથી.
ત્યાં શિલા એટલે માત્ર પથ્થર નથી જણાવ્યો; પણ પૃથ્વીકાયનો જીવ એટલે શિલા જેનું શરીર છે તે જીવને શ્રી રામચંદ્ર મહાત્માના સ્પર્શથી જે પુણ્ય બંધાયું તેથી તેણે મનુષ્યગતિનું - અહલ્યા થવાના ભવનું આયુષ્ય તે વખતે બાંધ્યું અને કાળે કરીને તે દેહ છોડી, મનુષ્યભવમાં તે કન્યારૂપે જન્મ્યો ત્યારે તેનું અહલ્યા નામ પડ્યું.