________________
૯૧
સેવામાં રહ્યા હતા તેમ, સંયમ સાથે રહું. જો આપની પવિત્ર સેવાનો લાભ લેવા જેટલું આ હીનભાગી બાળકનું પૂર્વકર્મ ન હોય, અને તેવી આજ્ઞા મળવાની અનુકૂળતા ન હોય, તો આપને તથા પવિત્ર સેવામાં અહોનિશ રહેતાં ભાઇબહેનોને અલ્પ પણ બોજારૂપ ન નીવડું, તેમ મારી વ્યવસ્થા જુદી રાખી, હું માત્ર આપના સંગમાં ઘણોખરો કાળ ગાળું તેવી ગોઠવણ, હું મારી જાતે કરી લઉં.
તે તે તીર્થસ્થળોના શ્રાવકો જેમ આ૫ના ૫૨મ સત્સંગમાં રહી શકે તેમ એક વર્ષ રહી, સર્વ ક્રિયા આપની આજ્ઞાને અનુસરી કરવા ધારણા છે, અને આમ બાર માસ જો પરમ સત્સંગમાં જાય તો જેની ટેવ, અભ્યાસ પાડવો યોગ્ય છે તે પ્રમાણેનું જીવન ઘડાય અને એ લક્ષે બાકીનું જીવન જાય, એવી ભાવના રાખી છે. ઉપાધિ તો સર્જિત હશે તે ગમે ત્યાં બેઠાં વેદવી જ પડશે, પણ તે ન છૂટે ત્યાં સુધી કેમ કાળ ગાળવો, તેના અભ્યાસની હાલ બહુ જરૂર જણાય છે. તે એકાદ માસથી કે પત્ર દ્વારા કામ થઇ શકે તેવું નહીં હોવાથી એક વર્ષની આપ પ્રભુની પાસે માગણી છે. મારું લક્ષ આપની આજ્ઞા ઉઠાવવાનું છે એટલે આપની વૃદ્ધાવસ્થાને લીધે કે મારી કોઇ સ્થિતિને લીધે મારી દૃષ્ટિ બાહ્ય પ્રવર્તે નહીં, તે તરફ હું ખાસ લક્ષ રાખવા દૃઢ પ્રતિજ્ઞા કરું છું. એક વાર અહીંની વ્યવસ્થા કરી નીકળી જાઉં અને એક-બે વર્ષ સુધી પાછું વાળીને ન જ જોઉં, એમ અંતરમાં વારંવાર ઊગી આવે છે.
પ્રશંસા માટે લખતો નથી, પણ આપની સેવામાં રહેવાની ઇચ્છા જણાવું છું ત્યારે અન્ય વાંચનારની નજરે પણ આ ઇચ્છા વધારે પડતી ન જણાય, માટે જણાવવાની રજા લઉં છું કે મારાથી શારીરિક મહેનત પણ હજી થઇ શકે છે; કારણ કે નોકરીને અંગે મેં અમલદારી કરી નથી. અહીં મારું ઘણુંખરું કામ હું જાતે કરું છું. ખાવાનું કરતાં મને આવડે છે. થોડા મહાવરા પછી સારું કરી શકું એમ પણ મનમાં રહે છે; પણ બીજાને પ્રસન્ન કરવા માટે મેં હજી કર્યું નથી. પાણી ખેંચવાનું અને વહી લાવવાનું પણ ફાવે. કપડાં ધોતાં તો આવડે છે. આ બહારની સેવા ઉપરાંત આપ પ્રભુશ્રીની શારીરિક સેવામાં સાધારણ રીતે તો ઉપયોગમાં આવું, એવું લાગે છે. મારે એકલાને તે સેવા કરવાનો પ્રસંગ કદી આવ્યો નથી, એટલે કંઇ કહી શકતો નથી. બાકી ઉમેદ તો છે કે હું થોડા દિવસમાં તૈયાર થઇ જાઉં.
બીજું, હવે ચિત્ત પણ વ્યવહા૨, ૫૨માર્થમાં સ્થિર વર્તે છે, એટલે આપની સમક્ષ રહેવાથી આશાતના આદિ દોષ થાય એવો સંભવ નથીજી. મુનિશ્રી મોહનલાલજી દ્વારા પણ આપ પ્રભુને મારી વર્તણૂક સંબંધી સમાચાર મળશે અને આપનાથી અજાણ્યું હોય એવું એક પણ પરમાણુ મારામાં નથી, એમ મારું માનવું છે. એથી વિશેષ લખવું નિરર્થક છે.
પવિત્ર સેવાનો કે તે ન બને તો પરમ સત્સંગનો, કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાનો પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય. (બો-૩, પૃ.૧૬, આંક ૩)
પ્રભુશ્રીજીના પ્રસંગો
સવારે સાડા ચાર-પાંચ વાગ્યે લબ્ધિસાર ગ્રંથ ઘણુંખરું વંચાય છે. ૫.પૂ. પ્રભુશ્રીજીના વખતમાં વહેલાં ત્રણ વાગ્યે સવારે, બધા મળી આ ગ્રંથ વાંચેલો યાદ આવે છે. તે વખતે કંઇ સમજાતું નહીં, પણ કેવળી, શ્રુતકેવળી કે તીર્થંકરના પાદમૂળમાં ક્ષાયક સમ્યક્ત્વની નિષ્ઠાપના થાય છે એમ વંચાતું હતું ત્યારે પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવનાં ચિત્રપટ તરફ આંગળી કરેલી યાદ આવે છે.