________________
(૨૭૭) 1 પ્રભુમાં પરમ પ્રેમ થાય તો તે કેવળજ્ઞાનનું બીજ, સમકિત પ્રગટવાનું કારણ છે. બીજેથી પ્રીતિ ઊઠે તો સપુરુષ પ્રત્યે પ્રીતિ થાય. બધેથી પ્રેમ ઉઠાડી ત્યાં મૂકે તો કામ કરે. ગમે તેટલું અઘરું પડે, પણ મારે તો જ્ઞાનીએ કહ્યું તે જ કરવું છે. એવું થાય તો જ્ઞાની કહે છે, જીવને માન્ય થાય. જ્ઞાનીએ કહેલી વાત માન્ય થાય તો આત્મામાં ઉપયોગ જાય અને આત્મા તે જ હું, એમ જીવને થાય, સ્વપરપ્રકાશકજ્ઞાન એ આત્માનો પ્રત્યક્ષ ગુણ છે. જાણનાર તે જ હું છું. જ્ઞાની દિવસને રાત કહે તોય માને, એવી પ્રતીતિ થાય ત્યારે આત્મજ્ઞાન થાય. પોતાની બુદ્ધિનું દેવાળુ કાઢવાનું છે. જ્ઞાની કહે તે જ માનવું. પરોક્ષ શ્રદ્ધા દ્રઢ થઇ જાય તો તેમાંથી પ્રત્યક્ષ થાય. જ્ઞાનીને આધારે જે પરોક્ષ પ્રતીતિ થઈ તે જરાક આગળ વધે તો પ્રત્યક્ષ થઈ જાય; પણ જ્ઞાનીનું કહેવું માનવું બહુ અઘરું છે. ઘણા અંતરાયો દૂર થાય ત્યારે હું કંઈ નથી જાણતો એમ થાય. (બો-૧, પૃ.૩૨૮) સ્ફટિક સફેદ છે, તે જેવો સંગ થાય તેવો દેખાય પણ તે રૂપ થાય નહીં તેમ જ્ઞાની કર્મઉદય સહિત છે, પણ રાગ-દ્વેષ કરતાં નથી, તેમાં રંગાઈ જતાં નથી. વ્યવહારમાં વર્તે, પણ વૃત્તિ અંતરમાં રહે છે. થાકેલો જેમ માંડ-માંડ કામ કરે તેમ જ્ઞાનીને કરવું પડે છે, પણ એમાં રંગાતા નથી. આત્મામાં એ જાગૃત રહે છે, બીજાં કામોમાં એ ઊંઘે છે. એક આત્માને સંભાળે છે, સ્વરૂપમાં લીન થાય છે. સોનું ગમે તેટલો કાળ કાદવમાં રહે, તો પણ તેને કાટ ન લાગે; તેમ આત્મજ્ઞાન થયા પછી કોટી વર્ષ સંસારમાં રહે, તોપણ મલિન ન થાય. જ્ઞાન થવાથી મોક્ષનો આનંદ આવે છે. તેને પરવસ્તુનું માહાત્મ નથી. જ્ઞાનીમાં જગત નથી, જગતથી રહિત છે. તેનું અંતઃકરણ જોઇએ તો જ્ઞાનથી ભરપૂર છે. બીજું કશું નથી. જાગતો હોય પણ જાણે ઊંધે છે એમ લાગે, તે નર મુક્ત છે. જેની શંકાગ્રંથિ, કર્મગ્રંથિ ભેદાઇ છે, જેને દેહ છતાં નિર્વાણ છે મુક્ત જેવા છે, એનું નામ જીવનમુક્ત છે. (બો-૧, પૃ.૧૯૭). 1 સપુરુષનો યોગ મળ્યા પછી તેનું ઓળખાણ થવું એ દુર્લભ છે; કારણ કે, પરમકૃપાળુદેવે
ઉપદેશછાયામાં જણાવ્યું છે તેમ, મચ્છવેધ કરનારની નજર પાણીમાં હોય છે પણ તેને વીંધવું છે આકાશમાં ફરતું મચ્છ આકારનું લક્ષ્ય, તેની દ્રષ્ટિ લોકોને પાણી તરફ લાગે છે પણ તેનું ધ્યાન ઊંચે આકાશમાં છે; એ રીતે સત્પરુષો આપણને દેહરૂપે આપણી આંખે દેખાય છે પણ તેમનું ધ્યાન, તેમની રમણતા સદ્ગુરુમાં, આત્મસ્વરૂપમાં જ હોય છે. પ્રારબ્ધ અનુસાર જે જે ક્રિયા કરવી પડે છે તેમાં તેને અનાસક્તિ હોય છે. પોતે સદ્દગુરુને સર્વસ્વ અર્પણ, સાચા ભાવે કરેલું છે એટલે આપણી આંખે જે દેખાય છે તેને તે પોતાનું માનતા નથી અને તેના તરફ આપણો લક્ષ્ય રહે તેમ ઇચ્છતા પણ નથી. તેથી સત્પરુષને ઓળખવા માટે તેમના બોધની જરૂર છે અને ઉપશમ, વૈરાગ્ય તથા ઇન્દ્રિયના જયની પણ તેટલી જ જરૂર છે. આપણી કલ્પનાએ સત્પરુષને પૂજીએ કે તેમના ઉપર શ્રદ્ધા રાખીએ તે કરતાં, તેમણે આપણને જેમના ઉપર શ્રદ્ધા રાખવાનું કહ્યું છે તે પ્રમાણે કરીએ તો તેમાં વિશેષ કલ્યાણ છેજી. એ નિર્ભય માર્ગ છે, નિઃશંક માર્ગ છે. પરમકૃપાળુદેવને બતાવનાર પુરુષ ઉપર વિશ્વાસ રાખ્યાનું ફળ પણ એ જ કહેવાય કે પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, એનું અનન્ય શરણ ગ્રહણ કરવું. (બી-૩, પૃ. ૨, આંક ૫૦)